મુખ્ય સમાચાર
News of Thursday, 17th September 2020

નરેન્દ્રભાઈ મોદીના માતુશ્રી પૂ.હિરાબાએ રજૂ કરી જાણી - અજાણી વાતો

મારો આત્મા કહે છે કે નરેન્દ્ર એક દિવસ ભારતનો વડાપ્રધાન બનશે

નરેન્દ્રભાઈમાં જે આત્મવિશ્વાસ ઠાંસોઠાસ ભર્યો છે, તે તેમના માતાની દેન... : પૂ. હિરાબા કહે છે નાનપણથી જ તેનો સ્વભાવ બીજા કરતા જુદો હતો, તેણે ખાસ તોફાન કર્યા હોય એવું પણ મને યાદ નથી, કોઈની સાથે ઝઘડો થયો હોય એવું ઓછું બનતુ, બીજાનો ઝઘડો પોતાના માથે લઈ લે : મને ગર્વ છે કે મારો નરેન્દ્ર લોકોના કામ કરી રહ્યો છે, દેશ માટે જીવી રહ્યો છે, તેણે પોતાનું જીવન પૂરા દિલથી દેશને ચરણે ધર્યુ છે, જયારે તેણે નિર્ણય કર્યો કે હું હવે દેશ માટે જીવીશ, બસ પછી તેણે આ નિર્ણયનો પૂરેપૂરો અમલ કર્યો છે, જે માતાના સારા નસીબ હોય તેની કુખે એવો દીકરો અવતરે

આજે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ છે. તેઓ દર વર્ષે પોતાના જન્મદિવસના અવસરે પોતાનાં માતુશ્રી હીરાબાને મળીને આશીર્વાદ લે છે પણ કોરોનાને કારણે એ સિલસિલો અટકયો છે. ગમે તેવા વ્યસ્ત શિડ્યૂલમાં તેઓ દરરોજ પોતાના માતા હીરાબાને ફોન પણ કરે છે. નરેન્દ્રભાઈમાં જે આત્મવિશ્વાસ ઠાંસોઠાંસ ભર્યો છે, તે તેમનાં માતાની દેન છે. હીરાબાને તો વિશ્વાસ હતો જ કે પોતાનો દીકરો ભારતનો વડાપ્રધાન બનશે જ. આ વાત છે ફેબ્રુઆરી, ૨૦૦૪ની. એ વખતે તે હું અમેરિકાથી પ્રકાશિત થતા એક સાપ્તાહિકમાં ફરજ બજાવતો હતો. એ વખતે વડનગરમાં તેમના નિવાસસ્થાને તેમનો લાંબો ઈન્ટરવ્યુ કર્યો હતો. તેમણે કહેલું કે મારો આત્મા કહે છે કે નરેન્દ્ર એક દિવસ ભારતનો વડાપ્રધાન બનશે. એ વાત સાચી પડી. નવાઈની વાત એ છે કે એ સમયકાળ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી માટે કાઠો અને વિપરીત હતો. આખી દુનિયામાં તેમના પર માછલાં ધોવાતાં હતાં. અરે, તેઓ મુખ્યમંત્રી તરીકે ટકશે કે કેમ તે પણ નક્કી નહોતું. એવી સ્થિતિમાં એક માતાના હૃદયમાંથી એવા આશીર્વાદ વ્યકત કરાયા કે મને તો ચોક્કસ લાગે છે કે તે એક દિવસ ભારતનો વડાપ્રધાન બનશે.

ચૂંટણીનાં પરિણામો કરતાં માતાના હૃદયનો ચૂકાદો ચડિયાતો હોય છે કદાચ....

૨૦૦૪માં લખાયેલા એ લેખના કેટલાક અંશો મિત્રો સાથે વહેંચું છું.......

