મુખ્ય સમાચાર
News of Friday, 18th June 2021

મોટો ચૂકાદો લિવ ઈન રિલેશનમાં રહેતી પરિણીત મહિલાને ન મળે કાયદાનો લાભઃ હાઈકોર્ટે નવો ઇતિહાસ રચતો લીધો નિર્ણય

અલાહાબાદ, તા.૧૮:  હાઈકોર્ટે ગુરૂવારે લિવ ઈન રિલેશનમાં રહેતી પરિણીત મહિલાને લઈ ખૂબ જ મહત્વનો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે મહિલાને લિવ ઈનમાં રહેવા સંરક્ષણ આપવા ના પાડી દીધી છે. આ સાથે જ કોર્ટે મહિલાની અરજી ફગાવીને તેને ૫,૦૦૦ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. અલાહાબાદ હાઈકોર્ટે સવાલ કર્યો હતો કે, શું અમે એવા લોકોને સંરક્ષણ આપવાનો આદેશ આપી શકીએ જેણે દંડ સંહિતાનું અને હિંદુ વિવાહ અધિનિયમનું ખુલ્લેઆમ ઉલ્લંદ્યન કર્યું હોય. કોર્ટે જણાવ્યું કે, અનુચ્છેદ ૨૧ તમામ નાગરિકોને જીવનની સ્વતંત્રતાની ગેરન્ટી આપે છે પરંતુ આ સ્વતંત્રતા કાયદામાં રહીને હોય તો જ સંરક્ષણ મળી શકે છે. હકીકતે અલીગઢની ગીતાએ અરજી દ્વારા પોતાના પતિ અને સાસરિયાઓથી સુરક્ષા આપવા માંગ કરી હતી. તે પોતાની મરજીથી પોતાના પતિને છોડીને અન્ય વ્યકિત સાથે લિવ ઈન રિલેશનમાં રહે છે. તેના કહેવા પ્રમાણે તેનો પતિ અને પરિવારના લોકો તેના શાંતિપૂર્ણ જીવનમાં હસ્તક્ષેપ કરે છે. હાઈકોર્ટે ગીતાની આ અરજીને લઈ મહત્વનો ચુકાદો આપ્યો છે.

અગાઉ પંજાબ-હરિયાણા હાઈકોર્ટે લિવ ઈન રિલેશનમાં રહેતા એક કપલને સુરક્ષા આપવાની ના પાડી દીધી હતી. હાઈકોર્ટના કહેવા પ્રમાણે જો કપલને સંરક્ષણ આપવામાં આવે તો તેનાથી સામાજીક તાણાવાણા પર ખરાબ અસર પડશે.

(4:16 pm IST)