મુખ્ય સમાચાર
News of Friday, 18th June 2021

PM મોદીએ લોન્ચ કર્યો કેશ કોર્સ

કોરોના સામે જંગ માટે તૈયાર થશે ૧ લાખ વોરિયર્સ

શરૂઆત વડાપ્રધાન કૌશલ્ય વિકાસ યોજના ૩.૦ હેઠળ દેશના ૨૬ રાજયોમાં સ્થિત ૧૧૧ પ્રશિક્ષણ કેન્દ્રોમાં કરાશે

નવી દિલ્હી, તા.૧૮: કોવિડ-૧૯ ફ્રન્ટલાઇન વર્કર્સ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ક્રેશ કોર્સ લોન્ચ કર્યો છે. સાથે જ તેમણે મહામારી કોવિડ-૧૯ને લઇને દેશને તૈયાર રહેવાનો સંદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે, આજે શરૂ કરાઇ રહેલાં ક્રેશ કોર્સ દ્વારા એક લાખ વોરિયર્સને મહામારીનો સામનો કરવા માટે તૈયાર કરવામાં આવશે. વડાપ્રધાને ક્રેશ કોર્સ કરનારા ફ્રન્ટલાઇન વર્કર્સને શુભેચ્છા આપી અને આશા વ્યકત કરી કે ટૂંક સમયમાં હેલ્થકેર વર્કરોના સહયોગ માટે તૈયાર થશે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વર્કર્સ માટે ખાસ તૈયાર કરેલા આ ક્રેશ કોર્સ પ્રોગ્રામની શરૂઆત વીડિયો કોન્ફ્રિેન્સંગના માધ્યમથી કરી. આની શરૂઆત વડાપ્રધાન કૌશલ્ય વિકાસ યોજના ૩.૦ હેઠળ દેશના ૨૬ રાજયોમાં સ્થિત ૧૧૧ પ્રશિક્ષણ કેન્દ્રોમાં કરાશે.

વડાપ્રધાને કહ્યું કે, આ મહામારીએ દુનિયાના દરેક દેશ, દરેક સંસ્થા, દરેક સમાજ, દરેક પરિવાર, દરેક મનુષ્યના સામર્થ્યને વારંવાર પારખ્યા છે. ત્યાં જ, આ મહામારીએ સાયન્સ, સરકાર, સમાજ, સંસ્થા અને વ્યકિતના રૂપમાં આપણને પોતાની ક્ષમતાઓનો વિસ્તાર કરવા માટે સતર્ક પણ કર્યા છે. કોરોના સામે લડી રહેલી વર્તમાન ફોર્સને સપોર્ટ કરવા માટે દેશમાં લગભગ એક લાખ યુવાઓને પ્રશિક્ષિત કરવાનું લક્ષ્યાંક છે. આ કોર્સ ૨-૩ મહિનામાં પૂર્ણ થઇ જશે.

વારંવાર રૂપ બદલી રહેલા વાયરસને લઈને વડાપ્રધાને કહ્યું કે, કોરોનાની બીજી લહેરમાં આપણે જોયું કે આ વાયરસનું વારંવાર બદલાતું સ્વરૂપ કેવા પ્રકારના પડકારો આપણી સામે લાવી શકે છે. આ વાયરસ આપણી વચ્ચે હજુ પણ છે અને આના મ્યૂટેડ થવાની સંભાવના પણ છે.

પીએમ મોદીએ કહ્યું કે, આ અભિયાનથી કોવિડ સામે લડી રહેલી આપણી હેલ્થ સેકટરની ફ્રન્ટ લાઇન ફોર્સને નવી ઉર્જા પણ મળશે અને આપણા યુવાઓ માટે રોજગારની નવી તકો પણ બનશે. છેલ્લા સાત વર્ષમાં દેશમાં નવી એમ્સ, નવી મેડિકલ કોલેજ, નવી નર્સિંગ કોલેજના નિર્માણ પર ભાર મૂકવામાં આવ્યો છે.

(4:12 pm IST)