મુખ્ય સમાચાર
News of Friday, 18th June 2021

અમેરિકાની ફેડરલ રિઝર્વની ફેડરલ ઓપન માર્કેટ કમિટિએ વ્યાજ દર જાળવી રાખ્યા

બોન્ડ બાઈંગ પર ક્યારે કાપ મુકાશે તે અંગે કોઈ સ્પષ્ટતા નહીં:વર્તમાન દર યથાવત રાખવાનો સર્વાનુમતે નિર્ણય

નવી દિલ્હી : અમેરિકાની ફેડરલ રિઝર્વની ફેડરલ ઓપન માર્કેટ કમિટિએ બે દિવસની બેઠકના અંતે અપેક્ષા પ્રમાણે વ્યાજ દર જાળવી રાખ્યો હતો, પરંતુ રેપો રેટમાં સમય પહેલા વધારો કરવાના સંકેત પણ આપી દીધા હતા. જો કે બોન્ડ બાઈંગ કાર્યક્રમ પર ક્યારે કાપ મુકાશે તે એંગે કમિટિના ચેરમેન જેરોમ પોવેલે કોઈ સંકેત આપ્યા નહોતા. વર્તમાન વર્ષમાં ફુગાવો વધવાની કમિટિ અપેક્ષા રાખી રહી છે.

બે દિવસની બેઠક દરમિયાન બોન્ડ બાઈંગ કાર્યક્રમ પર ચર્ચા કરવામાં આવી હતી એમ પોવેલે બેઠક બાદ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું. બોન્ડ બાઈંગ પર ક્યારે કાપ મુકાશે તે અંગે તેમણે કોઈ સ્પષ્ટતા કરી નહોતી.

હાલમાં અમેરિકોમાં ટૂંકા ગાળાનો બોરોઈંગ દર શૂન્યની નજીક છે. જો કે તેમાં ૨૦૨૩માં બે વખત વધારો થવાની શકયતા જોવાઈ રહી છે. વર્તમાન દર યથાવત રાખવાનો સર્વાનુમતે નિર્ણય લેવાયો હતો.

રિટેલ ભાવ હાલમાં વધીને ૧૩ વર્ષની ઊંચી સપાટીએ પહોંચી જતા ફુગાવો એક ટકો વધીને ૩.૪૦ ટકા પર પહોંચવા ધારણાં રાખવામાં આવી રહી છે.

વેક્સિનેશનમાં પ્રગતિને કારણે અમેરિકામાં કોરોનાનો ફેલાવો ઘટી ગયો છે. કોરોના પર કાબુ તથા મજબૂત નીતિવિષયક ટેકાને કારણે આર્થિક પ્રવૃત્તિના નિર્દેશાંકો અને રોજગારમાં મજબૂતાઈ જોવા મળી રહી હોવાનું કમિટિ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં જણાવાયું હતું.

(12:53 am IST)