મુખ્ય સમાચાર
News of Wednesday, 17th February 2021

જમ્મુ-કાશ્મીરનું શીતલનાથ મંદિર ૩૧ વર્ષ બાદ મંત્રોચ્ચારથી ગુંજી ઉઠયું : વસંત પંચમીએ વિશેષ પૂજા યોજાઇ

આતંકવાદના કારણે બંધ રહેલ

શ્રીનગર, તા. ૧૭:  જમ્મુ અને કાશ્મીરમાં હાલાત ઘણા બદલાઈ ગયા છે. જેનો પુરાવો શિતલનાથ મંદિર આપે છે. આ મંદિર છેલ્લા ૩૧ વર્ષથી બંધ હતું જે ગઈ કાલે વસંતપંચમીના દિવસે ખોલવામાં આવ્યું. વસંત પંચમીના અવસરે અહીં વિશેષ પૂજા પણ કરવામાં આવી. વાત જાણે એમ છે કે કાશ્મીર ખીણમાં આતંકવાદની શરૂઆત અને હિન્દુ વિરોધી માહોલ બન્યા બાદથી આ મંદિર બંધ હતું. હવે જ્યારે હાલાત સામાન્ય થઈ ગયા છે તો હબ્બા કદલ વિસ્તારમાં આવેલા આ મંદિરને ફરીથી ભકતો માટે ખોલવામાં આવ્યું છે.

વસંત પંચમીના દિવસે મંદિરમાં પૂજા અર્ચના માટે પહોંચેલા સંતોષ રાજદાને  જણાવ્યું કે મંદિરને ફરીથી ખોલવામાં સ્થાનિક લોકો, ખાસ કરીને મુસ્લિમ સમુદાયનો ખુબ સહયોગ મળ્યો છે. તેમણે કહ્યું કે અહીં પહેલા લોકો પૂજા કરવા આવતા હતા, પરંતુ આતંકવાદના કારણે આ મંદિરને બંધ કરી દેવાયું હતું. આસપાસ રહેતા હિન્દુઓ પણ પલાયન કરી ગયા હતા. હવે મુસ્લિમ સમુદાયના લોકોના સહયોગથી મંદિરને ફરીથી ખોલવામાં આવ્યું છે.

શિતલનાથ મંદિરમાં પૂજા કરાવી રહેલા રવિન્દર રાજદાને કહ્યું કે મંદિરને ફરીથી ખોલવામાં સ્થાનિક મુસ્લિમોનો સહયોગ સરાહનીય છે. તેમણે મંદિરની સફાઈમાં કરી અને તે ઉપરાંત પૂજા સામગ્રીની પણ વ્યવસ્થા કરી. તેમણે કહ્યું કે પહેલા અમે અહીં દર વસંત પંચમીએ પૂજા કરતા હતા. વાત જાણે એમ છે કે બાબા શિતલનાથ ભૈરવની જયંતી વસંત પંચમીના દિવસે આવે છે. આ જ કારણ છે કે આ દિવસની ધૂમધામથી ઉજવણી થાય છે.

કલમ ૩૭૦ હટ્યા બાદથી જમ્મુ અને કાશ્મીરમાં આતંકી ગતિવિધિઓ અને પથ્થરબાજીની ઘટનાઓમાં ઘણો ઘટાડો જોવા મળ્યો છે. હાલમાં જ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી જી કિશન રેડ્ડીએ રાજ્યસભામાં જણાવ્યું હતું કે ખીણમાં ૨૦૧૯માં ૧૫૭ આતંકીઓ માર્યા ગયા હતા. જ્યારે ૨૦૨૦માં આ સંખ્યા વધીને ૨૨૧ થઈ. એ જ રીતે ૨૦૧૯માં આતંકી ઘટનાઓના ૫૯૪ કેસ હતા. જે ૨૦૨૦માં ઘટીને ૨૪૪ થયા. ૨૦૨૦માં પથ્થરબાજીની ૩૨૭ ઘટનાઓ રેકોર્ડ થઈ જ્યારે ૨૦૧૯માં આ ઘટનાઓ ૨૦૦૯ની આસપાસ હતી.

(3:55 pm IST)