મુખ્ય સમાચાર
News of Wednesday, 17th February 2021

FDI પ્રસ્તાવોને મંજુરી આપશે ભારત : ચીની કંપનીઓ માટે ખુલશે દરવાજા

સરહદે સુધરેલી સ્થિતિ વચ્ચે હવે મોદી સરકાર ટુંક સમયમાં લેશે નિર્ણય

નવી દિલ્હી તા. ૧૬ : ભારત-ચીન સરહદ પર પીપલ્સ લિબરેશન આર્મીના પાછળ હટવાથી સુધરી રહેલી સ્થિતિની વચ્ચે કેન્દ્રની મોદી સરકાર  ચીનની કંપનીઓ તરફથી ફોરેન ડાયરેકટ ઇન્વેસ્ટમેન્ટ ના કેટલાક પ્રસ્તાવોને ટૂંક સમયમાં મંજૂરી આપી શકે છે. કેન્દ્ર સરકારના કેટલાક અધિકારીઓએ કહ્યું છે કે ભારત આગામી થોડાક સપ્તાહમાં ચીનથી આવેલા કેટલાક રોકાણ પ્રસ્તાવોને મંજૂરી આપી શકે છે. નોંધનીય છે કે ભારત અને ચીનની વચ્ચે થયેલી સમજૂતી બાદ એ પૂર્વ લદાખના પેન્ગોગ લેકના ઉત્તર કિનારા પર ફિંગર-૪ ક્ષેત્રને ઝડપથી ખાલી કરવાનું શરૂ કરી દીધું છે.

ભારતમાં એપ્રિલ ૨૦૨૦થી પડોશી દેશોની કંપનીઓ માટે સરકારની મંજૂરી બાદ જ કોઈ પણ ક્ષેત્રમાં રોકાણના નિયમ છે. આ નિર્ણય મુજબ ભારતમાં કોઈ પણ ક્ષેત્રમાં રોકાણ માટે ચીનના FDI પ્રસ્તાવોને પહેલા સરકારી મંજૂરી લેવી પડશે. હાલમાં ચીનથી આવેલા લગભગ ૧૨ હજાર કરોડ રૂપિયાના રોકાણ પ્રસ્તાવ સરકારની મંજૂરીની રાહ જોઈ રહ્યા છે. ન્યૂઝ એજન્સી પીટીઆઇએ ડિસેમ્બર ૨૦૨૦માં પોતાના એક રિપોર્ટમાં કહ્યું હતું કે કેન્દ્ર સરકારને એપ્રિલથી અત્યાર સુધી ચીનથી લગભગ ૧૨ હજાર કરોડ રૂપિયાના ૧૨૦થી વધુ પ્રત્યક્ષ વિદેશી રોકાણના પ્રસ્તાવ મળ્યા છે. આ પ્રસ્તાવ જૂન રોકાણમાં વધારા સાથે જોડાયેલા છે.

પેટીએમ, ઝોમેટો, ઉડાન  જેવા દેશના મોટા સ્ટાર્ટઅપ્સમાં ચીની રોકાણકારો એ ખૂબ નાણા રોકયા છે. તેઓ ફ્રેશ ફંડની રાહ જોઇ રહ્યા છે, પરંતુ સરકારની મંજૂરી વગર તે શકય નથી. મંજૂરીની રાહ જોઈ રહેલા રોકાણના પ્રસ્તાવોમાં ટેલિકોમ, ઇલેકટ્રોનિક અને ફાઇનાન્સ સેકટર માટે છે. ચીને આ મુદ્દાને WTOની સામે પણ ઉઠાવ્યો હતો.

નોંધનીય છે કે, પૂર્વ લદાખમાં ચીન અને ભારતની વચ્ચે ગતિરોધ બાદ મોદી સરકારે એપ્રિલ ૨૦૨૦માં કોરોના મહામારીની વચ્ચે તકનો ફાયદો ઉઠાવતા ચીનની કંપનીઓ પર લગામ કસવા માટે આ નિર્ણય લીધો હતો. એપ્રિલમાં DPIITએ કહ્યું હતું કે ભારતની સરહદો જોડાયેલા કોઈ પણ દેશની કંપની કે વ્યકિતને ભારતમાં કોઈ પણ ક્ષેત્રમાં રોકાણ કરતાં પહેલા સરકારની મંજૂરી લેવી પડશે.

(10:18 am IST)