મુખ્ય સમાચાર
News of Thursday, 17th September 2020

કલમશ્રેષ્ઠી કોરોના સામેનો જંગ હારી ગયા

સૌરાષ્ટ્રના વરિષ્ઠ પત્રકાર કાંતિભાઈ કતીરાનો જીવનદીપ બુઝાયો

ગઈ મોડી રાત્રે અંતિમ શ્વાસ લીધા : પત્રકાર જગતમાં શોકનું મોજુ : ૯૦ વર્ષની ઉંમરે પણ તેમની કલમ અવિરત ચાલતી : પૂ.રણછોડદાસજી બાપુના પરમ ભકત હતા : 'અકિલા' પરિવાર સાથે હતો આત્મીય નાતો

રાજકોટ, તા. ૧૭ : સૌરાષ્ટ્ર - ગુજરાતના પ્રથમ હરોળના અને સંભવતઃ સૌથી મોટી ઉંમરના વડીલ પત્રકાર શ્રી કાંતિભાઈ એલ. કતીરાનો જીવનદીપ ઓલવાઈ ગયો છે. કાળમુખા કોરોના વાયરસે કાંતિભાઈનું જીવન હરી લીધુ છે.

ત્રણ મહિના પૂર્વે ૧૬ જૂનના રોજ કાંતિભાઈ ૯૦માં વર્ષમાં પ્રવેશ કરેલ. અઠવાડીયા પૂર્વે કાંતિભાઈને થોડો તાવ આવતા તેમના ભત્રીજા અને જાણીતા શિક્ષણવિદ્દ કિરણભાઈ કતીરા, હેલીબેન કતીરા અને કુટુંબીજનો તેમને પોતાના નિવાસે લઈ ગયેલ. ૨-૩ દિવસ તાવ રહેતા કોરોના ટેસ્ટ કરાવતા પોઝીટીવ આવેલ. તેમને શ્વાસ લેવામાં તકલીફ થતા તાત્કાલીક સિવિલ કોવિડ હોસ્પિટલમાં દાખલ કરેલ. ૩-૪ દિવસની સારવાર કારગત નિવડી ન હતી અને શ્રી કાંતિભાઈએ ગઈકાલે મોડી સાંજે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના ૭૫ વર્ષની વયના નાના બહેન વિમલાબેનને પણ કોરોના પોઝીટીવ આવતા સિવિલ કોવિડમાં દાખલ કર્યા હતા. જયાં તેમની તબિયત સારી છે અને હવે કોરોના નેગેટીવ આવેલ છે.

અકિલા પરિવાર સાથે કાંતિભાઈનો ત્રણ પેઢીનો અતૂટ નાતો છેવટ સુધી જળવાઈ રહ્યો હતો. અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા, અકિલાના તંત્રી શ્રી અજીતભાઈ ગણાત્રા, શ્રી રાજેશભાઈ ગણાત્રા, અકિલાના એકઝીકયુટીવ એડીટર અને વેબ એડીશનના એડીટર શ્રી નિમીષભાઈ ગણાત્રા અને સમગ્ર અકિલા પરિવારે ૨ મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલી અર્પી હતી.

૧૯૭૬થી 'ઋણ' નામના માસિક દ્વારા પૂ.રણછોડદાસજી મહારાજશ્રીના મોંઘેરા મિશનમાં જોડાઈને યથાશકિત માનવસેવાની કામગીરીઓ કરતાં રહ્યા છે. આ મિશન સર્જનહારે સર્જેલી અત્યંત સુંદર પૃથ્વીને તથા માનવ જાતને વધુ સુંદર બનાવવાના ધ્યેયને  વરેલુ છે. આ મિશનના હાલના મોભી મહામંડલેશ્વર ૧૦૦૮ પૂ.શ્રીહરીચરણદાસજી મહારાજશ્રીએ માનવસેવાને 'ધર્મનો પ્રાણ' કહીને ધર્મની નવી વ્યાખ્યા આપી છે. જેમના રાહનો હું પ્રવાસી છું એવું કાંતિભાઈ કતીરા હંમેશા કહેતા.

