મુખ્ય સમાચાર
News of Tuesday, 16th November 2021

‘ડિસ્કો ડાન્સર’ ફેમ ફિલ્મ મેકર બી સુભાષે પત્નીની સારવાર માટે માંગી લોકોની મદદ

80ના દાયકામાં પ્રખ્યાત ફિલ્મ નિર્માતા-નિર્દેશક-લેખક બી સુભાષ છેલ્લા કેટલાક દિવસોથી આર્થિક સંકટમાંથી પસાર થઇ રહ્યા છે

મુંબઈ :80ના દાયકામાં પ્રખ્યાત ફિલ્મ નિર્માતા-નિર્દેશક-લેખક બી સુભાષની મિથુન ચક્રવર્તી અભિનીત ફિલ્મ ‘ડિસ્કો ડાન્સર’ બોલિવૂડની અત્યાર સુધીની સૌથી મોટી સુપરહિટ ફિલ્મોમાંની એક છે.કારકિર્દીમાં ઘણી યાદગાર ફિલ્મો આપનાર આ જાણીતા ફિલ્મ સર્જક છેલ્લા કેટલાક દિવસોથી આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યા છે. આ આર્થિક સંકડામણને કારણે એક સમયે 18 થી વધુ ફિલ્મોમાં કામ કરનાર આ દિગ્દર્શકે પોતાની બીમાર પત્નીની સારવાર માટે ઓનલાઈન પૈસા ભેગા કરી આપતી વેબસાઈટનો સહારો લેવો પડ્યો હતો.

 બી સુભાષની 67 વર્ષીય પત્ની તિલોત્તમા ફેફસાની બિમારીને કારણે જીવન અને મૃત્યુ વચ્ચે સંઘર્ષ કરી રહી છે. મુંબઈના અંધેરીમાં આવેલી પ્રખ્યાત કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. બી સુભાષ અને તિલોત્તમાની પુત્રી સ્વેતા દ્વારા ક્રાઉડફંડિંગ વેબસાઈટ ‘Keto’ પર પોસ્ટ કરવામાં આવેલી ફંડ રેઈઝર અપીલ અનુસાર, તેઓએ તિલોત્તમાની સારવાર માટે લગભગ 30 લાખ રૂપિયા એકત્રિત કરવાની જરૂર છે અને આ રકમ એકઠી કરવા માટે, તે દરેક પ્રયાસ કરી રહી છે. તેમની અપીલમાં, પરિવારે કહ્યું કે “દરેક યોગદાન મહત્વપૂર્ણ છે.”

શ્વેતાની પોસ્ટ બાદ આ સ્ટોરી ફાઈલ થાય ત્યાં સુધી 4 લોકો દ્વારા 15 હજાર 500 રૂપિયા એકઠા કરવામાં આવ્યા છે. સેલિના જેટલી સાથે, ઇન્ડસ્ટ્રીના ઘણા લોકોએ આ પોસ્ટને ધીમે ધીમે શેર કરવાનું શરૂ કર્યું છે. ‘ધ ક્વિન્ટ’ સાથેની વાતચીતમાં બી સુભાષ (ઉંમર 76) એ આ વાતની પુષ્ટિ કરી અને કહ્યું કે તેમનો પરિવાર અત્યારે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. કોરોનાને કારણે તેનો ઈન્ટરનેશનલ પ્રોજેક્ટ કેન્સલ થઈ ગયો અને ત્યારથી તે ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે.

ફિલ્મ મેકર સુભાષની પત્ની તિલોત્તમા છેલ્લા પાંચ વર્ષથી કિડનીની બિમારીના કારણે ડાયાલિસિસ પર હતા. પરંતુ તેની તબિયતમાં કેટલીક વધુ તકલીફો આવી અને તેની તબિયત વધુ ખરાબ થઈ ગઈ. અગાઉ તેમને ઘરે મોકલવામાં આવ્યા હતા, પરંતુ હવે તબિયત વધુ બગડતા તેમને ફરી એકવાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મુશ્કેલ પરિસ્થિતિ હોવા છતાં, બી સુભાષનો પરિવાર તિલોતમમાને યોગ્ય સારવાર મળે તે સુનિશ્ચિત કરવા માટે તમામ પ્રયાસો કરી રહ્યો છે.

(12:00 am IST)