મુખ્ય સમાચાર
News of Monday, 17th May 2021

ગંગા નદીમાં તરતી લાશોથી કેન્દ્ર હચમચ્યું :યુપી અને બિહાર સરકારને નદીમાં લાશો ફેંકવા ઉપર પ્રતિબંધ મૂકવાનો આદેશ

લાશોની સન્માનપૂર્વક અંતિમવિધિ કરવા અને પાણીની ગુણવત્તાની ચકાસણી કરવા તાકીદ

નવી દિલ્હી : છેલ્લા કેટલાક દિવસથી યુપી, બિહાર અને કંઈક અંશે મધ્યપ્રદેશમાં લાશોને ગંગા નદીમાં પધરાવવાના આઘાતજનક કિસ્સા બની રહ્યાં છે. યુપી અને બિહારમાં તો છેલ્લા થોડા સમયથી સેંકડો લાશો ગંગા નદીમાં તરતી જોવા મળી રહી છે. આ ઘટનાને પગલે ગંભીર થયેલી કેન્દ્ર સરકારે હવે રાજ્ય સરકારને આદેશ આપ્યો છે  

કેન્દ્રીય વોટર મિનિસ્ટ્રીએ યુપી અને બિહાર સરકારને જણાવ્યું કે નદીઓમાં તરતી લાશોના સન્માનપૂર્વક અંતિમ સંસ્કાર કરવામાં આવે. મંત્રાલયની આજે એક સમીક્ષા બેઠક મળી. બેઠકમાં કહેવાયું ગંગામાં તરતી લાશો એકદમ અનુચિત અને ચિંતાજનક છે. 

મંત્રાલયે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને પણ પાણીની ગુણવત્તાની ચકાસણી કરવાનો પણ આદેશ આપ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર ગંગા કિનારે આવેલા કન્નોજ, ઉન્નાવ,કાનપુર,રાયબરેલી, પ્રયાગરાજના 1100 કિમીના વિસ્તારમાં 2,000 કરતા પણ વધારે લાશો દફનાવાઈ છે. 

લાશોની દફનવિધિ બાદ તેની ચારેબાજુએ વાંસની લાકડીઓ રોપી દેવાઈ છે જેથી કરીને કોઈને પણ ખબર પડે કે અહીં લાશોની દફનવિધિ કરાઈ છે. 

કન્નોજના મહાદેવી ગંગા ઘાટ નજીક લગભગ 350 લાશો દફન છે. પ્રશાસન દ્વારા લાશો પર માટી નાખવામાં આવી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે આ તમામ લોકો કોરોનાને કારણે મૃત્યુ પામ્યા હશે. ઘાટ પર કાર્યરત એક કર્મચારીએ જણાવ્યું કે ગંગામાં પૂર આવતા દફનાવાયેલી લાશો બહાર આવી જાય છે. અને અહીંથી બીજા જિલ્લામાં તણાઈ જાય છે

યુપીના મોટા શહેર કાનપુરના શેરેશ્વર ઘાટ નજીક 400 લાશો દફન છે. કેટલાક લાશોને તો કાગડા-કૂતરા ચુંથી રહ્યાં હોવાનું પણ જણાયું હતું. ઘટનાની જાણ થતા પોલીસે દરેક લાશ પર માટી નાખવાનું શરુ કરી દીધું હતું.
કોરોનાકાળનું સૌથી મોટું કબ્રસ્તાન ઉન્નાવ શહેર બન્યું છે. ઉન્નાવના શુક્લાગંજ ઘાટ અને બક્સર ઘાટ નજીક 900 કરતા પણ વધારે લાશો દફન છે. ઉન્નાવ નજીકના ફતેહપુરમાં પણ ગંગા કિનારે 20 લાશ દફનાવાઈ હોવાનું જણાયું હતું .

(12:00 am IST)