મુખ્ય સમાચાર
News of Wednesday, 16th September 2020

પેન્ગોંગમાં ભારત અને ચીન સેનાનો સામ સામે ગોળીબાર

મૉસ્કોમાં વિદેશ મંત્રીઓની મુલાકાત પહેલા ફાયરિંગ : સરહદ પર બંને દેશો વચ્ચે ૨૦ દિવસમાં ત્રણ વખત ગોળીબાર થતા તંગદિલી વધી : બંને સેનાઓનું ફિંગર વિસ્તારમાં પોતાની પકડ મજબૂત કરવા પેટ્રોલિંગ

નવી દિલ્હી,તા.૧૬ : ભારત ચીનની વચ્ચે પૂર્વ લદાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા તણાવ દર રોજ વધતો જાય છે. આ તણાવપૂર્ણ સ્થિતિમાં બંને દેશોની વચ્ચે વાતચીતના પ્રયાસો પણ ચાલી રહ્યા છે. આ વચ્ચે એલએસી પર ફાયરિંગને લઇને નવા ખુલાસા થયા છે. એક રિપોર્ટ મુજબ રશિયાના મોસ્કોમાં ૧૦ સપ્ટેમ્બરે વિદેશમંત્રી એસ.જયશંકર અને તેમના ચીની સમકક્ષ વાંગ યીની મુલાકાત પહેલા પેન્ગોંગ તળાવના ઉત્તર કિનારાની પાસે બંને સેનાઓ વચ્ચે ગોળીબારી પણ થઇ હતી. એક અધિકારી મુજબ, જે જગ્યાએ ફિંગર-૩ અને ફિંગર-૪ મળે છે ત્યાં બંને પક્ષે ૧૦૦-૨૦૦ રાઉન્ડ ફાયર કરવામાં આવ્યા હતા. રિપોર્ટ મુજબ આ મામલે જાણકારી રાખનાર એક અધિકારીએ ફાયરિંગની વાત કરી છે અને બંને દેશોની સેનાઓ ફિંગર વિસ્તારમાં પોતાની પકડ મજબૂત કરવા માટે પેટ્રોલિંગ પણ કરી રહી છે તે વાત પણ બહાર આવી છે. જો કે આ મામલે ન તો ચીન ન જ ભારતની તરફથી કોઇ અધિકૃત નિવેદન આવ્યું છે.

               આ પહેલા ચુશૂલ સેક્ટરમાં થયેલા ફાયરિંગની ઘટના પર બંને દેશોમાં તણાવ વધ્યો હતો. અધિકારીનું કહવું છે કે હાલની જે ફાયરિંગ હતી તે ચુશુલમાં થયેલી ફાયરિંગ કરતા ભીષણ હતી. અધિકારીએ જણાવ્યું કે ભારત અને ચીની સેનાની વચ્ચે એલએસી પર એક મહિનામાં ત્રણ વાર ફાયરિંગની ઘટના થઇ ચૂકી છે. હજી સુધી ખાલી ચુશૂલ સેક્ટરમાં થયેલી ફાયરિંગ મામલે અધિકૃત નિવેદન બંને દેશોની સરકારો તરફથી આવ્યા છે. ઓગસ્ટમાં મુકપરીમાં પણ ફાયરિંગની ઘટના થઇ હતી. પણ તેના વિષે કોઇ નિવેદન બહાર નથી આવ્યું. હવે પેન્ગોંગના ઉત્તરી કિનારે પણ ૧૦૦-૨૦૦ રાઉન્ડ ફાયર થયા છે. પણ બંને દેશોમાંથી કોઇ પણ આની પર અધિકૃત નિવેદન નથી આપી રહ્યું. અધિકારીએ તે પણ જણાવ્યું કે પેન્ગોંગ તળાવના ઉત્તરી કિનારે પર ફાયરિંગ કેવી રીતે શરૂ થયું. સપ્ટેમ્બરની શરૂઆતમાં ભારતીય સેના પેન્ગોંગ સોના ઉત્તરી કિનારે પોતાની પોઝિશન બદલી રહી હતી. ચીની સેનાઆ જગ્યાએ ખાલી ૫૦૦ મીટરની દૂરી પર છે. અને બંને વચ્ચે ફાયરિંગ શરૂ થઇ ગયું. જો કે મોસ્કોમાં ભારત અને ચીનના વિદેશ મંત્રીઓની આ પછી વાત થઇ, રક્ષા મંત્રીઓની વાતચીત પછી હાલ સ્થિતિ કંઇક કાબુમાં હોવાની વાત કરવામાં આવી રહી છે. બંને દેશોના આર્મી કમાન્ડર પર આ મામલે બેઠકો કરી રહ્યા છે. ત્યારે જોવાનું તે રહે છે કે કોઇ ઉકેલ આવે છે કે નહીં ?

(7:12 pm IST)