મુખ્ય સમાચાર
News of Thursday, 18th February 2021

ઉન્નાવમાં ફરી હચમચાવનારી ઘટના

૩ બહેનો ખેતરમાંથી બાંધેલ હાલતમાં મળી આવી

દુપટ્ટાથી હાથ બાંધેલ છે : ૧૩ થી ૧૭ વર્ષની સગીર વયની : દલિત પરિવારોમાં હાહાકાર મચી ગયો : બેના મોત અને ત્રીજીની સ્થિતિ નાજૂક

ઉન્નાવ (ઉત્તરપ્રદેશ) તા. ૧૮ : લખનૌ અને કાનપુરની વચ્ચે આવેલા ઔદ્યોગિક શહેર ઉન્નાવથી હૃદય હચમચાવતી ઘટના બહાર આવી છે. બે લાખની વસ્તીવાળા આ શહેરના અસોહા પોલીસ મથક હેઠળના બબુરહા ગામમાં ખેતરે ઢોર ચરાવવા ગયેલ ૧૩-૧૬ અને ૧૭ વર્ષની ૩ સગીર વયની દલિત બાળાઓ એક ખેતરમાંથી બેહોશ સ્થિતિમાં દુપટ્ટાથી બાંધેલી હાલતમાં મળી આવેલ. તેમાંથી બેના મોત થઇ ગયા છે. જ્યારે ત્રીજીની સ્થિતિ હોસ્પિટલમાં ગંભીર ગણાવાય છે. હોસ્પિટલના ડો. વિમલ આર્યાએ ઝેરી પદાર્થ પી જવાથી મૃત્યુ થયાની શંકા દર્શાવી છે. હત્યા થઇ છે કે કેમ તે તપાસ થઇ રહી છે.

ગામના સંતોષ વર્માની પુત્રી કોમલ (૧૭ વર્ષ), સૂરજપાલ વર્માની પુત્રી કાજલ (૧૩ વર્ષ) અને સૂરજ બલીની પુત્રી રોશની (૧૭ વર્ષ) બપોરે ઢોર માટે ચારો વીણવા ખેતરમાં ગયેલ. મોડી સાંજ સુધી પરત નહિ આવતા પરિવારના લોકો ખેતરે પહોંચ્યા તો એક જ દુપટ્ટેથી બાંધેલ ત્રણે છોકરીઓ મળી આવેલ જેમાં કોમલ અને કાજલના મૃત્યુ થયા હતા.

રોશનીને વધુ સારવાર માટે કાનપુર લઇ ગયા છે જ્યાં સ્થિતિ ખૂબ ગંભીર છે. આ વિસ્તારમાં ભારે તંગદિલીના પગલે મોટાપાયે પોલિસ ફોર્સ ગોઠવી દેવાયું છે. સ્થળ ઉપરથી ઉલટી થયેલ મળી છે. ત્રણે ઘાસચારો કાપવા ગઇ હતી. ત્રણેના પરિવારોને ઘરમાં પૂરી દેવામાં આવ્યા છે, બહાર નિકળવા નથી દેવાયા.

બનાવ ખૂબ ગંભીર છે ત્યારે બચી ગયેલ રોશની સાથે વાતચીત કરવા પ્રયાસ થઇ રહ્યો છે. પણ હોશ નહિ હોવાથી સફળતા મળી નથી. રોશનીનો ભાઇ કહે છે કે, તે રોજ ઘાસ કાપવા ખેતરે જતી હતી. ત્રણે અંદરોઅંદર કઝીન સીસ્ટર થાય છે. સમગ્ર વિસ્તારમાં ભારે રોષ અને તંગદિલી છવાયા છે.

(10:58 am IST)