મુખ્ય સમાચાર
News of Monday, 17th May 2021

ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩,૧૧,૧૭૦ કેસ નોંધાયા

કોરોનાના કારણે વધુ ૪૦૭૭ દર્દીઓએ જીવ ગુમાવ્યો : એક તરફ કોરોનાના ઘટતા કેસ રાહત આપનારા સાબિત થઈ રહ્યા છે બીજી તરફ મૃત્યુઆંક આંચકો આપી રહ્યા છે

નવી દિલ્હી,તા.૧૬ : ભારતમાં કોરોના વાયરસના દૈનિક કેસમાં મોટો ઘટાડો નોંધાયો છે. શનિવારે સવારે જાહેર કરવામાં આવેલા આંકડાની સામે આજે સવારે જાહેર કરવામાં આવેલા દેશના નવા કેસની સંખ્યામાં ૧૫,૦૦૦ જેટલો ઘટાડો થયો છે. એક તરફ કોરોનાના ઘટતા કેસ રાહત આપનારા સાબિત થઈ રહ્યા છે તો બીજી તરફ મૃત્યુઆંક આંચકો આપી રહ્યા છે. ગઈકાલની સરખામણીમાં આજે પોણા બસોથી વધારે મૃત્યુઆંક નોંધાયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા પ્રમાણે ભારતમાં પાછલા ૨૪ કલાકમાં વધુ ૩,૧૧,૧૭૦ નવા કોરોના કેસ નોંધાયા છે, જ્યારે ૩,૬૨,૪૩૭ દર્દીઓએ સાજા થઈને કોરોનાને હરાવ્યો છે. એટલે ફરી એકવાર નવા કેસ અને સાજા થયેલા દર્દીઓની સંખ્યામાં લાબું અને સકારાત્મક અંતર જોવા મળ્યું છે. દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના કારણે વધુ ૪,૦૭૭ દર્દીઓએ જીવ ગુમાવ્યો છે, આ ગઈકાલના કેસની સરખામણીમાં વધુ આંકડો છે. શનિવારે ૩,૮૯૦ દર્દીઓના કોરોનાના લીધે મોત થયા હોવાનું આંકડામાં નોંધાયું હતું, જ્યારે નવા કેસ ૨,૨૬,૦૯૮ નોંધાયા હતા.

            ભારતમાં કુલ કોરોનાના પોઝિટિવ કેસનો આંકડો વધીને ૨,૪૬,૮૪,૦૭૭ થઈ ગયો છે, જ્યારે ૨,૦૭,૯૫,૩૩૫ દર્દીઓ સાજા થયા છે અને કુલ એક્ટિવ કેસની સંખ્યા ૩૬,૧૮,૪૫૮ થઈ ગઈ છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાની મહામારીના કારણે ૨,૭૦,૨૮૪ દર્દીઓનો જીવ ગયો છે. આઈસીએમઆર મુજબ ૧૫ મે સુધીમાં દેશમાં કોરોનાની તપાસ માટે કુલ ૩૧,૪૮,૫૦,૧૪૩ સેમ્પલ લેવામાં આવ્યા છે, જેમાંથી શનિવારે વધુ ૧૮,૩૨,૯૫૦ સેમ્પલ તપાસ માટે લેવામાં આવ્યા હતા. ભારતમાં કોરોના વાયરસના ૨૦ લાખ કેસ ૭ ઓગસ્ટના રોજ થયા હતા, આ પછી ૨૩ ઓગસ્ટે ૩૦ લાખ, ૫ સપ્ટેમ્બરે ૪૦ લાખ, ૧૬ સપ્ટેમ્બરે ૫૦ લાખ પર પહોંચી ગયા હતા. આ પછી ૬૦ લાખ પહોંચતા ૨૮ સપ્ટેમ્બર સુધીનો ટૂંકો સમય લાગ્યો હતો. જે પછી ૧૧ ઓક્ટોબરે ૭૦ લાખ, ૨૯ ઓક્ટોબરે ૮૦ લાખ, ૨૦ નવેમ્બરે ૯૦ લાખ અને ૧૯ ડિસેમ્બરે કોરોનાના કુલ કેસનો આંકડો ૧ કરોડને પાર થઈ ગયો હતો. આ પછી ૧૯ એપ્રિલે ભારતમાં કોરોના કુલ કેસનો આંકડો ૧.૫૦ કરોડને પાર થયો હતો. ૩ એપ્રિલના કેસ સાથે આ આંકડો ૨ કરોડને પાર કરી ગયો છે.

(12:00 am IST)