મુખ્ય સમાચાર
News of Wednesday, 17th February 2021

લોકસભામાં સૌનું ધ્‍યાન ખેંચનાર નવનીત કૌર રાણાને અજાણ્‍યા શખ્‍સે જાનથી મારી નાખવાની ધમકી આપીઃ ધમકીભર્યો પત્ર લખીને અપશબ્‍દો લખ્‍યા

નવી દિલ્હીઃ લોકસભામાં સૌનું ધ્યાન ખેંચતા સાંસદ નવનીત કૌર રાણાને ધમકી મળી છે. કોઇ અજાણ્યા શખસે જાનથી મારી નાંખવાની ધમકી આપતો પત્ર તેમને મોકલ્યો છે. ધમકીભર્યો પત્ર મહારાષ્ટ્રના અમરાવતીના સાંસદના દિલ્હીના નોર્થ એવન્યુ સ્થિત ફ્લેટ પર મૂકેલો હતો. જે અંગે અભિનેત્રી સાંસદે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

નવનીત રાણાના ફ્લેટ પરથી મળ્યો ધમકીનો પત્ર

દિલ્હી પોલીસે જણાવ્યું કે અમરાવતીના અપક્ષ સાંસદ નવનીત કૌર રવિ રાણાએ ગત શનિવારે ફરિયાદ નોંધાવી હતી. જેમાં ફ્લેટ પરથી મળેલા ધમકીભર્યા પત્રનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ અંગે ફરિયાદ દાખલ કરી તપાસ આદરવામાં આવી છે.

પત્રમાં અપશબ્દોનો ઉપયોગ

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે પત્રમાં ખુબ જ અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સાથે લોકસભામાં શિવસેના સામે બોલવા સામે ગંભીર પરિણામો ભોગવવાની ધમકી આપવામાં આવી છે. ત્યારે બાદ નોર્થ એવન્યુ પોલીસ મથકમાં રવિવારે સંબંધિત કલમો સાથે કેસ નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે.

સાંસદ બનતા પહેલાં અનેક ફિલ્મોમાં કામ કર્યું

મુંબઇમાં જન્મેલા નવનીત કૌર સાંસદ બનતા પહેલા મોડલ અને અભિનેત્રી હતાં. તેઓ તેલુગુ ફિલ્મોમાં દેખાયા હતાં. ઉપરાંત હિન્દી, પંજાબી અને મલયાલમ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. 2011માં નવનીતે રવિ રાણા સાથે લગ્ન કરી લીધા. તેઓ 3100થી વધુ યવગલ સાથે સામૂહિક લગ્ન સમારંભમાં પ્રણયસૂત્રથી બંધાયા હતા.

2019માં શિવસેનાના દિગ્ગજ નેતાને હરાવ્યા

અપક્ષ સાંસદ બનતા પહેલાં નવનીતે 2014માં શરદ પવારની એનસીપીની ટિકિટ પર અમરાવતીથી જ ચૂંટણી લડી હતી. પરંતુ ત્યારે શિવસેનાના દિગ્ગજ નેતા આનંદરાવ અડસુલ સામે હારી ગયાં હતાં. પરંતુ 2019માં યુવા સ્વાભિમાન પાર્ટીથી ઝંપલાવ્યું હતું અને આ વખતે આનંદરાવ અડસુલને હરાવી બદલો લીધો લીધો હતો. તેમને આશરે 36000 મતોની સરસાઇથી વિજય મેળવ્યો હતો. મહારાષ્ટ્રમાં લોકસભામાં પહોંચનારાં નવનીત પ્રથમ અભિનેત્રી છે.

(5:17 pm IST)