મુખ્ય સમાચાર
News of Wednesday, 17th February 2021

સિરમ કોરોના રસીના ૧૦ લાખ ડોઝ પરત લઇ લે

ફરી માથું ઉંચકી રહેલા કોરોનાની મહામારી વચ્ચે દક્ષિણ આફ્રિકાનો સિરમને ઝટકો

નવી દિલ્હી, તા.૧૭: દક્ષિણ આફ્રિકાએ સિરમ ઇન્સ્ટિટયૂટને કહ્યું છે કે તે પોતાની રસીના એક મિલિયન ડોઝને પરત લઇ લે. દક્ષિણ આફ્રિકામાં હજુ ગત સપ્તાહે જ કોરોનાની રસીના ૧૦ લાખ ડોઝને મોકલવામાં આવ્યા હતા જયારે બીજા પાંચ લાખ ડોઝ આગામી કેટલાક સપ્તાહમાં મોકલવામાં આવી રહ્યા છે. એવામાં દક્ષિણ આફ્રિકાએ કહ્યું છે કે તેને આ રસીની જરૂર નથી માટે પરત લઇ લેવામાં આવે. જોકે દક્ષિણ આફ્રિકા આ રસીને કેમ પરત આપવા માગે છે તેનું ચોક્કસ કારણ જાહેર કરવામાં નથી આવ્યું. જોકે, આ મામલે નવા સમાચાર આવી રહ્યાં છે.

સાઉથ આફ્રિકાની હેલ્થ મિનિસ્ટ્રીએ જણાવ્યું હતું કે દેશમાં હાલના સમયે કોરોનાના જે વેરિઅન્ટના કેસ સામે આવ્યા છે એની પર આ વેકિસન અસરકારક નથી. એટલા માટે દેશમાં આ વેકિસનના રોલઆઉટ પર પ્રતિબંધ લગાવી દેવાયો હતો. હવે સરકાર એસ્ટ્રાજેનેકાની વેકિસન વેચવા અંગે વિચારી રહી છે.

કંપનીએ કહ્યું હતું કે વેકિસન માત્ર આફ્રિકન વેરિઅન્ટનાં હળવાં લક્ષણવાળા કેસમાં લિમિટેડ પ્રોટેકશન આપે છે. હવે સિરમને આ સમાચારે ઝટકો આપ્યો છે. આ દાવો દક્ષિણ આફ્રિકાની યુનિવર્સિટી ઓફ વિટવાટર્સરેન્ડ અને ઓકસફોર્ડ યુનિવર્સિટીના એક અધ્યયનના આંકડાના આધારે કરાયો છે. આ સમાચાર એવા સમયે આવ્યા છે, જયારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને એસ્ટ્રાજેનેકાની કોરોના વેકિસન કોવિશીલ્ડને દુનિયામાં ગમે ત્યાં ઈમર્જન્સી યુઝનું અપ્રૂવલ આપી દીધું છે.

ભારતમાં નવા કોરોના વાઇરસના દર્દીઓ મળી રહ્યા છે. અત્યાર સુધી બ્રિટનના નવા વાઇરસના દર્દીઓ મળી રહ્યા હતા ત્યારે હવે પહેલી વખત દક્ષિણ આફ્રિકાના નવા કોરોના વાઇરસ સાર્સ-કોવીડ-૨ના ચાર દર્દી મળી આવ્યા છે. જયારે બ્રાઝિલના નવા વાઇરસનો પણ એક દર્દી મળી આવ્યો છે. જેને પગલે પ્રશાસન સતર્ક થઇ ગયું છે. જોકે દક્ષિણ આફ્રિકન અને બ્રિઝલનો નવો વાઇરસ બ્રિટિશ વાઇરસ કરતા અલગ માનવામાં આવે છે. ભારતમાં આફ્રિકન અને બ્રાઝિલીયન કોરોનાનો ચેપ ધરાવતા દર્દીઓની પૂણેમાં સારવાર ચાલી રહી છે.

(3:54 pm IST)