મુખ્ય સમાચાર
News of Saturday, 17th April 2021

મુંબઇના સ્ટેશનરી-શુઝ વેંચતા વેપારી હવે ફુટપાથ પર કેળા અને તરબુચ વેચે છે

કોરોનાને કારણે મંદી-લોકડાઉને કેડ ભાંગી નાખી

મુંબઇ, તા.૧૭: કોરાનાવાઇરસ અને સરકાર દ્વારા લાદવામાં આવેલા લોકડાઉનને કારણે મુંબઈમાં એક વર્ષમાં અનેક દુકાનો અને ઉદ્યોગો આર્થિક મુસીબતો સહન કરી રહ્યાં છે. આ સંજોગોમાં ઘાટકોપરના સ્ટેશનરી અને શૂઝના કચ્છી વેપારીએ આર્થિક નુકસાન સામે લડવા માટે તેના મૂળ બિઝનેસમાંથી બહાર આવીને ફુટપાથ પર ફ્રૂટ વેચવાનો ધંધો શરૂ કર્યો છે.

મૂળ કચ્છના લાકડિયાના ૪૨ વર્ષના મનોજ રીટાને માર્ચ ૨૦૨૦ના લોકડાઉન પછી કોલેજો અને સ્કૂલો બંધ થઈ જતાં ઝેરોક્ષ મશીન સહિતની પાંચથી સાત લાખ રૂપિયાની સ્ટેશનરીનો સ્ટોક બહુ જ નજીવી રકમમાં વેચવાની પરિસ્થિતિ નિર્માણ થઈ હતી. મનોજ રીટાની ઘાટકોપર (ઈસ્ટ)ની આ સ્ટેશનરીની દુકાન તેમની મિસિસ અને તેમનો પુત્ર સાથે બેસીને સંભાળતાં હતાં, જયારે તેમણે દોઢ વર્ષ પહેલાં ઘાટકોપર (વેસ્ટ)ના મહાત્મા ગાંધી રોડ પર દુકાન ભાડે લઈને શૂઝનો બિઝનેસ શરૂ કર્યો હતો. લોકડાઉનમાં આ દુકાન પણ બંધ પડી ગઈ હતી.

મારા માટે મારા ઘરનું ભાડું, દુકાનનું ભાડું અને અન્ય ખર્ચાઓ કાઢવા અત્યંત મુશ્કેલીભર્યા બની ગયા હતા એ જણાવીને વાગડ સમાજના યુવાન મનોજ રીટાએ 'કહ્યું હતું કે' મારા ભાડાના ઘરમાં હું, મારી પત્ની અને મારા પુત્રો સહિત ચાર જણ છીએ. બન્ને પુત્રો અભ્યાસ કરે છે. ત્રીસ વર્ષ પહેલાં કચ્છથી મુંબઈ આવીને સંદ્યર્ષ કરીને સ્ટેશનરી અને શૂઝની દુકાન ઊભી કરી હતી. જોકે કોરાનાવાઇરસને કારણે દેશભરમાં લોકડાઉન જાહેર થતાં ભાડાનું ઘર અને ભાડાંની દુકાનો અમારા માટે બોજારૂપ બની ગયાં હતાં. મારી પાસે કોઈ બીજો રસ્તો નહોતો. દુકાનોના માલિકો અમારા સમાજના હોવાથી તેમણે મને ખૂબ જ સારો સહકાર આપ્યો હતો, પણ ભલમનસાઈની એક મર્યાદા હોય છે. મારા માથે આર્થિક બોજો વધતો જતો હતો. કોઈ રીતે આવક-જાવક મેળ ખાતી નહોતી. ગમે તેમ પરિવારનું ભરણપોષણ, બાળકોની સ્કૂલ અને કોલેજની ફી ભરવી અનિવાર્ય બની ગયું હતું. આખરે મેં પહેલાં સ્ટેશનરીની અને થોડા દિવસ પહેલાં શૂઝની દુકાનો બંધ કરીને મારી દુકાનની બહાર ફુટપાથ પર કલિંગડ અને કેળાંનો બિઝનેસ શરૂ કરી દીધો છે.

કોઈ રીતે આવક-જાવક મેળ ખાતી નહોતી. ગમે તેમ પરિવારનું ભરણપોષણ, બાળકોની ફી ભરવી અનિવાર્ય બની ગયું હતું.

(10:10 am IST)