મુખ્ય સમાચાર
News of Sunday, 17th January 2021

બાઈકર કિંગ રિચાર્ડનું ઊંટ સાથેના આકસ્માતમાં મોત

બાઈક પર ૩૭ દેશનો પ્રવાસ કર્યો હતો : રિચાર્ડ બેંગલુરુથી ૮ હજાર કિમી લાંબી બાઈક ટ્રીપ પર નીકળ્યા હતા, તેના ભાગરુપે જેસલમેર પહોંચ્યા હતા

જેસલમેર/બેંગલુરુ, તા.૧૬ :  જાણીતા ક્રોસ-કંટ્રી બાઈકર કિંગ રિચાર્ડ શ્રીનિવાસનનું રાજસ્થાનના જેસલમેરમાં ઊંટ સાથે અકસ્માત થતાં મોત નીપજ્યું છે. રિચાર્ડ બાઈક પર ૩૭ દેશનો પ્રવાસ કરી ચૂક્યા હતા, અને તેમણે લગભગ ૬૫ હજાર કિલોમીટર જેટલું ડિસ્ટન્સ કવર કર્યું હતું. તેઓ બેંગલુરુથી હજાર કિમી લાંબી બાઈક ટ્રીપ પર નીકળ્યા હતા, અને તેના ભાગરુપે જેસલમેર પહોંચ્યા હતા.

જાન્યુઆરીએ બેંગલુરુથી પોતાના ત્રણ સાથીઓ સાથે રિચાર્ડ કાશ્મીર જવા નીકળ્યા હતા. તેઓ ૨૩ જાન્યુઆરીએ બેંગલુરુ પરત ફરવાના હતા. બાઈકિંગનો શોખ ધરાવતા રિચાર્ડ બેંગલુરુમાં એલ્યુમિનિયમ ફરનેસ ફેક્ટરી ધરાવતા હતા. તેઓ પહેલા ટ્રાઈમ્પ ટાયગર ૮૦૦ બાઈક ચલાવતા. જોકે, તાજેતરમાં તેમણે બીએમડબલ્યુની બાઈક ખરીદી હતી. તેઓ ૨૦૨૧માં બાઈક પર આફ્રિકા જવાનો પ્લાન પણ બનાવી રહ્યા હતા. તેમણે પોતાની ટાઈગર ૮૦૦ પર એશિયા, યુરોપ, અમેરિકા અને ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કર્યો હતો.

બુધવાર રાતની ઘટનામાં રિચાર્ડ બાઈક લઈને રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક એક ઊંટ આડું ઉતર્યું હતું. સ્થિતિ એવી હતી કે રિચાર્ડ ઊંટ સાથેની ટક્કર નિવારી નહોતા શક્યા, અને અકસ્માતમાં ગંભીર ઈજા થવાથી તેમનું ઘટનાસ્થળે મોત થયું હતું. ગુરુવારે તેમના પરિવારજનોને સ્થાનિક પોલીસે પીએમ સહિતની વિધિ પૂરી કર્યા બાદ તેમનો મૃતદેહ સોંપી દીધો હતો.

ઝોનલ પોલીસ ઓફિસર કરણસિંહ ચરણના જણાવ્યા અનુસાર, રિચાર્ડ અને તેમના ત્રણ મિત્રો જેસલમેર જઈ રહ્યા હતા. રિચાર્ડ બીએમડબલ્યુ જીએસ બાઈક ચલાવી રહ્યા હતા, અને અચાનક તેમનું બાઈક ઊંટ સાથે ટકરાઈ ગયું હતું. જેના કારણે તેમણે બાઈક પરથી કાબૂ ગુમાવ્યો હતો અને તેમની બાઈક સ્લીપ થઈ જતાં તેમને માથામાં થયેલી ઈજાના કારણે તેમનું ત્યાં મોત થયું હતું.

રિચાર્ડ સાથે બેંગલુરુના નારાયણ અને ડૉ. વિજય, ચેન્નૈના વેણુગોપાલ પણ હતા. તેઓ પોતાની ટ્રીપ ૨૩ જાન્યુઆરીએ બેંગલુરુ પહોંચીને પૂરી કરવાના હતા. ૩૪ વર્ષના રિચાર્ડ પોતાના માતાપિતા, પત્ની અને બે બાળકોને વિલાપ કરતા મૂકી ગયા છે. ૨૦૧૮માં તેમણે બેંગલુરુથી લંડન સુધી બાઈક પર પ્રવાસ કર્યો હતો. ૨૦૧૯માં તેઓ સાઉથ અમેરિકાથી બાઈક ચલાવી નોર્થ અમેરિકા પહોંચ્યા હતા.

(12:00 am IST)