મુખ્ય સમાચાર
News of Thursday, 18th February 2021

મંદિરની જમીનને હડપવા ભગવાનને મૃત જાહેર કરાયા

લખનઉમાં જમીન હડપ કરવાની ચોંકાવનારી ઘટના : વર્ષ ૨૦૧૬માં મંદિરના અસલી ટ્રસ્ટીએ ફરિયાદ દાખલ કરતા ૨૫ વર્ષ બાદ સમગ્ર મામલો સામે આવ્યો

લખનઉ, તા. ૧૭ : એક જૂની કહેવત છે કે જર, જમીન અને જોરુ...ત્રણે કજીયાના છોરુ. જમીન પારિવારિક ઝઘડાઓ કરાવે છે તો ક્યાંક લોહીની નદીઓ પણ વહાવે છે. જોકે, ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં એક એવી ઘટના સામે આવી છે, જેને જાણીને તમને પણ આશ્ચર્ય થશે. અહીં ૧૦૦ વર્ષ જૂના મંદિરની જમીન હડપવા માટે ભગવાનને કાગળ પર મૃત ઘોષિત કરવામાં આવ્યા હતાં.

ભલા ભગવાનને કોઈ કેવી રીતે મારી શકે છે? પણ હા, લખનઉમાં આવી ઘટના બની છે. આવું એક મંદિરની જમીન હડપવા માટે કરવામાં આવ્યું હતું. એવું કહેવાય છે કે લખનઉનું મંદિર ૧૦૦ વર્ષ જૂનું છે અને તેની જમીન હજાર સ્ક્વેર મીટરથી પણ વધારે ફેલાયેલી છે. જમીન ટ્રસ્ટે ભગવાન કૃષ્ણ અને ભગવાન રામના નામ પર રજીસ્ટર્ડ કરાવી હતી. ટ્રસ્ટની જમીન મોહનલાલ ગંજ વિસ્તારના કુસમૌરા હલુવાપુર ગામમાં આવેલી છે.

થોડા સમય પહેલા ગયાપ્રસાદ નામની વ્યક્તિએ જમીનના દસ્તાવેજોમાં ભગવાન કૃષ્ણ-રામના પિતા તરીકે નામ ઉમેરવામાં આવ્યું હતું. જ્યારે ૧૯૮૭માં જમીનના દસ્તાવેજનું એકત્રીકરણ થયું તો ભગવાન રામ અને કૃષ્ણને મૃત ઘોષિત કરવામાં આવ્યા હતાં અને ટ્રસ્ટને ગયાપ્રસાદના નામ પર ટ્રાન્સફર કરવામાં આવ્યું. સાથે દરેક સંપત્તિ પણ તેના નામે ટ્રાન્સફર થઈ હતી. જે પછી ૧૯૯૧માં ગયાપ્રસાદને પણ મૃત ઘોષિત કરવામાં આવ્યો અને ટ્રસ્ટને તેના ભાઈઓ, રામનાથ અને હરિદ્વારના નામ પર ટ્રાન્સફર કરવામાં આવી હતી.

ઘટના ૨૫ વર્ષ પછી ત્યારે સામે આવી જ્યારે વર્ષ ૨૦૧૬માં મંદિરના અસલી ટ્રસ્ટી સુશીલ કુમાર ત્રિપાઠીએ સબ ઈન્સ્પેક્ટર પાસે ફરિયાદ દાખલ કરાવી હતી. પછી સમગ્ર મામલો જિલ્લા ન્યાયાલયમાં થઈને ઉપ મુખ્યમંત્રીની ઓફિસ સુધી પહોંચ્યો હતો. જોકે, પરિણામ કશું નીકળ્યું નહોતું. હવે એવા પણ સમાચાર છે કે જમીનના અનેક દસ્તાવેજ છેતરપિંડી કરીને બનાવવામાં આવ્યા છે. ઘટનામાં ઉપ મુખ્યમંત્રી દિનેશ શર્માએ તાજેતરમાં એસડીએમ પ્રફુલ્લ ત્રિપાઠીને તપાસ કરવાના આદેશ આપ્યા છે.

પ્રફુલ્લ ત્રિપાઠીનું કહેવું છે કે તપાસમાં વાત સામે આવી છે કે, કોઈ વ્યક્તિએ ટ્રસ્ટમાં રજિસ્ટર્ડ કોઈ વ્યક્તિના નામથી નકલી દસ્તાવેજ બનાવ્યા છે. સમગ્ર ગોટાળો અને છેતરપિંડી મંદિરની ૭૩૦૦ સ્કવેર મીટરની જમીન પર કબજો જમાવવા માટે કરવામાં આવ્યો હતો. એસડીએમે પણ જણાવ્યું કે મંદિરની જમીનને સ્થાનીક ગ્રામસભામાં વેરાન જમીન દર્શાવવામાં આવી છે. વિવાદને એસડીએમ કોર્ડમાં પડકારાયો છે અને હાલ તો મામલે સુનાવણી ચાલી રહી છે.

(12:00 am IST)