મુખ્ય સમાચાર
News of Sunday, 17th January 2021

બ્રિટને PM વડાપ્રધાન નરેન્દ્ર મોદીને S-7 સંમેલનનું આમંત્રણ આપ્યું

સમિટ પહેલા વડાપ્રધાન બોરિસ જૉનસન પણ ભારત આવશે : આ વખતે એસ-૭ શિખર સંમેલનમાં ભારત અને ઓસી, દક્ષિણ કોરિયાને મહેમાન તરીકે બોલાવવામાં આવ્યા છે

નવી દિલ્હીઃ ,તા.૧૭ : બ્રિટનના વડાપ્રધાન બોરિસ જૉનસનએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એસ-૭ શિખર સંમેલનમાં ભાગ લેવા માટે આમંત્રણ પાઠવ્યું છે. આ શિખર સંમેલન આ વખતે કૉનવૉલમાં ૧૧થી ૧૩ જૂન દરમિયાન આયોજિત કરવામાં આવશે. આ સમિટમાં દુનિયાના સાત મુખ્ય દેશોના નેતા કોરોના વાયરસ સંકટ અને જળવાયુ પરિવર્તનનો સામનો કરવાના પડકારો પર ચર્ચા કરશે. આ વખતે એસ-૭ શિખર સંમેલનમાં ભારત ઉપરાંત ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ કોરિયાને પણ મહેમાન તરીકે બોલાવવામાં આવ્યા છે. બ્રિટનના વડાપ્રધાન બોરિસ જૉનસન તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે દુનિયાની ફાર્મેસીના રૂપમાં ભારત પહેલાથી જ દુનિયાના ૫૦ ટકાથી વધુ વેક્સીન આપૂર્તિ કરે છે. યૂનાઇટેડ કિંગડમ અને ભારતે કોરોના જેવી મહામારી દરમિયાન એક સાથે મળી કામ કર્યું છે. અમારા વડાપ્રધાન સતત વાતચીત કરતા રહે છે અને પીએમ જૉનસને કહ્યું છે કે એસ-૭ સંમેલનથી પહેલા તેઓ ભારતનો પ્રવાસ કરશે. આ વર્ષે ગણતંત્ર દિવસ સમારોહમાં જૉનસન મુખ્ય મહેમાન તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા, પરંતુ કોવિડ-૧૯ના વધતા કેસના કારણે તેમણે પોતાનો પ્રવાસ રદ કર્યો હતો.

          દુનિયાના મુખ્ય લોકતંત્રોના રાષ્ટ્રાધ્યક્ષ સંયુક્ત પડકારોનો સામનો કરવા માટે બ્રિટનમાં એક સાથે આવશે. તમામ દિગ્ગજ નેતા કોરોના વાયરસની માર અને જળવાયુ પરિવર્તનનો સામનો કરવા મામલે ચર્ચા કરશે. સાથોસાથ એવું પણ સુનિશ્ચિત કરશે કે દરેક સ્થળે લોકો ખુલ્લા વેપાર, ટેકનીકલ પરિવર્તન અને વૈજ્ઞાનિક શોધથી ફાયદો ઉઠાવી શકે. બ્રિટનના આંતરરાષ્ટ્રીય નેતૃત્વને ધ્યાને લઈ આ વર્ષ ખૂબ જ અગત્યનું છે. આ વર્ષે જી-૭ શિખર સંમેલન ઉપરાંત બ્રિટન સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની અધ્યક્ષતા કરશે. અને આ વર્ષના અંતમાં તે ગ્લાસગોમાં સીઓપી-૨૬ની મેજબાની કરશે અને વિકાસશીલ દેશોમાં બાળકોને સ્કૂલમાં લાવવાના ઉદ્દેશ્યથી એક ગ્લોબલ શિક્ષણ સંમેલન થશે. જી-૭ દુનિયાના સાત સૌથી વધુ વિકસિત અર્થવ્યવસ્થા ધરાવતા દેશોનો સમૂહ છે, જેમાં કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઈટલી, જાપાન, બ્રિટન અને અમેરિકા સામેલ છે. તેને ગ્રુપ ઓફ સેવન પણ કહે છે. શરૂઆતમાં આ ૬ દેશોનો સમૂહ હતો, જેની પહેલી બેઠક ૧૯૭૫માં થઈ હતી. પરંતુ એક વર્ષ બાદ જ એટલે કે ૧૯૭૬માં આ ગ્રુપમાં કેનેડા સામેલ થઈ ગયું અને તે ગ્રુપ ૭ બની ગયું. દરેક સભ્ય દેશ વારાફરથી આ ગ્રુપની અધ્યક્ષતા કરે છે અને વાર્ષિક શિખર સંમેલનની મેજબાની કરે છે.

(7:36 pm IST)