મુખ્ય સમાચાર
News of Thursday, 18th February 2021

સોનાના ભાવ આઠ મહિનાના તળીયે : હોલમાર્ક સોનાનો ભાવ છેલ્લા 17 દિવસમાં રૂ,2166 ઘટ્યો

કસ્ટમ ડ્યૂટીમાં કરાયેલો ઘટાડો, ક્રૂડમાં ઊછાળો અને ઇક્વિટીમાં ઊંચુ રિટર્નથી સોનામાં ચમક ઘટી

અમદાવાદઃ એક તરફ પેટ્રોલ-ડીઝલનો ભાવ વધારો થઇ રહયો છે બીજી બાજુ સોનું અને સોનાના દાગીનાનો ભાવ અમદાવાદમાં 8 મહિનાની નીચી સપાટીએ આવી ગયા. છેલ્લે રુ. 48000ની આસપાસનો સોનાનો ભાવ લોકડાઉન હળવું કરાયા બાદ થયો હતો.

અમદાવાદ બુલિયન બજારમાં 999 (24 કેરેટ) સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ (1 તોલા) ઘટીને 48300 રૂપિયા થઇ ગયો. જેમાં છેલ્લા 2 દિવસમાં 800 રુપિયાનો ઘટાડો નોંધાયો.છે
હોલમાર્ક સોનાનો ભાવ 47334 રૂપિયા હતો. જેમાં 17 દિવસમાં 2166 રુપિયાનો ઘટાડો થયો છે.

વિશ્લેષકોના જણાવ્યા મુજબ પીળી ધાતુના ભાવઘટાડા પાછળ ઘણા પરિબળો જવાબદાર છે. જેમાં બજેટની જાહેરાતમાં સોના પર કસ્ટમ ડ્યૂટીમાં કરાયેલો ઘટાડો, ક્રૂડમાં ઊછાળો અને ઇક્વિટીમાં ઊંચુ રિટર્ન સામેલ છે.

દિલ્હીમાં સોનું MCX પર વાયદામાં 0.4 ટકા ઘટી 46,704 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નોંધાયું. જ્યારે ચાંદી 0.4 ટકા વધીને 69500 રૂપિયા પ્રતિ કિલોના ભાવે પહોંચી ગઇ છે.

વૈશ્વિક બજારોમાં સોનાના ભાવ 1782.61 ડોલર પ્રતિ ઔંસે સ્થિર છે. ગત વર્ષે સોનાના ભાવમાં 25 ટકાનો ઊછાળો જોવા મળ્યો હતો. પરંતુ આ વર્ષે સોનાના ભાવો કોરોના રસી અને રાહત પેકેજને કારણે જોવા મળી રહી હોવાનું પણ મનાય છે

(7:08 pm IST)