મુખ્ય સમાચાર
News of Wednesday, 17th February 2021

પંજાબમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસનો સપાટો :૮માંથી ૭ કોર્પોરેશનમાં જવલંત વિજય

અકાલી દળ અને ભાજપના સૂપડાં સાફ: મોહાલી કોર્પોરેશનમાં ફેરમતદાન આદેશથી પરિણામ બાકી: બાદલ પરિવારના ગઢ ભટિંડામાં ૫૩ વર્ષ બાદ પહેલીવાર કોંગ્રેસનો કબજો

પંજાબમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં બુધવારે હાથ ધરાયેલી મતગણતરીમાં સત્તાધારી કોંગ્રેસે અકાલી દળ અને ભાજપના સૂપડાં સાફ કરી નાખતાં આઠમાંથી સાત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જવલંત વિજય હાંસલ કર્યો હતો. પંજાબની ભટિંડા, અબોહર, બટાલા, મોગા, કપૂરથલા, હોશિયારપુર અને પઠાણકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસે વિજય હાંસલ કર્યો હતો જ્યારે મોહાલી કોર્પોરેશનમાં પંજાબના ચૂંટણી પંચે બે વોર્ડમાં બુધવારે પુનઃ મતદાન યોજવાનો આદેશ આપ્યો હોવાથી ગુરુવારે મતગણતરી હાથ ધરાશે. અબોહર કોર્પોરેશનના ૫૦ વોર્ડમાંથી ૪૯મા કોંગ્રેસ અને એક વોર્ડમાં અકાલી દળનો વિજય થયો હતો. મોગામાં કોંગ્રેસને ૨૦, અકાલીદળને ૧૫ અને બાકીના ૧૫ વોર્ડમાં ભાજપ અને આમ આદમી પાર્ટીને વિજય મળતાં રસાકસી રહી હતી. ભાજપના ગઢ ગણાતા હોશિયારપુરમાં કોંગ્રેસને ૪૧ અને પઠાણકોટમાં ૩૭ વોર્ડમાં વિજય મળ્યો હતો. ભટિંડામાં કોંગ્રેસે ૫૦માંથી ૪૩ વોર્ડ પર દબદબો જમાવ્યો હતો. નગરપાલિકા અને નગર પરિષદની ચૂંટણીઓમાં પણ કોંગ્રેસની આગેકૂચ જારી રહી હતી. પ્રાપ્ત થતાં અહેવાલો અનુસાર કોંગ્રેસ કપૂરથલા અને બટાલા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિજયી બનવા આગળ વધી રહી છે. આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પરિણામોએ પંજાબ કોંગ્રેસમાં નવો જુસ્સો લાવી દીધો છે.

કોંગ્રેસે જણાવ્યું હતું કે, પંજાબમાં ભાજપના સૂપડા સાફ થઈ ગયાં છે. ટૂંકસમયમાં સમગ્ર દેશ પંજાબની જેમ સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ભાજપનાં સૂપડા સાફ કરીને દેશને નફરત અને જુઠ્ઠાણાની રાજનીતિમાંથી મુક્તિ અપાવશે. પંજાબના સીએમ કેપ્ટન અમરીન્દરસિંહે કહ્યું હતું કે આ તમામ પંજાબીઓનો વિજય છે.

અકાલીદળના સાંસદ હરસિમરત કૌર બાદલના મતવિસ્તાર અને બાદલ પરિવારના ગઢ મનાતા ભટિંડામાં ૫૩ વર્ષમાં પહેલીવાર કોંગ્રેસે કોર્પોરેશનની ચૂંટણીમાં વિજય હાંસલ કર્યો છે. પાંચ દાયકામાં પહેલીવાર ભટિંડામાં કોંગ્રેસનો મેયર સત્તા સંભાળશે

(12:55 am IST)