૮૯ વર્ષ પહેલા ઉપલેટામાં જન્મેલા કાંતિભાઈનો બચપનનો અભ્યાસ ઉપલેટામાં થયો. તે પછી રાજકોટની

દેવકુંવરબા સ્કુલ અને અંગ્રેજી અભ્યાસ મેટ્રીક સુધી આલ્ફેડ હાઈસ્કુલમાં થયો. એ વખતની એકમાત્ર ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં શ્રી ડી.પી.જોષી, ઉપેન્દ્રભાઈ પંડ્યા અને ડો.રમણલાલ યાજ્ઞિક (પ્રિન્સીપાલ) જેવા મહારથી પ્રાધ્યાપકો પાસે કેળવણી સાંપડી.

'ફુલછાબ'માંથી ભુપતભાઈ વડોદરીયાની ટીમ પાસે પત્રકારત્વની કક્કો - બારાખડી શીખ્યા બાદ મુંબઈમાં પત્રકારત્વની ડિગ્રી અને મુંબઈ સમાચારમાં તંત્રી વિભાગમાં કામગીરીનો લાભ મળ્યો. થોડો વખત સુપ્રસિદ્ધ સાહિત્યકાર શ્રી મોહનલાલ મહેતા સોપાનના મેગેઝીનો માટે કામગીરીની ઉત્તમોત્તમ તક મળી.

મુંબઈમાં ફ્રી પ્રેસ જર્નલના એલાઈડ પબ્લીકેશન જનશકિતના તંત્રી વિભાગમાં કામગીરી બજાવતા શ્રી રમણલાલ શેઠ, શ્રી મનુભાઈ મહેતા, વેણીભાઈ પુરોહિત, હરીન મહેતા, દિગંત ઓઝા, હરીભાઈ ત્રિવેદી સાથે અખબારી કામગીરી બજાવી. મુંબઈ સમાચારની સાપ્તાહિક પૂર્તિના વડા શાંતિકુમાર ભટ્ટની ટીમમાં સેવાઓ આપી. બે પારસી અધિપતિઓ સોરાબજી કાપડીયા, મીનુ દેસાઈ અને કિશોર દોશી હેઠળ કામ કરીને અખબારી જગતનો બહોળો અનુભવ મેળવ્યો.

૧૯૬૫ની લોકસભાની ચૂંટણી વખતે મુંબઈથી રાજકોટની બેઠક માટે ચૂંટણી લડવા આવેલા સ્વતંત્ર પાર્ટીના અખિલ ભારતીય મહામંત્રી મીનુ મસાનીના પીએ તથા ઓફીસ સેક્રેટરી તરીકે ચૂંટણી સંબંધી કામગીરી બજાવી અને જીત મેળવી. તે વખતે જયપુરના મહારાણી ગાયત્રી દેવી, સરદાર પટેલના પુત્ર ડાયાભાઈ પટેલ, ભાઈકાકા, મોરારજી દેસાઈ, શ્રી અડવાણી, સ્વ.શ્રી વાજપેયી વગેરે રાજપુરૂષોને રાજકોટમાં જ કાંતો જાહેરસભામાં અથવા તો પત્રકાર પરિષદમાં જોયા હતા. સવાલ - જવાબ પણ થયા હતા.

મુંબઈના એક હોલ ખાતે પંડિત જવાહરલાલ નેહરૂ અને પ્રિયદર્શિની - ઈન્દીરા ગાંધીની ઉપસ્થિતિમાં કોંગ્રેસ કારોબારીની બેઠક વખતે સંબોધન કરતાં નિહાળ્યા હતા. ચીનના આક્રમણ બાદ આ બેઠક યોજાઈ હતી. જેનું રીપોર્ટીંગ કરવાનું સૌભાગ્ય સાંભળ્યુ હતું.

ઓશો જયારે આચાર્ય રજનીશ તરીકે રાજકોટ આવેલા ત્યારે રાષ્ટ્રીય શાળામાં કરેલા સંભાષણ વખતે અને રાજકોટમાં જ પત્રકાર પરિષદમાં ચૈતનિક આદાન પ્રદાન વખતે દર્શન - વંદનનું સૌભાગ્ય સાંપડ્યુ હતું. શ્રી રજનીશની સાથે તેમની જયહિન્દની મુલાકાત વખતે પણ વાર્તાલાપની તક મળી હતી.

