મુખ્ય સમાચાર
News of Saturday, 17th April 2021

કેન્દ્ર રેમડિસિવિર બનાવતી કંપનીઓને ધમકાવી રહ્યું છે

એનસીપી દ્વારા આક્ષેપ કરાયો : કેન્દ્ર સરકારે રેમડિસિવિર બનાવતી કંપનીઓને ધમકાવી છે અને મહારાષ્ટ્રને આ દવા આપવા માટે ના પાડી છે

મુંબઇ, તા.૧૭ : કોરોનાની મહામારી વચ્ચે રેમડિસિવિર દવાની અછતની સ્થિતિ સર્જાઈ છે. મહારાષ્ટ્રમાં કોરોનાનો સૌથી વધારે પ્રકોપ છે અને સરકારમાં સામેલ એનસીપીએ આક્ષેપ કર્યો છે કે, કેન્દ્ર સરકારે રેમડિસિવિર બનાવતી કંપનીઓને ધમકાવી છે અને મહારાષ્ટ્રને આ દવા આપવા માટે ના પાડી છે. એનસીપીના નેતા નવાબ મલિકે કહ્યુ હતુ કે, રેમડિસિવિર એક્સપોર્ટ કરતી કંપનીઓને આ દવા એક્સપોર્ટ કરવા માટે કેન્દ્ર સરકારે બેન મુક્યો તેની પાછળ અમારી માંગણી જ જવાબદાર હતી. હવે આ કંપનીઓ દેશમાં દવા વેચવા માટે પરવાનગી માંગી રહી છે.

મહારાષ્ટ્ર સરકારે તેમનો સીધો સંપર્ક કર્યો હતો. કંપનીઓએ કેન્દ્ર પાસે આ માટે મંજૂરી માંગી તો કેન્દ્ર સરકારે ધમકી આપી હતી કે, જે દવા કંપની મહારાષ્ટ્રને સીધી દવા વેચશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. મલિકે કહ્યુ હતુ કે, કેન્દ્ર સરકારનુ આ પ્રકારનુ વલણ ઘાતક સાબિત થઈ શકે છે. દેશમાં લોકો રેમડેસિવિર વગર મરી રહ્યા છે. મહારાષ્ટ્ર સરકાર દવા ખરીદવા માંગે છે તો વેચનારાને રોકવામાં આવી રહ્યા છે. આ ખોટુ છે. શું આ ભેદભાવ પૂર્ણ વ્યવહાર નથી.

મહારાષ્ટ્રમાં રહેનારા ભારતના છે કે નહી તે સરકારે કહેવુ જોઈએ. તાજેતરમાં જ મહારાષ્ટ્રના ફૂડ એન્ડ ડ્રગ મંત્રાલયના મંત્રી રાજેન્દ્ર શિંગણેએ કહ્યુ હતુ કે, રાજ્યમાં ત્રણેક દિવસ સુધી રેમડિસિવિર ઈન્જેક્શનના ૧૨૦૦૦થી ૧૫૦૦૦ ડોઝની કમી રહેશે. દવા કંપનીઓએ ઉત્પાદન વધાર્યુ છે પણ તેને બજાર સુધી પહોંચતા સમય લાગશે.

(7:23 pm IST)