મુખ્ય સમાચાર
News of Wednesday, 16th September 2020

ચીનને યુધ્ધના અભરખા : સરહદે ખડકયા ૫૨૦૦૦ સૈનિકો

ચીનના ઇરાદા નાપાક છે : પેંગોંગ ઝીલના દક્ષિણ કિનારે જ ૧૦,૦૦૦ સૈનિકો એકઠા કર્યા : અરૂણાચલ પ્રદેશની સરહદે પણ સળવળાટઃ સૈન્ય ગતિવિધિ વધારીઃ ભારત એલર્ટ

નવી દિલ્હી તા. ૧૬ : પૂર્વ લદાખમાં પેન્ગોંગ તળાવના દક્ષિણ કિનારે ૧૦ હજારથી વધુ ચાઇનીઝ સૈનિકોનો જમાવડો થયો હોવાના અહેવાલ છે. ભારતીય સૈન્ય મકકમતાથી ચીનના સૈનિકોનો સામનો કરી રહ્યું છે અને ભારતની મક્કમતાથી ડરેલા ચીને નવા પેંતરા અજમાવવા માંડ્યા છે. ભારતે પોતાના સૈન્યની મજબૂતાઇ વધારતા દેખાદેખીમાં ચીને પણ લાઇન ઓફ એકચ્યુઅલ કન્ટ્રોલ (એલએસી)ની પાસે પોતાના સૈનિકોની તૈનાતી વધારી છે. એલએસી પાસે પીએલએના કુલ ૫૨,૦૦૦ સૈનિકો તૈનાત છે, જેમાંથી ૧૦ હજાર સૈનિક પેન્ગોંગ તળાવના દક્ષિણ કિનારે તૈનાત કરવામાં આવ્યા છે. પેન્ગોંગ તળાવની સાથે જ અરૂણાચલ પ્રદેશમાં પણ ચીનના સૈન્યની હલચલ વધી રહી છે અને તેના કારણે એ ક્ષેત્રમાં પણ ભારતીય સૈન્યએ સતર્કતા વધારી દીધી છે.

લદ્દાખના રેજાંગલામાં ઘૂસણખોરીના પ્રયાસમાં ભારતીય સૈનિકો દ્વારા પાછળ ધકેલાયા બાદ હવે ચીન અરૂણાચલ પ્રદેશની સરહદ પર નજર રાખી રહ્યું છે. ચીન હવે અરૂણાચલ પ્રદેશમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર પોતાના સૈનિકો માટે પોસ્ટ ઊભું કરી રહ્યું છે. ભારતીય સેનાએ ચીની સરહદમાં પીપલ્સ લિબરેશન આર્મીના મૂવમેન્ટની નોટિસ કરી છે. રિપોર્ટ મુજબ, અરૂણાચલ પ્રદેશના અસ્ફિલા, ટૂટિંગ, ચાંગ જ અને ફિશટેલ-૨દ્ગક વિપરિત ચીની ક્ષેત્રમાં ચીની ગતિવિધિઓ જોવા મળી છે. આ વિસ્તાર ભારતીય સરહદથી માત્ર ૨૦ કિલોમીટર દૂર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ચીની સેના ભારતીય ક્ષેત્રમાં ઘૂસણખોરી કરવાની ફિરાકમાં છે. ચીની કોઈ શાંત અને વસ્તી વગરના સ્થળને પોતાના કબજામાં લેવાનો પ્રયાસ કરી રહ્યું છે. ચીની સૈનિકો તરફથી ઘૂસણખોરીની આશંકાને જોતાં ભારતીય સેના અલર્ટ પર છે અને અહીં સૈનિકોની તૈનાતી પણ વધારી દેવામાં આવી છે. ગત થોડા દિવસોથી વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC)થી થોડાક કિલોમીટર અંતરના વિસ્તારોમાં ચીની સેના પોતાના બનાવેલા રોડ પર ગતિવિધિઓ વધારી રહ્યું છે. ચીની સૈનિક પેટ્રોલિંગ દરમિયાન ભારતીય વિસ્તારોની નજીક પણ આવી રહ્યાં છે. સમાચાર એજન્સી રોઇટર્સે હાલમાં જ એક રિપોર્ટમાં કહ્યું હતું કે અરૂણાચલમાં LAC પર ચીની સૈનિકોની સક્રિયતાને જોતાં ભારતીય સેનાએ અહીં જવાનોની તૈનાતી વધારી દીધી છે. સેના એવા કોઈ પણ પ્રયાસનો જવાબ આપવા માટે પૂરી રીતે તૈયાર છે અને તેને લઈને તેણે પોતાની ક્ષમતા વધારી દીધી છે.

(3:04 pm IST)