મુખ્ય સમાચાર
News of Thursday, 17th September 2020

પત્નિએ પ્રેમી અને સાથીની મદદથી પતિનું ખૂન કર્યુઃ લોકોએ ત્રણેયને પતાવી દીધા

અન્ય પુરુષો સાથે અનૈતિક સંબંધો ધરાવતી હતી મહિલાઃ પ્રેમી સાથે મળી પતિનું ખૂન કરી દેતા રોષે ભરાયેલા ગ્રામજનોએ બદલો લીધો

ગુમલા, તા.૧૭: ઝારખંડના ગુમલા જિલ્લાના રાયડીહ પોલીસ સ્ટેશન વિસ્તારના ડેરંગડીહ ગામમાં સોમવારની રાતે ચાર લોકોની હત્યા થઈ. પહેલા એક મહિલાએ પોતાના બે કથિત પ્રેમીઓ સુદીપ ડુંગડુંગ (૨૪) અને તેના સાથી પ્રકાશ કુલ્લુ (૨૧) સાથે મળીને પોતાના ૪૦ વર્ષીય પતિની ગળું દબાવીને હત્યા કરી દીધી. બાદમાં આ હત્યાથી ગુસ્સે ભરાયેલા ગ્રામીણોએ મહિલા અને તેના બંને પ્રેમીઓને લાકડી-ડંડાથી મારીને મોતને ઘાટ ઉતારી દીધા.

આ ચકચાર મચાવી દેનારી ઘટના બાદ ગામમાં પહોંચેલી પોલીસે શંકાના આધારે કેટલાક લોકોની ધરપકડ કરી છે. પોલીસે એક TVS મોપેડ ગામના જંગલોમાંથી બરામદ કરી છે. પોલીસે ચારેય લોકોના મૃતદેહને પોતાના કબજામાં લઈ લીધા છે. તેને પોસ્ટમોર્ટમ માટે ગુમલા જિલ્લા હોસ્પિટલમાં મોકલામાં આવ્યા છે. SP HP જનાર્દન, ચૈનપુરના SDPO અને ગુમલાના SDPOએ ઘટનાસ્થળની મુલાકાત લીધી.

મળતી માહિતી અનુસાર, માર્યા ગયેલા મરિયાનુસની પત્ની નીલમ કુજૂરના કેટલાક લોકો સાથે અનૈતિક સંબંધો હતા. મરિયાનુસ અને સુદીપ છેલ્લા બે વર્ષથી એકબીજાને ઓળખતા હતા અને પુણેમાં સાથે કામ કરતા હતા. લોકડાઉન દરમિયાન દ્યરે પરત ફર્યા બાદ સુદીપ નિલમને મળ્યો અને બંને વચ્ચે અફેર શરૂ થયું હતું. તેણે એક દિવસ પત્ની નીલમને કેટલાક લોકો સાથે કઢંગી હાલતમાં જોઈ લીધી હતી. આ વાતને કારણે પતિ-પત્ની વચ્ચે સતત ઝઘડા થતા હતા. ગામના લોકો પણ નીલમને શંકાની નજરે જોતા હતા અને તેના ચરિત્ર પર સવાલ ઉઠાવતા હતા. પતિ દ્વારા અન્યની સાથે અનૈતિક સંબંધો રાખવાનો વિરોધ કરાયા બાદ નીલમે પોતાના બે કથિત પ્રેમીઓને બોલાવ્યા હતા.

ગુમલાના SP એચપી જનાર્દને કહ્યું કે, સિકોઈ પંચાયતના ડોરંગડીગ ગામમાં ચાર લોકોની હત્યા થઈ છે. મેં ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું છે. અમારી ટીમ આ કેસની તપાસમાં જોડાયેલી છે. અમને કેટલીક મહત્વની જાણકારી મળી છે. ત્યાં લોહીથી લથબથ લાકડી, એક વ્યકિતનો મોબાઈલ, સાદો ચેક વગેરે મળ્યું છે. ગ્રામીણો અનુસાર મહિલા નીલમ કુજૂરના કોઈની સાથે અનૈતિક સંબંધો હતા. મહિલાએ પોતાના કથિત પ્રેમીઓ સાથે મળીને પતિની હત્યા કરી છે. હત્યાથી ગુસ્સે ભરાયેલી ભીડે મહિલા અને તેના બંને સહયોગીઓને મોતને ઘાટ ઉતારી દીધા. કેસની તપાસ ચાલી રહી છે અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયા છે.

(10:05 am IST)