નરેન્દ્રભાઈ મોદી (ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી) અમેરિકા જવાના હોવાથી કંઈક જુદી સ્ટોરી કરવી તેવી ઇચ્છા હતી. તસવીરકાર વિરેન્દ્ર રામીએ મહેસાણાથી લઈને અમે પહોંચ્યા વડનગર. વડનગર નરેન્દ્રભાઈની જન્મભૂમિ. અહીં તેમનું બાળપણ વિતેલું. નરેન્દ્રભાઈના લદ્યુબંધુ પંકજભાઈએ પણ અમને ખૂબ સહયોગ આપ્યો. તેઓ અમારી સાથે રહ્યા અને સંપર્કો પણ કરાવી આપ્યા. અમે નરેન્દ્રભાઈના નિવાસસ્થાનમાં બેસીને, ઓસરીમાં હિરાબા સાથે ઘણી વાતો કરી. તેઓ જે શાળામાં ભણ્યા હતા તે શાળાના આચાર્યને મળ્યા હતા. તેમને ભણાવનારા કેટલાક શિક્ષકો સાથે પણ મુલાકાત કરી હતી. નરેન્દ્રભાઈ જેમની જેમની સાથે ભણ્યા હતા તેમાંથી કેટલાક સહાધ્યાર્થીઓને તેમના ઘરે જઈને મળેલા. અમારા માટે આ એક યાદગાર મુલાકાત હતી.

એ વખતે હીરાબાની ઉંમર હતી ૮૯ વર્ષની, પણ સ્ફૂર્તિ ૬૫ કે ૭૦ વર્ષની વ્યકિત જેટલી હતી. શુદ્ઘ ઉચ્ચારો સાથે સહેજ પણ અચકાયા વગર બોલતાં હતાં. એમની યાદદાસ્ત પણ આશ્ચર્ય પમાડે તેવી હતી. ગુજરાતની ઐતિહાસિક નગરી વડનગરના એક બેઠા ઘાટના, પરંપરાગત મકાનની ઓસરીમાં બેસીને તેમણે પોતાના પાંચ દીકરાઓમાંથી ત્રીજા નંબરના દીકરા નરેન્દ્ર વિશે વાતચીત કરી હતી.

નાનપણથી જ તેનો સ્વભાવ બીજા કરતાં જુદો હતો. એ ઘોડિયામાં હતો ત્યારથી જ જુદો તરી આવતો. બીજા છોકરાઓ ખૂબ રડે, આ ભાઈ ખૂબ ઓછું રડે. તેણે ખાસ તોફાન કર્યાં હોય તેવું પણ મને યાદ નથી. કોઈની સાથે તેને ઝદ્યડો થયો હોય તેવું પણ ઓછું બનતું. હા, એક વાત ખરી, બીજાનો ઝઘડો પોતાના માથે લઈ લે. કોઈને અન્યાય થતો હોય કે કયાંય કશું ખોટું થતું હોય તો તેને ચચરી જાય અને તે સહન કરે નહિ.

નાનપણથી જ તેને શરીરને ખૂબ સ્વચ્છ રાખવાની ટેવ. સુઘડ ઘણો. તેને ગંદકી ગમે નહિ. કપડાં વ્યવસ્થિત પહેરવા જોઈએ. તેને જેવું તેવું કશું ન ચાલે. સ્કૂલમાં હતો ત્યારે કપડાં ઇસ્ત્રી કરેલાં પહેરીને જવાનું મન થાય એટલે તેણે એક યુકિત શોધી કાઢેલી. રોજ રાત્રે કપડાં સરસ રીતે દ્યેડ પ્રમાણે વાળીને ગાદલાં નીચે મૂકી દે. સવારે જાણે કે કપડાંને ઇસ્ત્રી કરી હોય તેવું લાગે. એવાં કપડાં પહેરીને સ્કૂલમાં જાય એટલે દોસ્તારો પૂછે કે તું તારાં કપડાને ઇસ્ત્રી કયાં કરાવે છે? ટૂંકમાં તેને બધું વ્યવસ્થિત જોઈએ અને સ્વનિર્ભર અને સ્વમાની પણ ઘણો.

થોડોક મોટો થયો એટલે અમારા ગામના શર્મિષ્ઠા તળાવમાં નહાવા જતો થયો. એ નહાવા જાય એટલે પોતાનાં કપડાં જાતે જ ધોઈને આવે. પોતાનું કામ જાતે જ કરવાનું તેને ગમે. પોતાના માટે બીજા કોઈને તકલીફ પડે તેવું તેને ન ગમે. આ વસ્તુ તેને કોઈએ શીખવાડી નથી, તેનામાં જાતે જ આવી છે.

