મુખ્ય સમાચાર
News of Saturday, 17th April 2021

બિહારના પોલીસ સ્ટેશનમાં લોકોને પ્રવેશવા પર પ્રતિબંધ

કોરોનાએ અનેક પ્રથાઓ બદલી નાખી : બિહારના વિવિધ જિલ્લામાં ફરજ બજાવતા સેંકડો પોલીસ કર્મીઓ સંક્રમિત : સાવધાની રાખવાના નિર્દેશ અપાયા

પટણા, તા.૧૭ : પોલીસ સ્ટેશનના દરવાજા તો પ્રજા માટે ૨૪ કલાક ખુલ્લા જ રહેતા હોય છે પણ કોરોનાના વધતા સંક્રમણે આ પ્રથાને પણ તોડી નાંખી છે.

બિહારમાં કોરોનાના સંક્રમણમાં પોલીસ ખાતુ પણ બરોબર સપડાયુ છે.બિહારના વિવિધ જિલ્લાઓમાં ફરજ બજાવતા સેંકડો પોલીસ કર્મીઓ સંક્રમિત થઈ રહ્યા છે અને પોલીસ હેડ ક્વાર્ટરે તમામ પોલીસ મથકોને સાવધાની રાખવાના નિર્દેશ આપ્યા છે. જેના પગલે રાજધાની પટણાના રાજીવનગર પોલીસ મથકમાં આમ જનતાના પ્રવેશવા પર રોક લગાવવી પડી છે.

અહીંયા લોકોને રોકવા બેરિકેડિંગ કરાઈ છે અને ફરિયાદ લેવા માટે બહાર એક બોક્સ મુકી દેવામાં આવ્યુ છે. જરુરી પડી તો અધિકારીઓને મુલાકાતીઓને બહાર જઈને મળવાની સૂચના અપાઈ છે. પોલીસ તંત્રના ઈતિહાસમાં કદાચ પહેલી વખત એવુ બન્યુ છે કે, આમ લોકોને પોલીસ મથકમાં જતા રોકવા પડ્યા હોય. દરમિયાન પોલીસ કર્મીઓ અને તેમના પરિવારો જ્યાં રહે છે તે પોલીસ લાઈન વિસ્તારમાં પણ સેનિટાઈઝેશન કરવાના અને કોરોનાના પ્રોટોકોલનુ પાલન કરવાના આદેશ આપવામાં આવ્યા છે.

(7:23 pm IST)