મુખ્ય સમાચાર
News of Monday, 17th May 2021

પ્રેમીએ લગ્નનો ઇન્કાર કરતા પ્રેમિકા પાંચમા માળ પર ચઢી

કૂદીને સુસાઇડ કરી લઈશ : પ્રેમિકાનો દાવો : યુવતીએ ધાબા પર ચઢીને ત્રણ કલાક સુધી હોબાળો કર્યો, પોલીસ અને ફાયરબ્રિગેડ યુવતીને બચાવવા માટે પહોંચી

નવી દિલ્હી,તા.૧૬ : રાજધાની દિલ્હીના શાહદરામાં ગીતા કોલોની વિસ્તારમાં શનિવારે એક હાઇ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો. અહીં એક પ્રેમિકા પ્રેમીના લગ્નનો ઇક્નાર કરવા પર એક બિલ્ડિંગની છત પર ચઢી ગઈ. પ્રેમિકા ત્યાંથી કૂદવાની ધમકીઓ આપવા લાગી. લગભગ ત્રણ કલાક ચાલેલા આ હોબાળાની જાણ સ્થાનિક પોલીસને થઈ તો તેઓ અગ્નિશામક વિભાગની ટીમની સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા અને તેઓએ યુવતીને સમજાવીને બિલ્ડિંગથી નીચે ઉતારી દીધી. જોકે આ દરમિયાન યુવતીએ પોતાના કાંડા પર કાપો મૂકી દીધો, જેના કારણે લોહી વહેવા લાગ્યું. પોલીસ યુવતીની પૂછપરછ કરી રહી છે. મળતી જાણકારી મુજબ, મામલો શનિવાર સાંજનો છે,

          જ્યાં એક યુવતીનો પ્રેમી ગુપચૂપ રીતે સગાઈ કરવાનો હતો. તેની જાણ પ્રેમિકાને થઈ તો તે પ્રેમીના ઘરે પહોંચી ગઈ અને ત્યાં પાંચમા માળે ચઢીને હોબાળો કરવા લાગી. ત્યાંથી તે કહેવા લાગી કે જો લગ્ન ન કર્યા તો અહીંથી છલાંગ લગાવી દેશે. મહિલા પોલીસ કોન્સ્ટેબલ અને લોકોએ પ્રેમિકાને સમજાવીને નીચે ઉતારી. જોકે આ દરમિયાન યુવતીએ કોઈ અણીવાળી વસ્તુથી પોતાના હાથના કાંડા પર કાપો મૂકી દીધો. પોલીસ તેને તાત્કાલિક હૉસ્પિટલ લઈ ગઈ. પોલીસ અનુસાર, ૨૩ વર્ષીય યુવતી પરિવારની સાથે ભાડાના મકાનમાં રહે છે. તેને ગીતા કોલોનીમાં રહેતા એક યુવક સાથે પ્રેમ સંબંધ હતો. પોલીસના જણાવ્યા મુજબ, યુવતી પોતાના પ્રેમી સાથે લગ્ન કરવા માંગતી હતી. પરંતુ બંનેના ધર્મ અલગ-અલગ હોવાના કારણે યુવકનો પરિવાર લગ્નથી ઇક્નાર કરી રહ્યો છે. યુવક પણ પરિવારની વિરુદ્ધ જઈને લગ્ન નથી કરવા માંગતો. આવી સ્થિતિમાં તેણે યુવતી સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું. શનિવારે યુવતી ગીતા કોલોનીમાં યુવકના ઘરે પહોંચી ગઈ. ત્યાં બિલ્ડિંગની છત પર જઈને લગ્ન નહીં કરવા પર કૂદીને આત્મહત્યા કરવાની ધમકી આપવા લાગી. આ જોઈને આસપાસના લોકોની ભીડ એકત્ર થઈ ગઈ. લોકોએ પોલીસ અને ફાયરબ્રિગેડ સહિત એમ્બ્યુલન્સને પણ જાણ કરી. તમામ ટીમો તાત્કાલિક પહોંચી ગઈ.

(12:00 am IST)