મુખ્ય સમાચાર
News of Wednesday, 17th February 2021

પેંગોંગ સરોવર વિસ્તારમાંથી ચીને ૨૦૦ ટેન્ક હટાવી લીધી

ચીનની સેનાએ ડિસએન્ગેજમેન્ટની પ્રક્રિયા શરૂ કરી : ચીનની પીપલ્સ લિબરેશન આર્મી તેના હેલીપેડ, ટેન્ટ્સ અને ઓબ્ઝર્વેશન પોઇન્ટ્સને નષ્ટ કરી રહી છે

નવી દિલ્હી, તા. ૧૬ : ભારત-ચીન વચ્ચે ચાલી રહેલા વિવાદની વચ્ચે ચીની સેનાએ ડિસએન્ગેજમેન્ટની પ્રક્રિયા શરુ કરી દીધી છે. પીએલએના જવાનો પૈંગોંગ સરોવર વિસ્તારમાં પોતાના ટેન્ટ્સ હટાવીને પીછેહટ કરી રહ્યા છે. વિતેલા આઠ કલાકમાં ચીને આશરે ૨૦૦ ટેક્ન પાછી બોલાવી હતી. ચીનની પીપલ્સ લિબરેશન આર્મી તેના હેલીપેડ, ટેન્ટ્સ અને ઓબ્ઝર્વેશન પોઇન્ટ્સને નષ્ટ કરી રહી છે. ફિંગર ૮થી આગળ વધીને ચીની સેનાએ જે કામચલાઉ નિર્માણ કર્યા હતા તે પણ તોડી રહી છે. ચીની સેના આશરે ૧૦ મહિનાથી ભારત સામે તૈનાત હતી.  ગત અઠવાડિયે રક્ષા મંત્રી રાજનાથ સિંહે સંસદમાં કહ્યું હતું કે, પૂર્વ લદાખમાં ભારત અને ચીન વચ્ચે ડિસએન્ગેજમેન્ટ મુદ્દે કરાર થયો છે. જે મુજબ ચીની સેના પૈંગોંગ લેકના ફિંગર ૮ની પાછળ પોતાના જૂના સ્થાન પર પરત ફરશે અને ભારતની સેના પણ ફિંગર ૩ પાસે પોતાની ધન સિંહ પોસ્ટ પર પરત ફરશે. સેના તરફથી જાહેર કરેલા એક વીડિયોમાં સ્પષ્ટ રીતે જોઇ શકાય છે કે, ચીની સેના ટેન્ટ્સ અને અન્ય સામગ્રી સાથે પરત ફરી રહી છે. આ ડિસએન્ગેજમેન્ટ પ્રક્રિયા પૂર્ણ થયા પછી બંને સેનાઓ વચ્ચે ગોગરા, હોટ સ્પ્રિંગ, ગલવાન અને દેપસાંગ મુદ્દે વાતચીત શરુ થશે.

(12:00 am IST)