મુખ્ય સમાચાર
News of Saturday, 17th April 2021

કોરોનાની બીજી લહેરથી ફરીથી વધી બેરોજગારી

શહેરી બેરોજગારીનો દર લગભગ ૧૦ ટકાએ પહોંચી ગયો

નવી દિલ્હી તા. ૧૭: કોરોનાની બીજી લહેરથી આર્થિક સુધારાની ગતિ ફરીથી ધીમી થઇ ગઇ છે. રાજયો દ્વારા કોરોના સંક્રમણ રોકવા માટે લગાવાઇ રહેલા લોકડાઉનથી ઉત્પાદન ઘટયું છે અને બેરોજગારી વધી છે. સેન્ટર ફોર મોનીટરીંગ ઇન્ડીયન ઇકોનોમી (સીએમઆઇઇ)ના આંકડાઓથી આ માહિતી મળી છે. સીએમઆઇઇના રિપોર્ટ અનુસાર ૧૧ એપ્રિલે પુરા થયેલ સપ્તાહમાં શહેરી બેરોજગારી વધીને ૯.૮૧ ટકા એ પહોંચી ગઇ છે. ર૮ માર્ચે પુરા થયેલ સપ્તાહમાં તે ૭.૭ર અને આખા માર્ચ મહિનામાં ૭.ર૪ ટકા હતી.

આ દરમ્યાન રાષ્ટ્રીય બેરોજગારી દર વધીને ૮.પ૮ ટકા પર પહોંચી ગયો જે ર૮ માર્ચે પુરા થયેલ સપ્તાહમાં ૬.૬પ ટકા હતો. આ જ રીતે ગ્રામીણ બેરોજગારીએ દરમ્યાન ૬.૧૮ થી વધીને ૮ ટકા થઇ છે. નિષ્ણાંતોનું કહેવું છે કે કોરોના સંક્રમણ રોકવા માટે કેટલાય રાજયોના શહેરમાં આંશિક લોકડાઉન લગાવાયું છે જેના લીધે બેરોજગારી વધી છે.

નિષ્ણાંતોનું માનીએ તો કોરોનાની બીજી લહેરની અસર શહેરી રોજગારી પર માર્ચથી જ જોવા મળી રહી છે. જેના કારણે દિલ્હી મહારાષ્ટ્ર, ગુજરાત, પંજાબ, છતીસગઢ, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ જેવા રાજયોના શહેરોમાં આંશિક લોકડાઉન અથવા નાઇટ કર્ફયુ લગાવી દેવાયો, દિલ્હી, મુંબઇ જેવા મોટા શહેરોમાં મોલ, રેસ્ટોરંટ, બાર, જેવી જાહેર જગ્યાઓ પર કોરોના નિયમોના પાલનમાં સખ્તાઇથી શહેરી રોજગારમાં ઘટાડો જોવા મળ્યો છે અને આગામી દિવસોમાં વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

ઘણાં રાજયોમાં કોરોના નેગેટીવ સર્ટીફીકેટ હોય તો જ પ્રવેશના નિયમના કારણે પર્યટન ક્ષેત્રમાં પણ રોજગારી ઘટવાની શકયતા છે. નિષ્ણાંતોનું કહેવું છે કે હાલના સમયમાં ગ્રામ્ય વિસ્તારોમાં રવી પાક સારો થવા અને મનરેગામાં સતત કામ મળવાથી શહેરની સરખામણીમાં બેરોજગારીનો દર ઓછો છે પણ આગામી દિવસોમાં ત્યાં પણ સ્થિતિ બગડવાની શંકા છે કેમકે રવી પાકની કાપણી પછી ગામડાઓમાં કામ ઘટશે જેનાથી બેરોજગારી વધશે.

(11:37 am IST)