મુખ્ય સમાચાર
News of Sunday, 17th January 2021

મમતાના ગઢમાં હવે શિવસેના કરશે એન્ટ્રી : પશ્ચિમ બંગાળમાં ચૂંટણી લડવાની જાહેરાત

ઉદ્ધવ ઠાકરેની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં નિર્ણય લેવાયો

મુંબઇ: બંગાળ વિધાનસભા ચૂંટણી માટે શિવસેનાએ કમર કસી લીધી છે. મમતાના ગઢમાં આ વખતે શિવસેના પણ ઉતરશે. ઉદ્ધવ ઠાકરેની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. શિવસેનાના સીનિયર નેતા સંજય રાઉતે કહ્યુ કે અમે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. અમે જલ્દી કોલકાતા પહોચી રહ્યા છીએ

શિવસેનાની ચૂંટણી જાહેરાત બાદ બંગાળનું રાજકારણ ગરમાયુ છે. એક તરફ ભારતીય જનતા પાર્ટી બંગાળમાં પુરી તાકાત સાથે મેદાનમાં છે. બીજી તરફ AIMIMએ બંગાળમાં ચૂંટણી લડવાની પહેલા જ જાહેરાત કરી ચુક્યા છે. હવે શિવસેનાની એન્ટ્રી ટીએમસી માટે નવી આફત બનીને આવી ગઇ છે.

 મમતા બેનરજીના નેતૃત્વ ધરાવતી સરકારનો કાર્યકાળ 30 મેએ પૂર્ણ થઇ રહ્યો છે. 2013ની બંગાળ ચૂંટણીમાં ભાજપ આજની તુલનામાં એક નબળી પાર્ટી હતી પરંતુ હવે સ્થિતિ બદલાઇ છે. 2019ની લોકસભા ચૂંટણીમાં તેના ખાતામાં રાજ્યની 18 બેઠક આવી હતી. ભાજપે બંગાળમાં પોતાની જમીન બનાવી હતી. તેને કોઇ નકારી નથી શકતું. એવામાં હવે શિવસેનાની એન્ટ્રી કોઇ ફાયદો-નુકસાન પહોચાડશે, તે જોવુ પડશે

 

બંગાળનો તે વિસ્તાર જે બિહારની સરહદ અને બાંગ્લાદેશ બોર્ડર સાથે જોડાયેલો છે ત્યાના મુસ્લિમો ઓવૈસીને મત આપી શકે છે. જો આવુ થાય છે તો 40થી વધુ બેઠક પર ઓવૈસી અસર કરી શકે છે. આવુ થતા ફાયદો ભાજપને થશે. બીજી તરફ ટીએમસીના કેટલાક દિગ્ગજ નેતાઓ ભાજપમાં જોડાઇ ગયા છે. જેમાં સૌથી ચર્ચિત નામ શુભેંદુ અધિકારીનું છે.

પીએમ મોદી 23 જાન્યુઆરીએ મમતાના ગઢમાં હશે. નેતાજી સુભાષચંદ્ર બોસની જયંતી પર કોલકાતા જશે. વડાપ્રધાન મોદીની કોલકાતાની આ યાત્રા એવા સમયે થઇ રહી છે જ્યારે પશ્ચિમ બંગાળમાં આગામી કેટલાક મહિનામાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. બીજી તરફ 23 જાન્યુઆરીએ જ મમતા બેનરજી કોલકાતામાં આશરે 9 કિલોમીટર લાંબી પદયાત્રા કરવાના છે

(9:20 pm IST)