મુખ્ય સમાચાર
News of Wednesday, 17th February 2021

દેશમાં સતત પેટ્રોલના ભાવ વધારા વચ્‍ચે રાહત રૂપ સમાચાર

મેઘાલય સરકારે પેટ્રોલ ડીઝલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો કર્યો : માત્ર બે-ત્રણ દિવસમાં જ પેટ્રોલમાં રૂ. ૭-૪૦ અને ડીઝલના ભાવમાં રૂ. પ-૧૦ પૈસાનો ઘટાડો લોકો માટે રાહત રૂપ રહેશે.

શિલોંગ:  દેશમાં ઇંધણના ભાવમાં ભારેખમ વધારા વચ્ચે મેઘાલયથી રાહતના સમાચાર મળી રહ્યા છે. અહીંની રાજ્ય સરકારે અગાઉ ભાવમાં બે રૂપિયા પ્રતિ લીટર ઘટાડો કર્યો હતો. મંગળવારે પેટ્રોલના ભાવમાં 5.40 રૂપિયા અને ડીઝલના ભાવમાં 5.10 રૂપિયા ઘટાડો કરવામાં આવ્યો છે. જિલ્લાઓમાં સ્થાનિક કર પ્રમાણે કિંમતોમાં થોડો ફેરફાર થઈ શકે છે. મુખ્યમંત્રી કોનરાડ કોંગકલ સંગમાએ આ જાહેરાત કરી.

મેઘાલય સરકારે અત્યાર સુધીમાં બે તબક્કામાં કુલ બળતણ ભાવ સાત રૂપિયામાં ઘટાડ્યા છે. આનાથી રાજ્યના લોકોને મોટી રાહત મળશે. રાજ્યના વ્યાપારી વાહનોના માલિકો અને ડ્રાઇવરો મોંઘા બળતણ સામે આંદોલન કરી રહ્યા છે. હવે ભાવ ઘટાડતા આંદોલનનો અંત આવી શકે છે. મુખ્યમંત્રી સંગમાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર બળતણ પરના ટેક્સથી કમાય છે. ભાવ ઘટાડવાથી સરકારમાં આર્થિક અવરોધો આવશે, પરંતુ જનતાને રાહત મળશે.

મેઘાલય સરકારે લોકોને રાહત આપવા પેટ્રોલ પરના વેટને 31.62 ટકા અથવા લિટર દીઠ 17.60 રૂપિયાથી ઘટાડીને 20 ટકા અથવા 15 રૂપિયા પ્રતિ લિટર કરી દીધો છે. એ જ રીતે ડીઝલ પર વેટ 22.59 ટકા અથવા રૂ.12.50 થી ઘટાડીને 12 ટકા અથવા 9 રૂપિયા પ્રતિ લિટર કરાયો છે.

સંગમાએ જણાવ્યું હતું કે હવે રાજધાની, શિલોંગમાં પેટ્રોલ 91.26 રૂપિયા પ્રતિ લિટરથી ઘટીને 85.86 રૂપિયા થશે. આ જ રીતે ડીઝલનો ભાવ પ્રતિ લિટર રૂ. 84.23 થી ઘટીને 79.13 થઈ જશે.

(12:00 am IST)