મુખ્ય સમાચાર
News of Thursday, 18th February 2021

ફાસ્ટૈગના અમલથી સરકારી તિજોરીઓ છલકાશે

૧૧ હજાર કરોડથી વધુ આવકની આશા : કૃષિ વાહનોને ટોલ મુકિત : સ્થાનિક રહેવાસીઓ માટે ઓછા દરના પાસની સુવિધા : હવે ટ્રાફીક જામના દ્રશ્યો થશે દુર્લભ : પ્રદુષણનો પ્રશ્ન પણ હલ

નવી દિલ્હી તા. ૧૮ : કેન્દ્ર સરકારે ૧૫ ફેબ્રુઆરીથી દરેક ટોલ નાકા પર ફાસ્ટેગ ફરજીયાત બનાવી દેતા ટોલ ટેક્ષની આવક ૧૧ હજાર કરોડથી વધુ જવાની આશા સેવવામાં આવી રહી છે.

આ ટેકનીકનો મોટો ફાયદો એ રહેશે કે વારંવાર ટોલ નાકા પર થતા ટ્રાફીક જામની સમસ્યાનો હલ આવી જશે. આવા ટ્રાફીક જામ સમયે વ્યર્થ બળી જતા પેટ્રોલ ડીઝલની પણ બચત થશે. ટ્રાફીક જામ ન થવાથી પ્રદુષણ પણ અટકશે અને પર્યાવરણમાં સુધારો આવશે. આમ યાત્રિઓ અને આમ લોકોને પણ ફાયદો રહેશે અને સરકારની તીજોરી પણ છલકાતી રહેશે. એમ અનેક ફાયદા આ ફાસ્ટૈગ પધ્ધતિ માટે જોવામાં આવી રહ્યા છે.

કૃષિ સાથે સંકળાયેલા વાહનોને ટોલ ટેકસમાંથી પહેલાની જેમ મુકિત કાયમ રાખવામાં આવી છે.

માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યા મુજબ દરેક ટોલ પ્લાઝા પર ડાબી તરફની લાઇન પર રોકડ ચુકવણીની પ્રથા હતી તે પણ હવે ૧૫ ફેબ્રુઆરીથી નિકળી જશે અને બધા માટે ફાસ્ટૈગ ફરજીયાત બની જશે. જે વાહનોમાં ફાસ્ટૈગ નહીં હોય તેમની પાસેથી ડબલ ટેકસ વસુલવામાં આવશે.

એનએએઆઇના નિયમો મુજબ ટોલ  નાકા પર ૨૦ કિ.મી.ના અંતરમાં રહેવાવાળા સ્થાનિક લોકો માટે કંપની તરફથી ઓછા દરવાળા પાસ કાઢવામાં આવી રહ્યા છે. આ પાસ ફાસ્ટૈગ સીસ્ટમમાં અપલોડ કરવાથી સ્થાનીક લોકો આસાનીથી ઓછા દરે અવર જવર કરી શકશે.

એજ રીતે કૃષિ માટેના વાહનોને પણ ટેકસ મુકિત છે એટલે તેમને ફાસ્ટૈગની જરૂર જ નહીં રહે. તેઓ એમ જ પસાર થઇ શકશે. હાલ ફાસ્ટૈગ વગર નિકળતા વાહનોને કારણે ઘણી જગ્યાએ ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાઇ રહ્યા છે. પરંતુ દિવસો જતા આ સ્થિતિ થાળે પડી જશે. તેમ કંપની અધિકારીઓનું માનવુ છે.

(12:44 pm IST)