મુખ્ય સમાચાર
News of Thursday, 18th February 2021

ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન એમ જે. અકબરને ઝટકો પ્રિયા રમાણી વિરૂધ્ધ માનહાનીનો કેસ રદ કર્યો

કોઇ વ્યકિતની પ્રતિષ્ઠા કોઇના સન્માનની કિંમતે ન રાખી શકાય

નવી દિલ્હીઃ ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન એમ.જે.અકબર દ્વારા પ્રિયા રમાણી વિરૂધ્ધ કરવામાં આવેલ માનહાનીનો કેસ કોર્ટે કાઢી નાખ્યો છે. કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે મહિલાને દાયકાઓ પછી પણ પોતાની ફરીયાદ રજુ કરવાનો અધિકાર છે. આ સાથે જ રાઉજ એવન્યુ કોર્ટે માનહાની કેસમાં પ્રિયા રમાણીને નિર્દોષ જાહેર કરી છે.

કોર્ટે કહ્યું કે યૌન શોષણ આત્મ સન્માન અને આત્મ વિશ્વાસને ખતમ કરી નાખે છે, કોઇ વ્યકિતની પ્રતિષ્ઠાની સુરક્ષા કોઇ વ્યકિતના સન્માનની કિંમતે ન કરી શકાય. મહિલાઓને દાયકાઓ પછી પણ પોતાની ફરીયાદનો અધિકાર છે, સામાજીક પ્રતિષ્ઠા ધરાવતી વ્યકિત પણ યૌન શોષણ કરી શકે છે.

કોર્ટે કહ્યું કે પીડિતાને કેટલાય વર્ષો સુધી એ ખબર નહોતી કે તેની સાથે શું થઇ રહ્યું છે. મહિલાને પોતાની સામે થયેલા અપરાધ બાબતે ગમે ત્યારે અને ગમે ત્યાં પોતાની વાત કરવાનો અધિકાર છે. દાયકાઓ પછી પણ મહિલા પોતાની સામે થયેલા અપરાધ વિરૂધ્ધ અવાજ ઉઠાવવા માટે સજા ન કરી શકાય.

કોર્ટના ચુકાદા પછી પ્રિયા રમાણીએ પોતાના વકીલ અને તેની ટીમનો આભાર માન્યો હતો. અકબર દ્વારા કરવામાં આવેલ માનહાનિ કેસમાં ગયા અઠવાડીયે બંને પક્ષોની દલીલો પુરી થયા પછી કોર્ટે પોતાનો ચૂકાદો અનામત રાખ્યો હતો. એમ જે અકબરની વકીલ ગીતા લૂથરાએ પોતાની દલીલમાં કહ્યું કે આ કેસ યૌન ઉત્પીડનનો નથી પણ તેમની પ્રતિષ્ઠા સાથે જોડાયેલ છે.

(3:14 pm IST)