હીરાબા નરેન્દ્રભાઈની વાત કરતી વખતે ખૂબ આનંદિત થઈને વાતો કરે છે, નિરાંતમાં વાત કરે છે. તેમને નરેન્દ્રભાઈની વાતો કરવાનું ખૂબ ગમે છે. તેઓ કહે છે, મને ઘણી વાર નવાઈ લાગતી કે આ છોકરો કયાંથી બધું શીખી લાવે છે? અમે દ્યરમાં કોઈ વસ્તુ લાવીએ તો તે તરત જ કહે કે જેટલી જરૂર હોય તેટલું જ લાવો, ઘરમાં ખોટો સંગ્રહ ન કરશો. દેશમાં હજારો લોકો ચીજવસ્તુઓ વગર તડપતા હોય ત્યારે આપણે ઘરમાં વસ્તુઓનો ઢગલો કરીએ તે કેટલું વાજબી ગણાય? હીરાબા ઉમેરે છે, મને બરાબર યાદ છે, જયારે તેણે આ વાત પહેલી વખત કરી ત્યારે તેની ઉંમર ૧૦-૧૨ વર્ષની હતી. મને એ વખતે થયેલું કે આવું બધું કયાંથી શીખી લાવે છે, પણ પછી ધીમે ધીમે સમજાયું હતું કે તેનું વ્યકિતત્વ જ જુદું છે.

અમે પૂછીએ છીએ, એ વ્યકિતત્વ એટલી હદ સુધી દેશપ્રેમી બને કે દેશ માટે દ્યર છોડી દેવા તૈયાર થાય ત્યારે એક શ્નમાલૃતરીકે તમને કેવી લાગણી થઈ હતી? હીરાબા થોડી વાર કશું બોલતાં નથી. એમની આંખનો એક ખૂણો સહેજ ભીનો થઈ જાય છે, પણ એ કળવા દેતાં નથી. પૂર્વવત્ સ્વસ્થતાથી વાતનો દોર પાછો સાંધી લેતાં તેઓ કહે છે, આંચકો તો લાગે જ ને? મને પણ જયારે તેણે પોતાનું જીવન દેશને ચરણે ધરી દઈને ઘર છોડવાનું નક્કી કરેલું ત્યારે આંચકો લાગેલો, પણ પછી મેં મારી જાત સંભાળી લીધી હતી.

આટલું બોલી તેઓ ખૂબ ઉત્સાહમાં, ના, પૂરેપૂરા ગૌરવથી કહે છેઃ મને ગર્વ છે કે મારો નરેન્દ્ર લોકોનાં કામ કરી રહ્યો છે, દેશ માટે જીવી રહ્યો છે. તેણે પોતાનું જીવન પૂરા દિલથી દેશને ચરણે ધર્યું છે. જયારે તેણે નિર્ણય કર્યો કે હું હવે દેશ માટે જીવીશ. બસ પછી તેણે આ નિર્ણયનો પૂરેપૂરો અમલ કર્યો છે. જે માતાનાં સારાં નસીબ હોય તેની કૂખે આવો દીકરો અવતરે.

આટલું કહી તેઓ જાણે કે નરેન્દ્રભાઈના વિચારોમાં ખોવાઈ જાય છે. કહે છે, શ્નતે ખૂબ હિંમતવાળો છે, તેનામાં કુદરતી રીતે જ દ્યણી શકિતઓ છે. તે એક વાર નક્કી કરે કે મારે અમુક કામ કરવું છે તે પછી કરીને જ જંપે. અવરોધો આવે તો ડરે નહિ, પડકારો આવે તોય પોતાનો નિર્ણય ફેરવે નહિ. જે કરવાનું છે તે કરવાનું જ. તેની અંદરની ઘણી તાકાત છે. આ તાકાતને જ કારણે તેણે પોતાના વિરોધીઓને હંમેશાં પછાડ્યા છે. નાનપણમાં પણ આવું જ થતું. આજે પણ રાજકારણમાં તેણે અનેક વિરોધોનો સામનો કરવો પડે છે, પણ મને ચિંતા થતી નથી. મને વિશ્વાસ છે કે તે આગળ ને આગળ વધવાનો જ છે. હું તો નાનપણથી જ કહેતી હતી કે નરેન્દ્ર મોટો નેતા બનશે. બન્યો. મારો આત્મા તો એમ પણ કહે છે કે તે જરૂર દેશનો વડા પ્રધાન થશે. હા, પછી ધાર્યું તો ધણીનું જ થાય છે, પણ તેનામાં ઘણી શકિત છે. એ શકિત ગુજરાત માટે, દેશ માટે કામમાં આવે તો મને ખૂબ ગમે.

