મુખ્ય સમાચાર
News of Wednesday, 17th February 2021

નિકિતા જેકબને ૩ સપ્તાહના ટ્રાન્ઝિટ એડવાન્સ જામીન

ખેડૂત આંદોલન ટૂલકિટ મામલે બોમ્બે હાઈકોર્ટનો નિર્દેશ : નિકિતાની ધરપકડ થાય છે તો તેને ૨૫ હજારના બોન્ડ પર રાહત આપવા પણ બોમ્બે હાઈકોર્ટનો નિર્દેશ

નવી દિલ્હી, તા. ૧૭ : ખેડૂત આંદોલન સાથે જોડાયેલા ટૂલકિટ મામલે આરોપી નિકિતા જેકબને બોમ્બે હાઇકોર્ટમાંથી રાહત મળી છે. કોર્ટે નિકિતાને ત્રણ અઠવાડિયાના ટ્રાન્ઝિટ એડવાન્સ જામીન આપ્યા છે. દરમિયાન દિલ્હી પોલીસ નિકિતાની ધરપકડ કરી શકતી નથી. સાથે કોર્ટે કહ્યું છે કે, જો નિકિતાની ધરપકડ થાય છે તો તેને ૨૫ હજારના બોન્ડ પર રાહત મળી શકે છે. સુનવણી દરમિયાન કોર્ટે કહ્યું કે, મામલે એફઆઇઆર દિલ્હીમાં થઇ છે અને દિલ્હી પોલીસે નિકિતા જેકબના મોબાઇલ-લેપટોપ પણ કબજે કર્યા છે. નિકિતા જેકબના વકીલે કહ્યું કે, નિકિતા દિલ્હી પોલીસને તપાસમાં સાથ આપવા તૈયાર છે. પરંતુ તે માત્ર બિનજામીન પાત્ર વોરન્ટ વિરુદ્ધ અપીલ કરી રહી છે. દિલ્હી પોલીસે ખેડૂત આંદોલન સાથે જાડાયેલ ટૂલકિટ મામલાનો ખુલાસો કર્યો હતો. મામલામાં બેંગલુરુથી એક્ટિવિસ્ટ દિશા રવિની પહેલાં ધરપકડ કરાઇ હતી. જે બાદ નિકિતા જેકબ, શાંતનુની શોધખોળ કરાઇ રહી છે.

આરોપ છે કે, નિકિતા અને શાંતનુ પણ ખાલિસ્તાની સમર્થકોના સંપર્કમાં હતા, જેમણે કથિત ટૂલકિત બનાવવામાં મદદ કરી હતી. તે ટૂલકિટ હતી જે દિશા રવિએ ક્લાઇમેટ ચેન્જ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગને મોકલી હતી. અગાઉ મામલે બોમ્બે હાઇકોર્ટમાંથી અન્ય આરોપી શાંતનુને રાહત મળી હતી. હાઇકોર્ટે શાંતનુ મુલુકને દસ દિવસના અગ્રિમ ટ્રાન્ઝિટ જામીન આપ્યા હતા. મામલે દિલ્હી પોલીસને પક્ષકાર બનાવવામાં આવી નહોતી. બુધવારે જ્યારે નિકિતા જેકબ મામલે સુનવણી થઇ ત્યારે પણ શાંતનુને રાહત મળવાનો હવાલો અપાયો હતો.

(7:28 pm IST)