મુખ્ય સમાચાર
News of Monday, 17th May 2021

કોરોનાથી મારવાડી મોજડી લુપ્ત થવા લાગીઃ કારીગરો અન્ય રોજગાર તરફ વળ્યા

પગને સંપૂર્ણ રક્ષણ આપતી હોવાથી ''પગરખી'' નામ પડયું : રાજસ્થાનની અનેક કળાઓમાંની એક મોજડીના વ્યવસાય સાથે જોડાયેલ લોકોની સ્થિતિ ખરાબ

જયપુર તા. ૧૭: પગમાં પહેરવામાં આવતી ચામડીની મોજડી હવે લુપ્ત પ્રાયઃ થવા લાગી છે. ગામડાઓમાં ભૂતકાળમાં મહિલાઓ પુરૂષો મોજડી પહેરતા હતા. જયારે આજે ગણ્યા ગાંઠયા ઘરોમાં જ તેનું ચલણ છે.

હવેના સમયમાં શોખથી કે પછી લગ્ન કે તહેવારમાં જ મોજડી પહેરવામાં આવે છે. મોજડી પ્રત્યે લોકોનો લગાવ ઓછો થતો જાય છે. બજારમાં આવતા તૈયાર માલથી પરંપરાગત મોજડી બનાવનાર લોકોની રોજગારી ઉપર અસર પડી છે. મોજડીના વ્યવસાય સાથે જોડાયેલ કારીગર હવે અન્ય કામ-ધંધામાં ચડી રહ્યા છે. ઉપરથી કોરોનાની થપાટે મોજડીના વ્યવસાયની કમર જ ભાંગી નાંખી છે.

ગ્રામ્ય વિસ્તારોમાં થતા લગ્નોમાં વર-વધુને ચામડાની મોજડી પહેરાવાનો રિવાજ છે. પણ છેલ્લાં બે વર્ષથી કોરોનાના લીધે આ વ્યવસાયને ગ્રહણ લાગ્યું છે. રાજસ્થાનની મોજડી વિશ્વમાં પ્રસિધ્ધ છે. સમદડીમાં લગભગ સોથી વધુ ઘરોમાં મોજડી બને છે.

આ ઘરોમાં પુરૂષો મોજડી તૈયાર કરે છે અને મહિલાઓ તેમાં રંગ પુરી આકર્ષક બનાવે છે. ચામડીની મોજડી એકદમ ટકાઉ હોય છે. મોટા ભાગે ખેડૂતો તેનો ઉપયોગ કરે છે. પગને સંપૂર્ણ રક્ષણ આપતી હોવાથી તેનું નામ પગરખી પડયું છે. મોજડી બનાવવા માટેનું ચામડું કાનપુર, ચૈન્નઇ અને ભીનમાલ ક્ષેત્રમાં મળે છે.

ચામડાનો ભાવ પણ આસમાને છે. હાલ ૩૦૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવથી પણ ચામડુ નથી મળતું પડતર મોંઘી થવાથી તેની વેંચાણ કિંમત પણ વધી જાય છે. એક જોડી મોજડી બજારમાં પ૦૦ થી ૧ હજાર રૂપિયા સુધી વેંચાય છે. જયારે તેને તૈયાર કરવામાં મહેનતની સાથે પડતર વધુ હોવાથી મોજડી વ્યવસાય સાથે સંકળાયેલ લોકોને મજુરી પુરતી ન મળતા આ વ્યવસાયથી મોહ ભંગ પણ થવાનું કારણ છે.

(3:14 pm IST)