મુખ્ય સમાચાર
News of Monday, 17th May 2021

કોરોનાએ ભુલાવી મમતાઃ ૨ વર્ષના સંક્રમિત બાળકને મૂકીને ભાગી ગયા માં-બાપઃ વોર્ડ બોયે કર્યા અંતિમસંસ્કાર

ઝારખંડથી માનવતા અને મમતાને શર્મસાર કરતો એક કિસ્સો સામે આવ્યો

રાંચી, તા.૧૮: કોરોના વાયરસની અસર માત્ર લોકોના સ્વાસ્થ્ય પર જ નહીં લોકોના મન અને ભાવનાઓ પર પણ થઇ રહી છે. કોઈ દીકરો બાપના શબને લેવાની ના પાડે છે તો કોઈ દીકરી દૂર ભાગે છે, સગાવહાલાઓ મોઢું ફેરવી રહ્યા છે તો કયાંક લોકો સ્વજનોને જ ઓળખી નથી રહ્યા.પરંતુ હવે કોરોનાની અસર મમતાના એ સંબંધ પર પણ પડી રહી છે જેના પડછાયામાં બાળક ખુદને સૌથી વધુ સુરક્ષિત અનુભવે છે. ઝારખંડથી માનવતા અને મમતાને શર્મસાર કરતો આવો જ એક કિસ્સો સામે આવ્યો છે.

૨ વર્ષના એક માસુમ બીટ્ટુ નામના બાળકને તેના માતા-પિતા તાવ આવ્યા બાદ રિમ્સ હોસ્પિટલમાં દાખલ કરવા આવ્યા હતા. રિપોર્ટ્સ કરાવ્યા બાદ તે કોરોના સંક્રમિત મળી આવ્યો અને ડોકટરોએ સારવાર શરૂ કરી દીધી. જોકે, ડોકટર્સના અથાક પ્રયાસો છતાં બીટ્ટુ જિંદગીનો જંગ હારી ગયો. પરંતુ, તેના કરતા પણ દુઃખની વાત એ હતી કે મોત પહેલા જ તે સંબંધોની જંગ હારી ગયો હતો. પથ્થર દિલ માં-બાપ પોતાના જ મોતને ભેટેલા દીકરાને રિમ્સ હોસ્પિટલના સહારે છોડીને નાસી છૂટયા હતા.

જોકે, બીટ્ટુની અંતિમ વિદાઈ અનાથ તરીકે ન થઇ. તેના અંતિમ સંસ્કારની તમામ જવાબદારી રિમ્સના વોર્ડ બોય રોહિતે નિભાવી હતી. અબોધ બાળકને જરા પણ આભાસ નહિ રહ્યો હોય કે તેને જન્મ આપનાર માતાપિતા જ તેને વિપરીત પરિસ્થિતિમાં છોડીને ચાલી જશે. અંતિમ સંસ્કાર એવી વ્યકિત કરશે જેને તેણે જીવતા જીવ જોયો પણ નથી.

(10:19 am IST)