નાનપણથી જ તે જવાબદાર બની ગયેલો. ઘરમાં બધાને મદદ કરતો, પિતાને કામકાજમાં સહાય કરતો. એટલું જ નહિ, ગામના લોકોને પણ ખૂબ મદદ કરતો. પહેલેથી જ પરગજુ સ્વભાવનો. આ સંસ્કાર કયાંથી આવ્યા એ ચોક્કસ કહેવું અઘરું છે, પણ તેના સ્વભાવના મૂળમાં જે આ ભાવ પડેલો હતો તે જ કદાચ તેને જાહેર જીવનમાં ખેંચી ગયો અને તે જાહેર જીવનમાં લોકો માટે જ કામ કરી રહ્યો છે.

જયારે અમે તેમને પૂછ્યું કે તમારો દીકરો તમને કયારે મળવા આવે છે? તો જવાબ મળ્યો, કશું જ નક્કી નહિ. તેના માટે દેશ પહેલો છે. લોકો પહેલા છે. પછી કુટુંબ. કયારેક ફોન કરીને ખબર પૂછી લે, પણ કોઈ ચોક્કસ સમયે મહિને કે વર્ષે મારી ખબર પૂછવા આવે, મને મળવા આવે એવું કશું નક્કી નહિ અને મને ખબર છે કે તેણે પોતાનું જીવન લોકોને આપી દીધું છે તો હવે મારો હક ઓછો થયો અને લોકોનો હક વધી ગયો.

હું તો એને ટીવી પર જોઈને રાજી થાઉં. હા, જો થોડા દિવસ ટેલિવિઝન પર તે જોવા ન મળે તો મને ન ગમે. મુખ્યમંત્રી તરીકે તેણે સોગંધ લીધા ત્યારે મને બોલાવી હતી. મારા આશીર્વાદ લીધા હતા. નરેન્દ્રભાઈની કઈ કઈ કામગીરી તમને વધારે ગમે રહી છે? એવો પ્રશ્ન સાંભળીને તેઓ તરત જ જવાબ નથી વાળતાં, પણ જવાબ આપતાં પહેલાં થોડી ચર્ચા કરે છે. પછી ટુકડે ટુકડે પોતાનો એક સળંગ જવાબ કહે છે. તેઓ કહે છે, તેણે કન્યાઓને કેળવણી આપવાનું કામ શરૂ કર્યું છે તે મહત્ત્વનું છે. આજના બધા પુરૂષો પાગલ થઈ ગયા છે. ખરી શકિત સ્ત્રીઓ પાસે છે. અત્યાર સુધી આપણે સ્ત્રીઓને નહોતા ભણાવતા, હવે નહિ ચાલે. નરેન્દ્રે આ જે કામ હાથ ઉપર લીધું છે તે ખૂબ મહત્ત્વનું છે. એનાં ફળ ગુજરાતને ચોક્કસ ચાખવા મળશે.

આ ઉપરાંત તે લોકો માટે જે જુદી જુદી યોજનાઓ કરે છે તે સફળ બનાવીને જ રહેશે. તેને ખબર છે કે લોકોને શું જોઈએ છે. જે લોકો ખોટા હશે, વચેટિયા હશે, દંભી હશે તેને કયારેય તે વશ નહિ થાય. તે પોતાના મનનુ ધાર્યું કરશે. જયારે તેમને એવો સવાલ પૂછાયો કે દ્યણા લોકો એવી ફરિયાદ કરે છે કે નરેન્દ્રભાઈ તોછડા છે, લોકોને ઉતારી પાડે છે. નાનપણમાં પણ તેઓ આવા હતા? તોછડા છે એમ કેવી રીતે કહેવાય? એ સ્પષ્ટવકતા છે. એને જે સાચું લાગે તે કહી જ દે. મારા તો પાંચેપાંચ છોકરાઓ એવા છે. મારો સ્વભાવ પણ એવો છે. લોકો જો સાચું સહન ન કરી શકે તો એમાં બોલનારનો વાંક કેવી રીતે કહેવાય?

