મુખ્ય સમાચાર
News of Wednesday, 17th February 2021

ગુપ્ત રીતે ચીની રસી મુકાવનાર અધિકારીઓને પણ રાજીનામા આપવાનો આદેશ

છાના માના કોરોના રસી મુકાવવા બદલ પેરૂના વિદેશ પ્રધાને આપવું પડયું રાજીનામુ

લીમા (પેરૂ): પેરૂમાં કોરોના રસી બાબતે ધમાસણ મચી ગયુ છે. અધિકારીઓ અને મોટા નેતાઓ દ્વારા છાના-માના કોરોના રસી મુકાવ્યાના ખુલાસા પછી પેરૂની વિદેશ પ્રધાન એલિઝાબેથ એસ્તેતેએ રાજીનામુ આપવું પડયું છે. છાના માના લેવાયેલ રસીના સમાચારોથી લોકોમાં ભારે આક્રોશ છે.

પેરૂના રાષ્ટ્રપતિ ફ્રાંસીસ્કો સગાસ્તીએ વિદેશ પ્રધાન એલિઝાબેથ એસ્તેતેના રાજીનામાની પુષ્ટિ કરી છે અને સ્થાનિક ટીવી ચેનલને જણાવ્યું કે પેરૂના લોકોએ આ પરિસ્થિતીના કારણે ગુસ્સે થવું જ જોઇએ કેમ કે તેના લીધે કોવિડ-૧૯ વિરૂધ્ધ અગ્રિમ મોર્ચે કામ કરતા પેરૂના કેટલાય લોકોના પ્રયાસોને ધક્કો લાગ્યો છે. ગયા ગુરૂવારે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ માર્ટીન વિજકારાએ જયારે એ સમાચારોની પુષ્ટિ કરી કે તેમણે અને તેમની પત્નિએ ચીનની દવા કંપની સિનોફાર્મ પાસેથી ઓકટોબરમાં છાના માના રસી મુકાવી હતી. આ સમાચાર પછી આખો વિવાદ ઉભો થયો હતો.

આ બનાવ પછી આરોગ્ય પ્રધાન પિલર માજેટીએ શુક્રવારે રાજીનામુ આપી દીધુ હતું કે સાંસદોએ તેમના પર માહિતી છૂપાવવાનો આક્ષેપ કર્યો હતો. સગાસ્તીએ ટવીટર પર જણાવ્યું કે વિજકારા પ્રશાસન દરમ્યાન સિનોફાર્મમાંથી રસીના વધારાના ૨૦૦૦ ડોઝ મળ્યા હતા અને કેટલાક ઉચ્ચ સરકારી અધિકારીઓને રસી મુકાઇ હતી. દેશના નવા આરોગ્ય પ્રધાને રવિવારે રાત્રે જણાવયું કે સગાસ્તીએ છાનામાના ચીની રસી મુકાવનાર બધા સરકારી અધિકારીઓને રાજીનામા આપવાનો આદેશ આપી દીધો છે. તેમણે જણાવ્યું કે સપ્ટેમ્બરમાં છાના માના રસી લેનાર અધિકારીઓની ઓળખ માટે તપાસ ચાલુ છે.

(2:59 pm IST)