મુખ્ય સમાચાર
News of Thursday, 18th February 2021

ઓસ્ટ્રેલિયામાં ફેસબુકે ન્યૂઝની સર્વિસ બંધ કરતા હોબાળો મચ્યો : વડાપ્રધાન મોરિસને કહ્યું- અનફ્રેન્ડ કરવું ઘમંડ ભર્યું

અમેરિકન ફેસબુક મીડિયા કંપની ફેસબુક અને ઓસ્ટ્રેલિયન સરકાર વચ્ચે સંઘર્ષ

ઓસ્ટ્રેલિયામાં ફેસબુકે ન્યૂઝની સર્વિસ બંધ કરી દેતાં હોબાળો મચ્યો હતો. ફેસબુક દ્વારા ન્યૂઝ સર્વિસ બ્લોક કરી દેતા સરકારની હેલ્થ સહિતની ઈમરજન્સી સર્વિસ પણ પ્રભાવિત થઈ હતી. મીડિયાના ફેસબુક પેજ બ્લોક થઈ ગયા હતા. એટલું જ નહીં, વિદેશી મીડિયાના ઓસ્ટ્રેલિયાના પેજ પણ બંધ થઇ ગયા હતા. વડાપ્રધાન સ્કોટ મોરિસને આ પગલાંની નિંદા કરી હતી

ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન મોરિસને આ અંગે કહ્યું કે, “ફેસબુકનો ઓસ્ટ્રેલિયાને અનફ્રેન્ડ કરવાનું પગલું જેટલું ઘમંડભર્યું છે તેટલું જ આ પ્લેટફોર્મ નિરાશાજનક છે.”

મોરિસને કહ્યું કે, ફેસબુકે સ્વાસ્થ્ય સંબંધી અને ઈમરજન્સી સેવાઓ જેવી મહત્વપૂર્ણ જાણકારીઓ પણ રોકી દીધી છે. જોકે, ફેસબુકે કહ્યું હતુ કે, તેઓ માત્ર પબ્લિશર્સ અને યૂઝર્સને ન્યૂઝ શેર કરવાથી રોકશે

 

ઓસ્ટ્રેલિયન સરકાર અને ફેસબુક વચ્ચે ન્યૂઝ સર્વિસ મુદ્દેને લઈને પાછલા કેટલાક સમયથી ઘર્ષણ ચાલી રહ્યું છે. ફેસબુક-ગૂગલે તેના પ્લેટફોર્મમાં ન્યૂઝ બતાવવા બદલ મીડિયા હાઉસને વળતર ચૂકવવું પડશે એવો કાયદો ઓસ્ટ્રેલિયન સરકારે બનાવ્યો તે પછી અમેરિકન ફેસબુક મીડિયા કંપની ફેસબુક અને ઓસ્ટ્રેલિયન સરકાર વચ્ચે સંઘર્ષ થયો છે.

ઓસ્ટ્રેલિયન સરકારે મક્કમતા બતાવીને કાયદામાં કોઈ જ ફેરફાર નહીં થાય એવું કહ્યું હતું. બંને વચ્ચે સંઘર્ષ વધતો ગયો એટલે અંતે ફેસબુકે ન્યૂઝની સર્વિસ બ્લોક કરી દીધી હતી. જેમાં ફેસબુકનું પોતાનું ન્યૂઝનું પેજ પણ બંધ થયું હતું. અસંખ્ય સરકારી પેજ બંધ થયા હતા. સમાચાર પત્રોના ફેસબુક પેજ બ્લોક કરી દેવાયા હતા.વિદેશી મીડિયાના ફેસબુક પેજ ઓસ્ટ્રેલિયામાં દેખાતા બંધ થયા હતા. ન્યૂઝની સર્વિસ બંધ થતાં ઓસ્ટ્રેલિયામાં હેલ્થ સહિતની ઈમરજન્સી સર્વિસ પ્રભાવિત થઈ હતી.

વડાપ્રધાન સ્કોટ મોરિસને ફેસબુકની પગલાંની આકરી ટીકા કરી હતી. વડાપ્રધાને કહ્યું હતું કે આ ઓસ્ટ્રેલિયાની સ્વતંત્રતા પર કંપનીનો હસ્તક્ષેપ છે. આવું વર્તન ચલાવી લેવાશે નહીં. ટેકનોલોજી કંપનીઓને લાગે છે કે તે લોકો દ્વારા ચૂંટાયેલી સરકારો કરતાં પણ વધુ શક્તિશાળી છે. આ કંપનીઓ મન ફાવે તેવું વર્તન કરે છે અને ગમે ત્યારે ગમે તે સર્વિસ બંધ કરી દે છે. આ પગલું ઘમંડી છે અને તેનો યોગ્ય જવાબ અપાશે. સરકાર ઉપરાંત વિપક્ષના નેતાઓએ પણ ફેસબુકની ઝાટકણી કાઢી હતી.

એ પછી આખાય ઓસ્ટ્રેલિયામાં ડિલિટ ફેસબુક હેશટેગથી લોકોએ ટ્વિટ કર્યું હતું અને કેમ્પેઈન ચલાવ્યું હતું. હેલ્થ જેવી ઈમરજન્સી સર્વિસ પણ ફેસબુકમાં બંધ થઈ જતાં નારાજ થયેલા લોકોએ ફેસબુકના એકાઉન્ટ્સ ડિલિટ કર્યા હતા.

(12:47 am IST)