મુખ્ય સમાચાર
News of Saturday, 17th April 2021

કોરોના વધુ બિહામણોઃ ટપોટપ મરતા લોકોઃ ૫૭ ટકા વસ્તી ઘરોમાં કેદ

સ્મશાનો... હોસ્પીટલો.. ટેસ્ટીંગ સેન્ટરો.. વેકસીન સેન્ટરો.. નાના નાના કલીનિકો.. ઓકિસજન સેન્ટરો.. એ હજુ પણ લાઈનોઃ કાળમુખા વાયરસ સામે પ્રજા અને તંત્ર લાચાર : દેશભરને અજગરી ભરડો લેતો વાયરસઃ ૨૪ કલાકમાં રેકોર્ડબ્રેક આંકડાઓઃ ૧૩૪૧ના મોતઃ ૨૩૪૬૯૨ નવા કેસઃ એકટીવ કેસ ૧૬૭૯૭૪૦: કુલ મૃત્યુઆંક ૧૭૫૬૪૯

નવી દિલ્હી, તા. ૧૭ :. માનવ જાત સામેના અદ્રશ્ય દુશ્મન કોરોના વાયરસે સમગ્ર દેશને અજગરી ભરડો લીધો છે. દેશભરમાં દિવસેને દિવસે આ વાયરસ બિહામણો બનતો જાય છે અને તે ધરાતો જ ન હોય તેમ વધુને વધુ લોકોને ભરખી રહ્યો છે. જે આંકડાઓ બહાર આવી રહ્યા છે તે ધ્રુજાવી દે તેવા છે. છેલ્લા ૨૪ કલાકમાં આ વાયરસે વધુ બિહામણુ સ્વરૂપધારણ કરી ૧૩૪૧ લોકોને મોતના મુખમાં ધકેલી દીધા છે એટલુ જ નહિ નવા ૨૩૪૬૯૨ લોકોને પોતાના સિકંજામાં લીધા છે. સતત ત્રીજા દિવસે ૨ લાખથી વધુ કેસ નોંધાયા છે. અત્યાર સુધીના તમામ રેકોર્ડ છેલ્લા ૨૪ કલાકમાં તૂટયા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે કોરોના વાયરસનો કહેર દિવસેને દિવસે વધતો જાય છે. દેશની હાલત એવી ખરાબ છે કે રોજ કોરોનાના આંકડા નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના કારણે થતા મોતે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૩૪૧ લોકોના મોત થયા છે અને ૨૩૪૬૯૨ નવા કેસ આવ્યા છે. આ સાથે કુલ દર્દીઓની સંખ્યા ૧ કરોડ, ૪૫ લાખ ૨૬ હજાર ૬૦૯ થઈ છે. અત્યાર સુધીમાં ૧ કરોડ ૨૬ લાખ ૭૧ હજાર ૨૨૦ લોકો રીકવર થયા છે. હાલ ૧૬ લાખ ૭૯ હજાર ૭૪૦ એકટીવ કેસ છે. છેલ્લા ૨૪ કલાકમાં થયેલા મોત બાદ કુલ મૃત્યુઆંક ૧૭૫૬૪૯ થયો છે.

છેલ્લા ૨૪ કલાકમાં મહારાષ્ટ્રમાં જ ૬૩૭૨૯ નવા કેસ આવ્યા છે અને ૩૯૮ લોકોના મોત થયા છે.

દેશમાં આ બિમારીએ કેટલો ભરડો લીધો છે તેનો અંદાજ એ બાબત પર લગાવી શકાય કે સ્મશાન ગૃહો પર અંતિમ સંસ્કાર માટે લાંબી લાઈનો લાગી છે. દેશમાં ૧૫ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં નાઈટ કર્ફયુ અથવા વીકએન્ડ કર્ફયુ લગાવવામાં આવ્યો છે. અલગ અલગ પ્રકારના પ્રતિબંધોને કારણે દેશની ૫૭ ટકા પ્રજા ઘરોમાં કેદ છે.

સ્થિતિ એવી છે કે સ્મશાનો, હોસ્પીટલો, ટેસ્ટીંગ સેન્ટરો, વેકસીન સેન્ટરો, નાના નાના કલીનિકો, ઓકિસજન સેન્ટરો, દવાની દુકાનો વગેરે જગ્યાઓએ લાઈનો લાગી છે. જે રીતે કોરોના પગ પ્રસારી રહ્યો છે. તે સામે પ્રજા અને તંત્ર બન્ને લાચાર અવસ્થામાં આવી ગયા છે.

(11:04 am IST)