મુખ્ય સમાચાર
News of Thursday, 18th February 2021

પૂર્વ કેન્દ્રીય મંત્રી એમજે અકબરના માનહાની કેસમાં પત્રકાર પ્રિયા રામાણી નિર્દોષ જાહેર

જાતીય શોષણના ગુના સામે અવાજ ઉઠાવવા બદલ સ્ત્રીને સજા થઈ શકે નહીં

નવી દિલ્હી : પત્રકાર પ્રિયા રમાણી વિરુદ્ધ પૂર્વ વિદેશ રાજ્યમંત્રી એમજે અકબરના માનહાનીના કેસમાં દિલ્હી ટ્રાયલ કોર્ટે પ્રિયા રમાણીને નિર્દોષ જાહેર કર્યો છે.

કોર્ટે પોતાના નિર્ણયમાં જણાવ્યું કે કોર્ટે જણાવ્યું કે જાતિય સતામણી આત્મસન્માન અને આત્મવિશ્વાસને ખતમ કરી દે છે, કોઇ વ્યક્તિની પ્રતિષ્ઠાની સુરક્ષા કોઇના સન્માનની કિંમત પર નથી કરી શકાતી.
કોઇ મહિલાને દાયકાઓ પછી પણ પોતાની ફરિયાદ રજૂ કરવાનો અધિકાર છે. કોર્ટે જણાવ્યું કે ‘એવું જોવા મળ્યુ છે કે સોશિયલ સ્ટેટસવાળી વ્યક્તિ પણ જાતિય સતામણી કરનાર પણ હોઇ શકે છે.’

કોર્ટે વધુમાં જણાવ્યું કે પીડિતને ઘણા વર્ષોથી ખબર નહોતી કે તેની સાથે શું થઈ રહ્યું છે. મહિલાને ગમે ત્યારે અને ગમે ત્યાં તેની સાથેના ગુના વિશે બોલવાનો અધિકાર છે. દાયકાઓ પછી પણ, મહિલા તેના વિરુદ્ધના ગુના સામે અવાજ ઉઠાવી શકે છે. જાતીય શોષણના ગુના સામે અવાજ ઉઠાવવા બદલ સ્ત્રીને સજા થઈ શકે નહીં.

ઉલ્લેખનીય છે કે પત્રકાર પ્રિયા રમાણીએ #MeToo મૂવમેન્ટ દરમિયાન પૂર્વ કેન્દ્રીય મંત્રી અને પત્રકાર એમજે અકબર પર સેક્સુઅલ હેરેસમેન્ટનો આરોપ લગાવ્યો હતો. અકબરે આ તમામ આરોપોને નકારી કાઢી રમાણી પર ગુનાહિત માનહાનીનો કેસ કર્યો હતો

પત્રકાર પ્રિયા રમાણીએ વર્ષ 2018માં #MeToo મૂવમેન્ટ દરમિયાન વિદેશ રાજ્ય મંત્રી એમજે અકબર પર સેક્સુઅલ હેરેસમેન્ટનો આરોપ લગાવ્યો હતો. પ્રિયા રમાણીએ 2017માં વોગ મેગેઝિન માટે એક આર્ટિકલ લખ્યો હતો, તેમાં તેમણે પૂર્વ બોસ પર સેક્યુઅલ હેરેસમેન્ટનો આરોપ લગાવ્યો હતો. વોગના આર્ટિકલના એક વર્ષ પછી વર્ષ 2018માં #MeToo મૂવમેન્ટ દરમિયાન, રમાણીએ ખુલાસો કર્યો હતો કે તેમના પૂર્વ બોસ એમજે અકબર હતા. ત્યારબાદ અંદાજે 20 જેટલી મહિલાઓએ તેમના પર છેડતીનો આરોપ લગાવ્યો હતો. તેના કારણે અકબરે પોતાના મંત્રી પદ પરથી રાજીનામું આપવા પડ્યુ હતુ. ત્યારબાદ એમજે અકબરે પત્રકાર પ્રિયા રમાણી વિરુદ્ધ માનહાનીનો કેસ કર્યો હતો

આ ઘટના ત્યારની છે જ્યારે એમજે અકબર ધ એશિયન એજના એડિટર હતા. પ્રિયા રમાણીએ વર્ષ 1994માં જાન્યુઆરીથી ઓક્ટોબર દરમિયાન આ કંપની સાથે કામ કર્યુ હતુ.

(12:00 am IST)