મુખ્ય સમાચાર
News of Saturday, 17th April 2021

વિવાદ સે વિશ્વાસ સ્કીમ... ૧ લી સુધીમાં ટેકસ નહીં ભર્યો તો વધુ ૧૦% ચાંદલો

ટેકસ અને દંડની રકમના ૨૫ % ભરવાનો પરિપત્ર અગાઉ જાહેર કરાયો હતો

મુંબઇ,તા. ૧૭: ઇન્કમટેકસમાં વર્ષો જુના કેસનો નિકાલ કરવા માટે લાવવામાં આવેલી વિવાદ સે વિશ્વાસ સ્કીમનો લાભ લેનાર લાભાર્થીઓએ આગામી ૩૦ એપ્રિલ સુધીમાં કેન્દ્ર સરકારે જારી કરેલા પરીપત્ર પ્રમાણે ટેકસ અને દંડની રકમના ૨૫ ટકા ભરપાઇ કરી દેવાનાં રહેશે.જો આ રકમ ભરપાઇ કરવામાં મોડુ થયુ તો વધારાના ૧૦ ટકાની વસુલાત પણ કરવામાં આવશે.

વિવાદ સે વિશ્વાસ સ્કીમનો લાભ લેનારા કરદાતાએ ૩૧ માર્ચ ૨૦૨૧ સુધીમાં ૨૫ ટકા રકમ ભરપાઇ કરી દેવાના હતા. પરંતુ કોરોનાની મહામારીને કારણે તે મુદતમાં એક મહિનાનો વધારો કરવામાં આવ્યો છે. જેથી આગામી ૩૦ એપ્રિલ સુધીમાં વિવાદ સે વિશ્વાસ સ્કીમ લાભ લેનારાઓ કેન્દ્ર સરકારે નક્કી કરેલા નિયમ પ્રમાણે નાણા ભરપાઇ કરવામાં નહી આવે તો વધારાના ૧૦ ટકા ભરવા પડશે.

આ અંગે સીએ વિરેશ રૂદલાલે જણાવ્યુ હતુ કે જે પણ કરદાતાએ વિવાદ સે વિશ્વાસ સ્કીમમાં અરજી કર્યા બાદ ઇન્કમટેકસ દ્વારા તમામ કાર્યવાહી કરીને છેલ્લે ફોર્મ નંબર પાંચ આપવાનું હોય છે. જેથી તેમાં કરદાતાએ ફોર્મ નંબર ત્રણમાં જે રકમ અને દંડ ભરવાનો હોય તે ભરી દીધા બાદ કેસ બંધ કરી દેવામાં આવ્યો છે. પરંતુ ઇન્કમટેકસ વિભાગ દ્વારા અનેક કરદાતાઓને ફોર્મ નંબર પાંચ જ હજુ આપવામાં આવ્યુ નથી. તેના કારણે કેસ જ હજુ બંધ થયા નથી.

કરદાતાઓના રિફંડના પણ હજુ ઠેકાણા નથી

વિવાદ સે વિશ્વાસ સ્કીમનો લાભ લેનારા કરદાતાઓએ નિયમ પ્રમાણે ટેકસ અને દંડની રકમ ભરપાઇ કરી દીધા પછી ઝડપાયો રીફંડ આપી દેવાનુ હોય છે.પરંતુ તમામ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ પણ કરદાતાઓને રીફંડ આપવામાં ધક્કા જ ખવડાવવામાં આવી રહ્યા હોવાની પણ વ્યાપક ફરીયાદ ઉઠી છે.

(10:12 am IST)