મુખ્ય સમાચાર
News of Tuesday, 17th May 2022

શ્રીલંકાની રાષ્ટ્રીય એરલાઈન વેચવાની નવી સરકારની યોજના :પગાર કરવા નોટો છાપશે

અધિકારીઓને સરકારી કર્મચારીઓની સેલેરી આપવા માટે નવી નોટ છાપવા માટે મજબૂર થવું પડ્યું :શ્રીલંકાની એરલાઈન 45 બિલિયન રૂપિયાના નુકશાનમાં હતી

કોલંબો :  શ્રીલંકાની નવી સરકારે આર્થિક નુકશાનની ભરપાઈ કરવા માટે પોતાની રાષ્ટ્રીય એરલાઈનને વેચવાની યોજના બનાવી છે. જેથી દેશની નાણાકીય સ્થિતિને સંભાળી શકાય. અધિકારીઓને સરકારી કર્મચારીઓની સેલેરી આપવા માટે નવી નોટ છાપવા માટે મજબૂર થવું પડ્યું છે. શ્રીલંકાના નવા તંત્રની યોજના છે કે, શ્રીલંકાની એરલાઈનને પ્રાઈવેટ હાથોમાં સોંપી દેવામાં આવે. વડા પ્રધાન રાનિલ વિક્રમસિંઘે ટીવી પર આપેલા એક સંબોધનમાં એ કહ્યું કે, માર્ચ 2021માં પૂર્ણ થયેલા નાણાકીય વર્ષમાં શ્રીલંકાની એરલાઈન 45 બિલિયન રૂપિયાના નુકશાનમાં હતી.

શ્રીલંકા અભૂતપૂર્વ આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યું છે અને દેશ વિદેશી દેવું પર ડિફોલ્ટ થવાથી થોડા દિવસો દૂર છે. વિક્રમસિંઘે કહ્યું કે, એવું ન થવું જોઈએ કે, જેમણે ક્યારેય કોઈ વિમાનમાં પગ ન મૂક્યો હોય તેવા ગરીબ લોકો આ નુકશાનનો ભાર ઉઠાવે.

વિક્રમસિંઘ શ્રીલંકાના વડાપ્રધાન બન્યાને એક અઠવાડિયું પણ નથી થયું. તેમણે કહ્યું કે, તેમણે સેલેરી આપવા માટે નોટ છાપવા માટે મજબૂર થવું પડ્યું છે જેનાથી દેશની મુદ્રા પર વધુ ભાર પડશે. શ્રીલંકામાં માત્ર એક દિવસનું જ પેટ્રોલ બચ્યું છે અને સરકાર ખુલ્લા બજારમાં ડોલર એકત્ર કરવાનો પ્રયત્ન કરી રહી છે જેથી ક્રૂડ ઓઈલ અને કેરોસિન તેલના ત્રણ જહાજોની કિંમત ચૂકવી શકાય જે હવે શ્રીલંકાના તટ પર પહોંચી ચૂક્યા છે.

(12:24 am IST)