મુખ્ય સમાચાર
News of Monday, 17th May 2021

કોરોના પછી બધુ બે-બે દેખાય તો 'બ્લેક-ફંગશ' થયું ગણાય

મહારાષ્ટ્ર-ગુજરાત-કેરળ સહિતના રાજયોમાં આ રોગે દેખા દીધા બાદ હવે યુપીથી પણ આવવા લાગ્યા કેસ : જે દર્દી પહેલા ડાયાબીટીશ-કિડની-કેન્સરથી પીડિત હોય તેને આ રોગ થવા સંભવ

કાનપુર તા. ૧૭ :.. કોરોના વાયરસમાંથી સાજા થનારાઓ ઝડપથી બ્લેક ફંગસની ઝપટમાં આવી રહ્યા છે. આઇસીયુમાં રહેવા અને લાંબો સમય સ્ટેરોઇડની દવા લેવાના કારણે નબળી પ્રતિરોધક ક્ષમતા ધરાવતા દર્દીઓમાં નાક અને ગળાના માર્ગે સંક્રમણ ફેલાય છે. ધીમે ધીમે આંખની માસ પેશીઓને અસર થાય છે, જેનાથી શરૂઆતમાં સંક્રમતી વ્યકિતને વસ્તુઓ ડબલ દેખાવા લાગે છે. આવું થાય તો સાવચેતી પૂર્વક ઇલાજ કરાવવો જરૂરી છે. મહારાષ્ટ્ર, ગુજરાત, કેરળ સહિત અન્ય રાજયોમાં બ્લેક ફંગસના સંક્રમિતો મળ્યા પછી હવે ઉત્તર પ્રદેશમાં પણ કેસ આવવા લાગ્યા છે. આ ઘાતક સંક્રમણ મ્યુકર માઇકોસિસ નામની મૃતોપજીવ ફુગથી ફેલાય છે. બ્લેક ફંગસ સામાન્ય રીતે સડેલા  પદાર્થો, ભીના કપડા, ભેજવાળી સપાટી પર જોવા મળે છે.

કાનપુરના સીનીયર આઇ સર્જન ડોકટર ચતુર્વેદી અનુસાર, કોરોના સંક્રમતિ અથવા તેમાંથી સાજા થયેલ ૮૦ ટકા એવા દર્દીઓમાં બ્લેક ફંગસ જોવા મળી રહી છે. જેમને પહેલાથી જ ડાયાબીટીસ, કીડની અથવા કેન્સરની તકલીફ હોય. ગંભીર કોરોના સંક્રમીત લાંબા સમય સુધી આઇસીયુમાં ઓકસીજન સપોર્ટ પર રહે છે. એ દરમ્યાન ફેફસાનું સંક્રમણ ઓછું કરવા માટે સ્ટેરોઇડ થેરાપીની સાથે લોહી પાતળુ કરવાની દવાઓ પણ અપાતી હોય છે. ઓકસીજન સપોર્ટના કારણે નાક, મોઢા અને આંખોની આસપાસ ભેજ રહે છે. બરાબર સફાઇ ન થવાથી ફંગલ ઇન્ફેકશન થવા લાગે છે. અને દર્દી તેની ઝપટમાં આવી જાય છે.

આ ઉપરાંત અમૂક વૈજ્ઞાનિકો એવું પણ માને છે કે કૂદરતી ઓકસીજનથી લાંબો સમય દૂર રહેવું પણ બ્લેક ફંગસનું કારણ બની શકે છે. જે દર્દીઓને ઘરમાં જ ઓકસીજન સારવાર અપાઇ હોય તેવા લોકોને બ્લેક ફંગસનું જોખમ વધારે છે. અલીગઢના સીએમઓ ડોકટર કલ્યાણીનું કહેવું છે કે ડોકટરી સલાહ વગર જાતે ઓકસીજન લેવો અથવા વધારે સમય ઓકસીજન પર રહેવું ખતરનાક સાબીત થઇ શકે છે. ૧૦ દિવસથી વધારે સમય સુધી સતત કૃત્રિમ ઓકસીજન પર રહેવાથી ફેફસાની કાર્યક્ષમતા પર અસર પડી શકે છે. (પ-૯)

બ્લેક ફંગસના સામાન્ય લક્ષણો

* નાક અને આંખને જોડતા સ્નાયુઓ પર સોજો

* આંખની ઉપર બહારના અશ્રુક્ષેત્ર (લેક્રીમલ એરીયા) માં સોજો

* ગાલની ઉપર સ્પર્શવાથી સુજાતા લાગવી

* ઉધરસ ખાવાથી ગળફા સાથે લોહી આવવું

ગંભીર લક્ષણો

* આંખો અચાનક ત્રાંસી થવી

* કીકી ફુલાઇ જવાથી દૃષ્ટિ ધુંધળી થવી

* માથામાં જોરદાર દુખાવો અને બેહોશી

* આંખો ફુલીને બહાર આવી જવી.

(11:36 am IST)