મુખ્ય સમાચાર
News of Monday, 17th May 2021

ન્યુ સાઉથ વેલ્સ યુનિવર્સિટી ભારતીય ધ્વજના રંગે રંગાઈ

ભારતની કોરોના સામેની લડાઈમાં ઓસી.નો ટેકો : ભારતથી ઓસ્ટ્રેલિયાની ફ્લાઇટ પર અસ્થાયી પ્રતિબંધ પૂર્ણ

સિડની, તા.૧૭ : કોરોના વાયરસની બીજી લહેર સામે ભારતની લડાઈમાં ઓસ્ટ્રેલિયાએ ટેકો આપ્યો છે. મેડિકલ સંસાધનો ઓસ્ટ્રેલિયાએ પુરા પડ્યા છે. ત્યારે ઓસ્ટ્રેલિયાના સિડનીમાં આવેલી યુનિવર્સિટી ઓફ ન્યુ સાઉથ વેલ્સ દ્વારા ભારતીય વિદ્યાર્થીઓ, મિત્રો, ફેકલ્ટી અને સ્ટાફ સાથે એકતા દર્શાવવા ૧૪ મેના રોજ તેમના લાઇબ્રેરીના ટાવર પર ત્રિરંગો પ્રકાશિત કર્યો હતો.

આખી ઇમારત પર લાઈટના માધ્યમથી ત્રિરંગો જોવા મળ્યો હતો. સાથે સ્ટે સ્ટ્રોંગ ઇન્ડિયા  અને ઓલ સફરિંગ ફ્રોમ ધી પેંડેમિક જેવા સંદેશ પણ જોવા મળ્યા હતા. તસ્વીરને યુનિવર્સિટી દ્વારા તેના ટ્વિટર હેન્ડલ પર શેર કરાઈ છે. ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને ભારતથી આવતી જતી ફલાઇટ પરનું કામચલાઉ સસ્પેન્શન પૂર્ણ કર્યું છે.

ફેસબુક પર શેર થયેલી પોસ્ટમાં ઓસ્ટ્રેલિયન વડાપ્રધાને જણાવ્યું હતું કે, ભારતથી ઓસ્ટ્રેલિયાની ફ્લાઇટ્સ પર અસ્થાયી પ્રતિબંધ સમાપ્ત થાય છે. વચન મુજબ ઓસ્ટ્રેલિયન સરકાર દ્વારા કોમર્શિયલ ફ્લાઇટ્સ ફરી શરૂ કરવામાં આવશે. ઓસ્ટ્રેલિયાના નાગરિકોને સુરક્ષિત રાખવા ફલાઇટ વખતે કડક પ્રિ ફલાઇટ ટેસ્ટિંગ થશે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, મેડિકલ સપ્લાય કરતી ફ્લાઇટ પણ ૧૪ મેના રોજ ભારત મોકલવામાં આવી છે. સંકટમાં મદદ માટે ૧૦૫૬ વેન્ટિલેટર, ૬૦ ઓક્સિજન કન્સેટ્રેટર અને અન્ય આવશ્યક પુરવઠો લઈ ગત શુક્રવારે સિડનીથી ફ્લાઇટ રવાના થઈ હતી. નોંધનીય છે કે, ગયા મહિને વિશ્વના સૌથી ઊંચા બિલ્ડીંગ બુર્જ ખલીફા પર પણ ભારતીય રાષ્ટ્રધ્વજ રોશન કરાયો હતો અને પરસ્પરની એકતા દર્શાવી હતી.

(7:25 pm IST)