મુખ્ય સમાચાર
News of Friday, 17th September 2021

પાંચ દર્દીઓને પથરી વગર પિતાશયમાં તીવ્ર બળતરા સાથે ગેગરીનની સમસ્યા ઉભી થયેલ

કોરોના મુકત થયેલ લોકોમાં જોવા મળી નવી સમસ્યા

નવી દિલ્હી  તા.૧૭ :  કોરોના વાયરસ રોગચાળામાંથી સાજા થયા બાદ, પાંચ લોકોને પિત્તાશયમાં ગેંગરીનની સમસ્યાનો સામનો કરવો પડ્યો છે. જોકે, લેપ્રોસ્કોપિક સર્જરી દ્વારા પાંચેય દર્દીઓના પિત્તાશયને દૂર કરવામાં આવ્યા છે. આ પાંચ દર્દીઓની જૂન અને ઓગસ્ટ વચ્ચે સર ગંગા રામ હોસ્પિટલમાં સફળતાપૂર્વક સારવાર કરવામાં આવી છે.

હોસ્પિટલમાં લિવર, ગેસ્ટ્રોએન્ટેરોલોજી અને પેનક્રીટીકોબિલરી સાયન્સિસના પ્રમુખ ડો.અનિલ અરોરાએ જણાવ્યું હતું કે, અમે જૂન અને ઓગસ્ટની વચ્ચે આવા પાંચ દર્દીઓની સફળતાપૂર્વક સારવાર કરી. કોવિડ -૧૯ માંથી સ્વસ્થ થયા પછી, આ દર્દીઓને પથરી વગર પિત્તાશયમાં તીવ્ર બળતરા થઈ હતી, જેના કારણે પિત્તાશયમાં ગેંગરીનની સમસ્યા થઈ હતી. આવી સ્થિતિમાં, તાત્કાલિક ઓપેરેશન જરૂરી છે.

તેમણે દાવો કર્યો કે કોવિડ -૧૯ ચેપમાંથી સાજા થયા પછી પિત્તાશયમાં ગેંગરીનના કેસો નોંધાયા હોવાની આ પ્રથમ ઘટના છે. આ પાંચ દર્દીઓમાં ચાર પુરુષ અને એક મહિલા છે, જેની ઉંમર ૩૭ થી ૭૫ વર્ષની વચ્ચે છે.

ગેંગરીન શરીરમાંથી પેશીઓને નાશ કરી નુકસાન પહોંચાડે છે

 ગેંગરીન એક રોગ છે જેમાં શરીરના કેટલાક ભાગોમાં પેશીઓ નાશ પામવાનું શરૂ કરે છે, જેના કારણે ત્યાં જખમો સતત ફેલાય છે. જે સતત સમગ્ર શરીરમાં ફેલાતું રહે છે. તમામ દર્દીઓએ તાવ, પેટની ઉપર જમણી બાજુમાં દુખાવો અને ઉલ્ટીની ફરિયાદ કરી હતી. તેમાંથી બેને ડાયાબિટીસ અને એકને હૃદયરોગ હતો. આ દર્દીઓએ કોવિડ -૧૯ ની સારવારમાં સ્ટેરોઇડ્સ લીધા હતા.

કોવિડ-૧૯ના લક્ષણો અને પિત્તાશયમાં ગેંગરીન રોગની તપાસના સમયગાળા વચ્ચે બે મહિનાનું અંતર હતું. પેટની અલ્ટ્રાસાઉન્ડ અને સીટી સ્કેન દ્વારા આ રોગની તપાસ કરવામાં આવી હતી. ડો. અરોરાએ જણાવ્યું હતું કે તમામ દર્દીઓએ લેપ્રોસ્કોપિક સર્જરી કરાવી હતી અને પિત્તાશયને દૂર કરવામાં આવેલ.

(3:05 pm IST)