મુખ્ય સમાચાર
News of Tuesday, 17th November 2020

નીતિશ કેબીનેટમાં સવર્ણ-ઓબીસી-ઇબીસી-દલિત બધાને મળ્યુ સ્થાન

પહેલીવાર એવુ બન્યુ કે મુસ્લિમને સ્થાન ન મળ્યુ : સૌથી વધુ સ્થાન ભાજપને

પટણા : બિહારમાં આરૂઢ થયેલ નીતિશ સરકારમાં ૧૪ મંત્રી પદ માટે શપથની તૈયારી થઇ છે. ત્યારે તેમાં ૭ નેતા ભાજપ કોટાના અને ૫ નેતા જેડીયુ કોટાના છે. ભાજપ અને જેડીયુએ પોતાના નેતાઓના નામની પસંદગી માટે જાતિગત સમિકરણ પર ધ્યાન કેન્દ્રીત કર્યુ છે. જેમાં દલિત, યાદવ, ભુમિહાર, બ્રાહ્મણ, રાજપૂત જ્ઞાતિના નેતાઓનો સમાવેશ થાય છે. ખાસ કરીને એવું પહેલીવાર બનવા જઇ રહ્યુ છે કે મંત્રીપદ માટે કોઇ મુસ્લિમને સ્થાન ન મળ્યુ હોય.

ભાજપે તૈયાર કરેલ પ મંત્રીઓની નામાવલીમાં તારકિશોરપ્રસાદ - વૈશય સમાજ, રેણુ દેવી - નોનિયા, મંગલ પાંડે - બ્રાહ્મણ, રામપ્રીત પાસવાન - દલિત, નંદકિશોર યાદવ - યાદવ, જીવેશ કુમાર મિશ્ર - ભુમિહારનો સમાવેશ થાય છે.

જયારે જેડીયુએ જાહેર કરેલ પ મંત્રીઓના લીસ્ટમાં વિજય ચૌધરી - ભુમિહાર, વિજેન્દ્ર યાદવ - યાદવ, અશોક ચૌધરી - પાસ, મેલાવાલ ચૌધરી , શીલા મંડલ - ઇબીસીનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત 'હમ' પાર્ટીના સંતોષ માંઝી અને 'વીઆઇપી' પાર્ટીના મુકેશ સહની પણ મંત્રી પદના શપથ લેવા જઇ રહ્યા છે. સંતોષ માંઝીની જ્ઞાતિ મુસહર અને મુકેશ સહનીની જ્ઞાતિ મલ્લાહ છે.

મળતી જાણકારી મુજબ નીતિશ મંત્રી મંડળમાં શામેલ થવા ભાજપ તરફથી અત્યાર સુધીમાં ૬ નામો ફાઇનલ થયા છે. બાકી એક નામ ઉપર હજુ ચર્ચા ચાલુ છે. એક તારકિશોર પ્રસાદ અને રેણુ દેવ. આ બન્ને નેતા બિહારના ઉપમુખ્યમંત્રી માટે ઉપસી રહ્યા છે. સુશીલકુમાર મોદીનું પતુ કપાઇ ગયુ છે.

એનડીએની કુલ ૧૨૫ બેઠકો છે. પરંતુ તેમાં જેડીયુના ભાગે ફકત ૪૩ જ આવી છે. સૌથી વધુ ૭૪ બેઠક ભાજપે મેળવી છે. આમ ભાજપના મંત્રીઓનો દબદબો રહેશે.

(1:33 pm IST)