મુખ્ય સમાચાર
News of Saturday, 17th April 2021

ચીનમાં લોકો કોરોનાની રસી નહોતા લેતા : સરકારે એવી ઓફર આપી કે લોકોની લાઇનો લાગી !

ચીને મોટાભાગે આ વાયરસને કંટ્રોલ કરવામાં સફળતા મેળવી છે. તેની પાછળ સૌથી મોટી ભૂમિકા રસીકરણે નિભાવી છે

નવી દિલ્હી, તા.૧૭ : કોરોના વાયરસની શરુઆત ચીનના વુહાન શહેરથી થઇ હતી. એક તરફ આખી દુનિયામાં આ કરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે તો બીજી તરફ ચીને મોટાભાગે આ વાયરસને કંટ્રોલ કરવામાં સફળતા મેળવી છે. તેની પાછળ સૌથી મોટી ભૂમિકા રસીકરણે નિભાવી છે. ચીન જેવા વધારે વસતી ધરાવતા દેશમાં લોકોને રસીકરણ તરફ આકર્ષવા માટે સરકાર દ્વારા વિવિધ ઓફર અને લાલચ આપાવામાં આવી રહ્યા છે.

જે લોકો રસી નહોતા લેવા માંગતા તેમને રસીકરણ તરફ આકર્ષવા માટે તેમને મફત ઇંડા, કરિયાણા અને અન્ય સામાન પર ડિસ્કાઉન્ટ અને કૂપન આપવામાં આવી રહ્યા છે. જેનો સરકારને ફાયદો પણ થયો છે. લોકો હવે રસીકરણ માટે આવી રહ્યા છે અને રસીકરણ અભયાનને સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

ચીનમાં રસીકરણની ધીમી શરુઆત બાદ હવે દરરોજ લાખો લોકોને રસી આપવામાં આવી રહી છે. જેમાં આ ઓફરોએ મહત્વની ભૂમિકા નિભાવી છે. માત્ર ૨૬ માર્ચના દિવસે જ ચીનમાં ૬૧ લાખ ડોઝ રસી આપવામાં આવી હતી. એક સરકારી અધિકારીએ જણાવ્યું કે જૂન મહિના સુધીમાં દેશના ૫૬ કરોડ લોકોને રસી આપવાનો ચાર્ગેટ છે.

ચીનમાં ૨૦૧૯ના વર્ષમાં કોરોના વાયરસનો ફેલાવો થયો હતો. ૨૦૨૦ના વર્ષમાં ચીની સરકારે હુબેઇ પ્રાંતમાં બે મહિના કરતા વધારે સમયનું લોકડાઉન લગાવ્યું. ચીને કડક નિયંત્રણો અને ત્વરિત લોકડાઉનના કારણે કોરોના પર કાબૂ મેળવ્યો હતો. જયારે હવે રસીકરણ માટે તેઓ લોકોને વિવિધ ઓફર આપી રહ્યા છે.

(10:21 am IST)