હીરાબા પોતાના સૌથી નાના દીકરા પંકજભાઈ સાથે આનંદથી રહે છે. હીરાબા કહે છે, અમે દુઃખના ખૂબ દહાડા જોયા છે, પણ એ તો બધું ચાલ્યા કરે. હીરાબા પોતાના શરીરને સાચવે છે. જોકે હવે કયાંય બહાર જવાની એમની ઇચ્છા નથી. બદરીનાથ, કેદારનાથ સહિત કેટલાંક તીર્થધામોની યાત્રા કરી છે. હવે કહે છે, આ ઉંમરે અને આ શરીરે હવે મારે કયાંય જવું નથી. કહે છે, મને સંપૂર્ણ સંતોષ છે.

જેમનો દીકરો સમગ્ર વિશ્વમાં પોતાના રાષ્ટ્રનું નામ ગજવતો હોય, તેની માતા સંતોષી હોય તે સાવ સ્વાભાવિક છે.

(ખુરશી પર બેઠેલાં હીરાબા.. તસવીર વિરેન્દ્ર રામી, મહેસાણા)

નરેન્દ્રભાઈ મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે એક સામયિકને આપેલી મુલાકાતમાં વાંચ્યું હતું કે તેમને આરએસએસના વડાએ એક ખંડમાં બેસાડીને વિગતવાર વાતો કરી હતી. એ વખતે નરેન્દ્રભાઈ મોદીને ખૂબ જ નવાઈ લાગી હતી કારણ કે તેઓ ગુજરાતમાં હતા અને નવી દિલ્હીમાં વાજપાઈ સહિત ભાજપમાં અનેક ધૂરંધરો હતા. એ વખતે તેમને એવું કહેવાયેલું કે તમારા હસ્તે મોટાં મોટાં કાર્યો થવાનાં જ છે. તમે અનેક મોટાં કાર્યોમાં નિમિત્ત બનવાના છો એટલે આ બધુ તમને કહેવામાં આવી રહ્યું છે...

અને થયું પણ એવું જ..

ભારતના વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈએ અનેક વણઉકલી અને કયારેય ઉકલશે જ નહિ તેવું લાગતી ઘણી પડતર સમસ્યાઓ ઉકેલી છે તે માટે તેમને અભિનંદન. વડાપ્રધાન તરીકે તેઓ ઉત્ત્।મ કાર્યો કરીને દેશને સુખી કરવા મથી રહ્યા છે એ વાત સાચી, પરંતુ સૌથી મોટી સમસ્યા છે આવકની અસમાનતાની. ભાંગતાં અને તૂટતાં ગામડાંઓની. ભારતનો આત્મા ગામડામાં વસે છે તેથી ગામડાની ઉપેક્ષા કરીને કયારેય ભારતને આત્મનિર્ભર નહીં જ કરી શકાય. ગામોને બેઠાં કરવાં પડશે, ઊભાં કરવાં પડશે અને દોડતાં પણ કરવાં જ પડશે. આ કામ પહેલું કરવું પડશે. જોકે એ કામ કરવાની નરેન્દ્રભાઈ મોદી કે સરકારની એક માત્ર જવાબદારી નથી.. એ કામમાં આપણે બધાએ ભાગે પડતું કામ કરવું જ પડશે.

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે ૭૦મો જન્મદિવસ છે. તેમને જન્મદિવસની ૧૧ દરિયા ભરીને શુભકામનાઓ.

પરમ કૃપાળુ પરમાત્મા નિરામય દીર્દ્યાયુ આપે અને તેઓ ભારતવર્ષ અને સમગ્ર માનવજાતની સેવા કરતા રહે.

(આલેખનઃ

રમેશ તન્ના

મો. ૯૮૨૪૦૩૪૪૭૫,

અમદાવાદ)

(3:31 pm IST)