મુખ્ય સમાચાર
News of Thursday, 18th February 2021

પીએમ મોદી ‘પરીક્ષા પે ચર્ચા 2021’ દરમિયાન સમગ્ર વિશ્વના વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ સાથે ઓનલાઇન સંવાદ કરશે

લોકપ્રિય માંગના આધારે ‘પરીક્ષા પે ચર્ચા 2021’ માં માતાપિતા અને શિક્ષકો પણ સામેલ રહી શકશે

નવી દિલ્હી : વડાપ્રધાન  મોદી ‘પરીક્ષા પે ચર્ચા 2021’ દરમિયાન સમગ્ર વિશ્વના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે ઓનલાઇન સંવાદ કરશે. પ્રધાનમંત્રીએ શ્રેણીબદ્ધ ટ્વિટમાં કહ્યું, "અમારા બહાદુર #ExamWarriors (પરીક્ષા યોદ્ધાઓ) પરીક્ષા માટે તૈયારીઓ કરી લો, ફરી એક વાર 'પરીક્ષા પે ચર્ચા 2021' આ વખતે ઓનલાઇન માધ્યમ દ્વારા યોજાશે અને આખા વિશ્વના વિદ્યાર્થીઓ આમાં જોડાઈ શકશે, આવો આપણે પરીક્ષામાં સ્મિત સાથે અને તણાવ વગર ઉપસ્થિત રહીએ ! #PPC2021

લોકપ્રિય માંગના આધારે ‘પરીક્ષા પે ચર્ચા 2021’ માં માતાપિતા અને શિક્ષકો પણ સામેલ રહી શકશે. આમાં આનંદથી ભરપૂર ચર્ચા થશે સાથે ગંભીર વિષયો પણ આવરી લેવામાં આવશે. હું મારા વિદ્યાર્થી મિત્રો, તેમના અદ્ભુત માતાપિતા અને મહેનતુ શિક્ષકોને મોટી સંખ્યામાં  #PPC2021 માં ભાગ લેવા આહ્વાન કરું છું."

શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ સાથે પ્રધાનમંત્રીના સંવાદ કાર્યક્રમની પ્રથમ આવૃત્તિ "પરીક્ષા પે ચર્ચા 1.0" 16મી ફેબ્રુઆરી, 2018ના રોજ નવી દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ ખાતે યોજાઇ હતી. શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ સાથેના આ સંવાદ કાર્યક્રમની બીજી આવૃત્તિ "પરીક્ષા પે ચર્ચા 2.0" 29 જાન્યુઆરી, 2019ના રોજ નવી દિલ્હીના ટાકટોરા સ્ટેડિયમ ખાતે યોજાઈ હતી. શાળાના વિદ્યાર્થીઓ સાથે પ્રધાનમંત્રીના સંવાદ કાર્યક્રમની ત્રીજી આવૃત્તિ "પરીક્ષા પે ચર્ચા 2020" 20 જાન્યુઆરી, 2020ના રોજ નવી દિલ્હીના ટાકટોરા સ્ટેડિયમ ખાતે યોજવામાં આવી હતી.

(11:56 pm IST)