મુખ્ય સમાચાર
News of Thursday, 17th September 2020

રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં પોસ્ટલ બેલેટ પેપરના મતદાનથી ખતરો : ટ્રમ્પ

આ પ્રકારના મતદાનથી ચૂંટણીમાં ગરબડ થઇ શકે

વોશિંગ્ટન, તા.૧૭ : અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું છે કે, રાષ્ટ્રપતિ ચૂંટણીમાં વિદેશી હસ્તક્ષેપથી વધારે મેલ દ્વારા કરાતું મતદાન વધારે મોટા ખતરારૂપ છે કેમકે તેમાં મોટા પાયે ગડબડની તકો રહેલી છે. જણાવી દઇએ કે ૩ નવેમ્બરે રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા ડેમોક્રેટીક પાર્ટી દ્વારા શાસિત રાજયોના રાજયપાલ લોકોને મેલ-ઇન-બેલેટ દ્વારા મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યાં છે અને મતદાન કેન્દ્રો પર આવવાથી બચવા માટે આવી રીતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા કહી રહ્યા છે.

ટ્રમ્પનું કહેવું છે કે આ પ્રકારના પગલાથી ચૂંટણીમાં ગડબડ થઇ શકે છે, કેમકે કોઇ બીજાના નામે પણ ગમે ત્યાંથી મતદાન કરી શકે છે. આ ઉપરાંત સેંકડો અને હજારો બેલેટ પેપર ગાયબ થઇ જશે. કેમોક્રેટનો તર્ક છે કે આ એક સારી રીતે સ્થાપિત કામગીરી છે અને કોરોના મહામારીને જોતા મેલ-ઇન-વોટ પસંદગીનો વિકલ્પ બનવો જોઇએ.ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં પત્રકારોને કહ્યું, આ ચૂંટણીમાં આપણા માટે સૌથી મોટો ખતરો બેલેટ પેપરો, લાખો બેલેટ પેપરને નિયંત્રિત કરનારા વિરોધ પક્ષના ગવર્નરોથી છે. મારા માટે તે વિદેશી દેશોની સરખામણીમાં મોટો ખતરો છે. કેમકે વિદેશો અંગે આવતા મોટાભાગના સમાચારો ખોટા સાબિત થયા છે. તેમણે કહ્યું કે આ મતદાન પ્રથાનો ઉપયોગ કરીને છેલ્લા વર્ષ દોઢ વર્ષમાં ઘણી ચૂંટણીઓ થઇ છે. તેમણે કહ્યું કે આ પ્રકારનું પગલુ ડેમોક્રેટસ દ્વારા કોઇ ખાસ મકસદથી લેવાઇ રહ્યું છે.

(3:27 pm IST)