મુખ્ય સમાચાર
News of Wednesday, 16th September 2020

દેશના 539 પોલીસ મથકમાં નથી ટેલિફોન સુવિધા : 200માં વાયરલેસ સિસ્ટમ જ નથી

ગુજરાતના કુલ 710 વાસ્તવિક પોલીસ સ્ટેશનોમાં આ બંન્ને સુવિધા ઉપલબ્ધ

નવી દિલ્હી:  લગભગ દરેક રાજ્ય પોતાની પોલીસ સારી હોવાનો દાવો કરતી હોય છે પરંતુ વાસ્તવિકતા જુદી જ છે. કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી જી. કિશન રેડ્ડી અનુસાર દેશના 539 પોલીસ સ્ટેશનોમાં ટેલિફોન જ નથી. એટલું જ નહી 200 પોલીસ સ્ટેશન એવા છે જ્યાં વાયરલેસ સિસ્ટમ હજુ સુધી લાગી નથી.

દેશમાં કુલ પોલીસ સ્ટેશનનોની સંખ્યા 16,587 છે. આસમમાં કુલ 343 સ્ટેશન છે જેમાંથી 140 સ્ટેશનોમાં ટેલિફોન નથી. પંજાબમાં 422 સ્ટેશન છે પરંતુ અહીં પણ 67 સ્ટેશન ટેલિફોન વિના જ ચાલે છે. બુધવારે રાજ્યસભા સાંસદ રાકેશ સિન્હા દ્વારા પુછવામાં આવેલા એક સવાલના જવાબમાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી જી. કિશનરેડ્ડીએ જણાવ્યું, મધ્યપ્રદેશમાં 59 પોલીસ સ્ટેશન એવા છે જ્યાં વાયરલેસ સિસ્ટમ નથી લાગી.

તમિલનાડુમાં 55 સ્ટેશન છે જેમાં વાયરલેસ સિસ્ટમ નથી. મણિપુરના 25 સ્ટેશનો મોબાઈલ/વાયરલેસ વિના ચાલી રહ્યાં છે. આ રાજ્યના કુલ 79 પોલીસ સ્ટેશનમાંથી 59 પોલીસ સ્ટેશનોમાં ટેલિફોન જ નથી. મેઘાલયના 73 સ્ટેશનોમાંથી 57 ટેલિફોન વિના ચાલી રહ્યાં છે. જ્યારે 15માં વાયરલેસ નથી. મિઝોરમમાં 38 સ્ટેશનોમાંથી 26 ટેલિફોન વિનાના છે. આ માહિતી 1લી જાન્યુઆરી 2019ની સ્થિતિની છે. જો કે આ મામલે ગુજરાતની સ્થિતિ સારી છે. આંકડાઓ પ્રમાણે ગુજરાતના કુલ 710 વાસ્તવિક પોલીસ સ્ટેશનોમાં આ બંન્ને સુવિધા છે.

(6:18 pm IST)