જેમને ગર્વનરશ્રીએ સન્માનિત કર્યા હોય, ગુજરાત સરકારના બે સીનીયર પ્રધાનો વજુભાઈ વાળા અને અશોકભાઈ ભટ્ટે કાર્યદક્ષતા માટે બ્રહ્માનિત કર્યા હોય, શ્રી રાજકોટ લોહાણા સેવા મંડળ અને શ્રી કૃષ્ણ ચિકિત્સાલયના ચેરમેન તેમજ લોકપ્રિય સાપ્તાહિક અખબારના તંત્રી નટુભાઈ કોટકે ઉમદા ગુજરાતના આ સીનીયર પ્રધાનોના હસ્તે એક મૂર્ધન્ય તેમજ કાર્યદક્ષ કલમનવેશ તરીકે બિરદાવીને રઘુવંશી ભૂષણનો મોંઘેરો ખિતાબ બક્ષ્યો હોય, લોહાણા મહાજન અને લોહાણા મહાપરિષદના વડા અને આગેવાન દાનવીર શ્રેષ્ઠી જયંતિભાઈ કુંડલીયાએ રઘુવંશી રત્નનો લાખેણો ચંદ્રક બક્ષ્યો હોય એવા સહુની સાથે હળતા મળતા રહીને સમગ્ર તેઓ 'જય હિન્દ'ના એલાઈડ પ્રકાશનો ફુલવાડી (બાળસાપ્તાહિક), અમૃતા (મહિલાઓ માટેનું સપ્તાહિક), પરમાર્થ (આધ્યાત્મિક માસિક), નિરંજન (સાહિત્યિક મેગેઝીન), જયહિન્દ - સાપ્તાહિક પૂર્તિ વગેરેનું સંપાદન કરી ચૂકયા છે.

જય હિન્દમાં પત્રકાર જગતના ભીષ્મ પિતામહ સ્વ.બાબુભાઈ શાહના વડપણ હેઠળના જયહિન્દ દૈનિકમાં દાયકાઓ સુધી સેવા આપી હતી. અકિલા માટે હંમેશ વડીલ તરીકે માર્ગદર્શન આપતા રહેલ. છેલ્લે શ્રી સતીષભાઈ મહેતાના વડપણ હેઠળના 'અબતક' દૈનિકના તંત્રી લેખની જવાબદારી પણ સંભાળી હતી.

કેસરીયા વાડી અને રઘુવંશી હોસ્પિટલના નિર્માણમાં સેવા આપી છે. રાજકોટના લોહાણા સેવા મંડળ અને શ્રી કૃષ્ણ ચિકિત્સાલયના ચેરમેન અને સારાંશ અખબારના તંત્રી શ્રી નટુભાઈ કોટક દ્વારા ગુજરાતના બે સીનીયર પ્રધાનો શ્રી વજુભાઈ વાળા અને શ્રી અશોકભાઈ ભટ્ટે તેમની કાર્યદક્ષતા અને માનવસેવાની સાથે બહુમાનિત કર્યા છે. શ્રી રાજકોટ લોહાણા મહાજન અને શ્રી લોહાણા મહાપરિષદે તેના પ્રમુખ અને અગ્રણી દાનવીર શ્રેષ્ઠી શ્રી જયંતિભાઈ કુંડલીયાએ તેમને જ્ઞાતિ સેવા અને માનવા સેવાની કદર રૂપે રઘુવંશી રત્નના ખિતાબ સાથે બહુગાનિત કર્યા છે. અખિલ ભારત એસ એન્ડ એસ પત્રકાર સંઘે તેમને લાઈફ એચીવમેન્ટ એવોર્ડ વડે નવાજ્યા છે.

'અકિલા' પરિવાર પોતાના આપ્તજન સમા આ મહાન પત્રકારને સાદર વંદન કરે છે.

શાંતિઃ શાંતિઃ....

(2:53 pm IST)