મુખ્ય સમાચાર
News of Wednesday, 16th September 2020

ગુજરાતમાં નોકરીની સૌથી વધુ તકો

સરકાર પાસે નોકરી માંગી રહ્યા છે ૧.૦૩ કરોડ લોકો : ઉપલબ્ધ માત્ર ૧.૭૭ લાખ

નવી દિલ્હી,તા. ૧૬: શ્રમ મંત્રાલયના તાજા આંકડાઓ મુજબ દેશમાં ૧.૦૩ કરોડ લોકો નોકરી શોધી રહ્યા છે. પણ અલગ અલગ રાજ્યોમાં અત્યારે માત્ર પોણા બે લાખ નોકરીઓ જ ઉપલબ્ધ છે. પશ્ચિમ બંગાળના લોકોએ નોકરી માટે સૌથી વધોર રજીસ્ટ્રેશન કરાવ્યું છે. સરકારના નેશનલ કેરીયર સર્વિસ પોર્ટલ દ્વારા લોકોએ નોકરી માંગી છે. સરકાર આંકડાઓ અનુસાર પશ્ચિમ બંગાળમાંથી ૨૩.૬૧ લાખ લોકોએ આ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કર્યું છે. નોકરીની જરૂરિયાત બાબતે યુપી બીજા નંબરે છે. ત્યાંના ૧૪.૬૦ લાખ લોકો નોકરી શોધી રહ્યા છે. ત્રીજા નંબર પર મહારાષ્ટ્ર (૧૩.૩૨ લાખ) ચોથા નંબરે બિહાર (૧૨.૩૨ લાખ) અને પાંચમા નંબર પર રાજસ્થાન (૬.૧૭ લાખ) લોકો નોકરી શોધી રહ્યા છે.

દિલ્હીમાં ૯૦ હજાર, હરિયાણામાં ૭૧ હજાર, ઝારખંડમાં ૯૩ હજાર અને ઉતરાખંડમાં ૪૯ હજાર લોકોએ આ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવ્યું છે. સરકાર તરફથી અપાયેલા આંકડાએ પોર્ટલની શરૂઆતથી માંડીને ૩૧ ઓગસ્ટ ૨૦૨૦ સુધીના છે.

બેરોજગારીના આંકડાઓ કરતા દેશમાં નોકરીઓ અત્યંત ઓછી છે. દેશભરમાં અલગ અલગ રાજ્યોમાં આ બધા લોકો માટે માત્ર ૧.૭૭ લાખ નોકરીઓ જ ઉપલબ્ધ છે. તેમાં સૌથી વધારે નોકરીઓ ૬૬૪૨ ગુજરાતમાં ઉપલબ્ધ છે. ત્યાર પછી બીજા નંબરે પશ્ચિમ બંગાળમાં ૪૦૩૧ નોકરી છે. બિહારમાં ૩૭૭૬, હરિયાણામાં ૮૯૭ દિલ્હીમાં ૧૮૦૪, યુપીમાં ૧૧૮૮ અને ઝારખંડમાં ૨૧૬ નોકરીઓ ઉપલબ્ધ છે.

દેશમાં બેરોજગારોને નોકરી આપનારાઓને એક પ્લેટફોર્મ પર લાવવાના ઉદેશથી કેન્દ્ર સરકાર દ્વારા ૨૦૧૫માં નેશનલ કેરીયર સર્વિસ પોર્ટલની શરૂઆત થઇ હતી. તેમાં નોકરી દાતાઓ અને બેરોજગાર બન્ને રજીસ્ટ્રેશન કરાવી શકે છે. યોગ્ય નોકરીનું નોટીફીકેશન રજીસ્ટર્ડ બેરોજગારને મળી જાય છે અને તેના માટે અરજી કરી શકે છે.

(11:17 am IST)