મુખ્ય સમાચાર
News of Monday, 17th May 2021

વર્લ્ડ વોરની દહેશતઃ ઇઝરાયલે ફરી કર્યો હુમલોઃ અત્યાર સુધીમાં ૨૦૦ના મોત

ગઇરાત્રે ઇઝરાયલે ગાઝા ઉપર ૧૦ મિનિટ બોંબ વર્ષા કરી

નવી દિલ્હી, તા.૧૭: ઇઝરાયલે ફરી ગાઝા પટ્ટી ઉપર હુમલો કર્યો છે અને ગઇ રાત્રે સતત ૧૦ મિનિટ સુધી બોંબર વિમાનોએ બોંબ વરસાવ્યા હતા, ઇઝરાયેલે ૬૦ એરસ્ટ્રાઇક કરી છે ગાઝા શહેર ઉપર ૮ દિવસથી યુધ્ધ ચાલુ છે. આ દરમ્યાન ઇઝરાયલનું કહેવું છે કે હમાસે ૧ સપ્તાહમાં ૩૧૦૦ રોકેટ દાગ્યા છે.

ઇઝરાયેલના હુમલામાં ગાઝા શહેરમાં અત્યાર સુધીમાં ૨૦૦ લોકોના મોત થયા છે. જેમાં ૫૮ બાળકો પણ છે ઈઝરાયલે કહયુ છે કે અમારા ૧૦ નાગરિકો માર્યા ગયા છે.

ઇઝરાયલે રવિવારે ગાઝા સિટી પર કરેલા હવાઈ હુમલામાં ત્રણ ઇમારત નષ્ટ થઈ ગઈ અને ઓછામાં ઓછા ૪૨ લોકોના મોત થયા છે. ઇઝરાયલ અને હમાસ વચ્ચે એક સપ્તાહ પહેલા શરૂ થયેલા સંદ્યર્ષ બાદ આ સૌથી ભીષણ હુમલો હતો. ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, હુમલામાં મૃત્યુ પામનાર લોકોમાં ૧૬ મહિલાઓ અને ૧૦ બાળકો સામેલ છે, જયારે ૫૦ થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.

તેમણે કહ્યું કે, રાહત તથા બચાવ કાર્ય ચાલી રહ્યું છે. આ પહેલા ઇઝરાયલી સેનાએ કહ્યું કે, તેણે દક્ષિણી શહેર ખાન યૂનિસમાં અલગ હવાઈ હુમલામાં ગાઝાના સર્વોચ્ચ હમાસ નેતા યાહિયા સિનવારના આવાસને ધરાશાયી કરી દીધુ. હમાસના વરિષ્ઠ નેતાઓના ઘર પર છેલ્લા બે દિવસમાં આ ત્રીજો હુમલો છે. તો હુમલાને ધ્યાનમાં રાખી હમાસના ઘણા નેતા અન્ડરગ્રાઉન્ડ થઈ ગયા છે.

ઇઝરાયલે હમાસને વધુમાં વધુ નુકસાન પહોંચાડવા માટે હાલના દિવસોમાં હુમલાની સંખ્યા વધારી છે. તો આંતરરાષ્ટ્રીય વાર્તાકાર પણ બન્ને પક્ષો વચ્ચે મધ્યસ્થાના પ્રયાસ કરી રહ્યાં છે, પરંતુ હમાસના નેતાઓને નિશાન બનાવવાથી આ પ્રયાસમાં મુશ્કેલી આવી શકે છે. પૂર્વી યરૂશલમમાં આ મહિનાની શરૂઆતમાં તણાવ ત્યારે શરૂ થયો જયારે પેલેસ્ટાઈનના શેખ જર્રામાં તેમને કાઢવા દરમિયાન પ્રદર્શન કર્યુ અને ઇઝરાયલ પોલીસે અલ-અકસા મસ્જિદમાં કાર્યવાહી કરી હતી.

આ લડાઈ પાછલા સોમવારે શરૂ થઈ જયારે યરૂશલમને બચાવવાનો દાવો કરનાર હમાસે લાંબા અંતરના રોકેડ છોડ્યા હતા. સંદ્યર્ષ અન્ય જગ્યાઓ પર ફેલાઈ ગયો છે. વેસ્ટ બેન્ક અને ઇઝરાયલમાં પણ અનેક જગ્યાએ યહૂદી અને અરબ નાગરિકો વચ્ચે ઘર્ષણ થયું છે.

(11:37 am IST)